સોમનાથમાં શ્રાવણ માસનો પ્રારંભ: મેઘરાજાની પધરામણી વચ્ચે ભક્તોનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું ધામ
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જ પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના આંગણે અદભુત અને ભક્તિમય માહોલ સર્જાયો છે. એક તરફ પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે, તો બીજી તરફ વહેલી સવારથી જ સોમનાથમાં મેઘરાજાએ પણ હાજરી આપીને સોમનાથ દાદાનો જળાભિષેક કર્યો હોય તેવો નજારો જોવા મળ્યો હતો. વરસાદી ઝાપટાં વચ્ચે પણ હજારો ભક્તોની આસ્થા ડગમગી નહોતી અને સમગ્ર મંદિર પરિસર શિવભક્તિમાં લીન થઈ ગયું હતું.
વહેલી સવારથી જ દાદાના દર્શને ભક્તોનું ઘોડાપૂર
પવિત્ર શ્રાવણ માસનું શિવભક્તિમાં વિશેષ મહત્વ હોવાથી પ્રથમ દિવસે જ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તો લાઈનમાં ઉભા રહીને સોમનાથ દાદાની એક ઝલક મેળવવા માટે ઉત્સુક દેખાતા હતા. વૃદ્ધો, મહિલાઓ અને બાળકો પણ શિવભક્તિના આ પર્વમાં ઉત્સાહભેર જોડાયા હતા.

વરસાદી ઝાપટાં વચ્ચે આસ્થાનો અનોખો સંગમ
શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી અને મધ્યમ ગતિએ વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. સામાન્ય રીતે વરસાદમાં લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે, પરંતુ અહીં કુદરતના આ રૂપ વચ્ચે ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો. ભક્તોએ પલળતા પલળતા પણ દાદાના દર્શન કર્યા હતા અને આ વરસાદી ઝાપટાંને સોમનાથ મહાદેવ પર પ્રકૃતિ દ્વારા થતો પ્રત્યક્ષ અભિષેક ગણાવી ખુશી વ્યક્ત કરી હતી. વરસાદ અને ભક્તિનો આ અનોખો સંગમ સૌ કોઈ માટે યાદગાર બની રહ્યો હતો.
ગુંજી ઉઠ્યો ‘હર હર મહાદેવ’નો જયઘોષ
સોમનાથ મંદિર પરિસરમાં ચારેય તરફ માત્ર ને માત્ર શિવભક્તિનો નાદ સંભળાઈ રહ્યો હતો. મહાદેવની પ્રાતઃ આરતી સમયે મંદિરની ઘંટડીઓ, ઝાલર અને ડમરુના નાદ સાથે ભક્તોના ઉચ્ચારાયેલા ‘હર હર મહાદેવ’ના ગગનભેદી જયઘોષથી સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું. વરસાદી માહોલ વચ્ચે ભક્તોની આ શ્રદ્ધા અને ભક્તિ જોઈને સ્થળ પર હાજર દરેક વ્યક્તિ શિવમય બની ગઈ હતી.
શ્રાવણના પ્રથમ દિવસે શિવમય બન્યું સોમનાથ ધામ
શ્રાવણ માસના આ પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે દર્શન, પૂજા-અર્ચના અને ખાસ વિશેષ શૃંગારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરે લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે સુરક્ષા અને સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રથમ દિવસે જ મેઘરાજાની મહેર અને ભક્તોના ધસમસતા પ્રવાહે શ્રાવણી પર્વની ઉજવણીને યાદગાર બનાવી દીધી છે. સોમનાથ ધામ સંપૂર્ણપણે શિવભક્તિના રંગમાં રંગાઈ ગયું છે.
