ઈરાન યુદ્ધના તણાવ વચ્ચે ભારતનો મોટો નિર્ણય: દેશમાં જ વધારવામાં આવશે એલપીજીનું ઉત્પાદન
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય ચેઈનને માર્ચ મહિનામાં ભારે અસર પહોંચી હતી, જેના લીધે ભારતમાં પણ એલપીજી (LPG) ના પુરવઠા પર ગંભીર સંકટ ઊભું થયું હતું. જોકે, ભવિષ્યમાં આ પ્રકારની કટોકટી ફરી ના સર્જાય તે માટે ભારત સરકારે દેશમાં જ રાંધણ ગેસનું સ્થાનિક ઉત્પાદન વધારવા માટે એક મહત્ત્વકાંક્ષી અને કાયમી યોજના તૈયાર કરી છે.
જો પશ્ચિમ એશિયામાં યુદ્ધ લાંબો સમય ખેંચાય અને મધ્યપૂર્વના દેશોમાંથી ભારતના ગેસ પુરવઠાને અસર પહોંચે, તો માત્ર આયાત પર નિર્ભર રહેવાને બદલે દેશની અંદર જ સ્થાનિક રિફાઇનરીઓ દ્વારા ગેસનું ઉત્પાદન બમણા સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્થાનિક ઉત્પાદનથી દેશની ૭૦ ટકા જરૂરિયાત સંતોષાશે
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે દેશની ૨૧ મોટી રિફાઇનરીઓ અને ગેસ ઉત્પાદક કંપનીઓ માટે મહત્તમ એલપીજી ઉત્પાદનના લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે. કોઈ પણ કટોકટીના સમયે આ તમામ કંપનીઓની કુલ ઉત્પાદન ક્ષમતા દૈનિક ૬૩,૮૧૦ ટન સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના સ્થાનિક ઉત્પાદન દર કરતાં આ ક્ષમતા બમણાથી પણ વધુ છે. આ યોજના સફળતાપૂર્વક અમલી બનતાં દેશના દૈનિક વપરાશનો આશરે ૭૦ ટકા હિસ્સો ભારતમાં જ ઉત્પન્ન કરી શકાશે, જેથી વિદેશી સપ્લાયમાં વિઘ્ન આવે તો પણ દેશમાં ગેસની અછત સર્જાશે નહીં.
સરકારે આયાત નિર્ભરતા ઘટાડવા કેમ લીધો નિર્ણય?
ભારતમાં રાંધણ ગેસનો વપરાશ ખૂબ જ વધારે છે, પરંતુ માંગનો મોટો હિસ્સો વિદેશી આયાત દ્વારા પૂરો કરવામાં આવતો હતો. આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૫-૨૬ માં દેશમાં કુલ ૩૩.૨ મિલિયન ટન એલપીજીનો વપરાશ થયો હતો, જેમાંથી માત્ર ૧૩.૧ મિલિયન ટન ઉત્પાદન દેશમાં થયું હતું અને ૨૧.૩ મિલિયન ટન ગેસ વિદેશથી આયાત કરવો પડ્યો હતો. એટલે કે ભારત પોતાની જરૂરિયાતના ૬૪ ટકાથી વધુ ગેસ માટે આયાત પર નિર્ભર હતું.
દેશની ૯૦ ટકાથી વધુ એલપીજી આયાત પશ્ચિમ એશિયાના ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) માર્ગ દ્વારા થાય છે. યુએસ-ઈરાન યુદ્ધના કારણે આ દરિયાઈ માર્ગ બંધ થતાં માર્ચમાં ભારતમાં પુરવઠાનું મોટું સંકટ ઊભું થયું હતું. આ ભારે નિર્ભરતા ઘટાડવા માટે જ સરકારે સ્થાનિક ક્ષમતા મજબૂત કરવાનો નિર્ણય લીધો છે.

રિલાયન્સ જામનગર રિફાઇનરી અને અન્ય કંપનીઓના લક્ષ્યાંક
સરકારે નિર્ધારિત કરેલા લક્ષ્યાંકોમાં ખાનગી ક્ષેત્રની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીને સૌથી મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. કોઈ પણ કટોકટીની સ્થિતિમાં જામનગર રિફાઇનરીને સ્થાનિક બજાર માટે દૈનિક ૧૮,૦૦૦ ટન સુધી એલપીજી ઉત્પાદન કરવાનો નિર્દેશ અપાયો છે.
આ ઉપરાંત, દેશની ૧૮ સરકારી માલિકીની રિફાઇનરીઓને સંયુક્ત રીતે દરરોજ ૩૧,૪૭૦ ટન ગેસ ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક મળ્યો છે, જ્યારે ગુજરાતમાં આવેલી નયારા એનર્જીની વાડીનાર રિફાઇનરીને દૈનિક ૪,૪૮૦ ટનનું ઉત્પાદન સ્તર જાળવી રાખવા જણાવાયું છે.
દર છ મહિને સમીક્ષા અને નવી નીતિ
સરકારે આ ઉત્પાદન માળખાને કાયમી સ્વરૂપ આપવાની તૈયારી કરી લીધી છે. આ માટે તૈયાર કરાયેલા પ્રોડક્શન શેડ્યૂલની દર છ મહિને સમીક્ષા કરવામાં આવશે. દર વર્ષે ૧ જાન્યુઆરી અને ૧ જુલાઈના રોજ રિફાઇનરીઓના લક્ષ્યાંક અપડેટ કરવામાં આવશે. સમય જતાં નવી શરૂ થતી રિફાઇનરીઓ કે વધેલી ઉત્પાદન ક્ષમતા મુજબ આ ટાર્ગેટમાં સુધારા-વધારા કરાશે.
