દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે વડાપ્રધાન મોદીએ નવી ટીમ સાથે કરી બેઠક

3 Min Read

પીએમ મોદીએ દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં નવી ટીમને કરી સંબોધિત: ‘વંદે માતરમ’ અને યુવા જોડાણ અંગે લીધા મહત્વના નિર્ણયો

નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય હેડક્વાર્ટર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની આગેવાની હેઠળની નવી ગઠિત ટીમના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક પાર્ટી દ્વારા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ ના સન્માન, ગૌરવ અને ઐતિહાસિક વારસાને જાળવી રાખવા અંગેનો ખાસ ઠરાવ પસાર કર્યાના તુરંત બાદ યોજાઈ હતી.

પાર્ટી હેડક્વાર્ટર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાજપ અધ્યક્ષ નીતિન નવીન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તાજેતરમાં નિમાયેલા તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને ભાવિ કાર્ય યોજનાઓ પર ચર્ચા કરી હતી.

- Advertisement -

pm 1.jpg

નવી ટીમમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય અને અનુભવીઓને સ્થાન

તાજેતરમાં જાહેર કરાયેલી 65 સભ્યોની નવી રાષ્ટ્રીય ટીમમાં ભાજપે સંગઠનાત્મક સ્તરે મોટા ફેરફારો કર્યા છે. આ ટીમમાં 51 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જેમાં કવિતા પાટીદાર, કે સુરેન્દ્રન, મનોજ ટિગ્ગા અને સંદીપ પાઠક જેવા પ્રમુખ નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અનુભવી નેતાઓને પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો સમાવેશ થાય છે.

- Advertisement -

યુવાનો સુધી પહોંચવા ‘યુવા સંવાદ’ અભિયાનની યોજના

બેઠક દરમિયાન ભાજપ અધ્યક્ષ નીતિન નવીને નવી ટીમના પદાધિકારીઓને દેશના યુવાનો સાથે સીધો સંપર્ક સાધવા માટે “યુવા સંવાદ” ને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો હતો. પાર્ટી આગામી દિવસોમાં 14 વર્ષ કે તેથી વધુ વયના યુવાનો સુધી પહોંચવા માટે એક વ્યાપક આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

આ સંવાદ કાર્યક્રમને દેશભરમાં અસરકારક રીતે અમલમાં મૂકવા માટે વરિષ્ઠ નેતાઓની સમર્પિત ટીમો બનાવવામાં આવી રહી છે, જેમાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM) મુખ્ય ભૂમિકા ભજવશે. ભૂતપૂર્વ રાષ્ટ્રીય પદાધિકારીઓને પણ આ આઉટરીચ ઝુંબેશમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવશે.

‘વંદે માતરમ’ ના સન્માનમાં રાષ્ટ્રવ્યાપી અભિયાનનો સંકલ્પ

ભાજપે આ બેઠક પહેલા ‘વંદે માતરમ’ ના ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા માટે એક ખાસ ઠરાવ પસાર કર્યો હતો. ઠરાવમાં કોંગ્રેસના 1937ના કાર્યકારી સમિતિના નિર્ણયની ટીકા કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રગીતના માત્ર પહેલા બે શ્લોકો ગાવાનો નિર્ણય લેવાયો હતો. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે વંદે માતરમ એ દેશની રાષ્ટ્રીય ચેતના, સ્વાતંત્ર્ય સંગ્રામનો મંત્ર અને ભારત માતા પ્રત્યેના આદરનું પ્રતીક છે, જેને રાજકીય વોટ-બેંકના ગણિત સાથે સાંકળી શકાય નહીં.

- Advertisement -

પાર્ટીએ 1950ના બંધારણીય ઘોષણાપત્ર અને 2026માં સંસદ દ્વારા કરવામાં આવેલા વૈધાનિક સુધારાઓના આધારે વંદે માતરમના સંપૂર્ણ સન્માનને જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત દેશભરમાં રાષ્ટ્રગીતના ઇતિહાસ અને તેના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Share This Article