વંદે માતરમ વિવાદ: કોંગ્રેસના નિર્ણય સામે ભાજપનો આકરો વિરોધ, રાષ્ટ્રીય ગૌરવની રક્ષા માટે ઠરાવ પસાર કર્યો
ભારતના સ્વતંત્રતા સંગ્રામના અમર મંત્ર અને રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને લઈને દેશના રાજકારણમાં એક નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) દ્વારા પોતાના પક્ષના તમામ કાર્યક્રમોમાં વંદે માતરમના માત્ર પ્રથમ બે શ્લોક જ ગાવાના નિર્ણયની ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ભારે ટીકા કરવામાં આવી છે. શનિવારે, ૨૨ ઓગસ્ટના રોજ ભાજપે આ અંગે એક વિશેષ ઠરાવ પસાર કરીને કોંગ્રેસના નિર્ણયની સખત શબ્દોમાં નિંદા કરી છે. ભાજપે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સંપૂર્ણ છ શ્લોકનું આ રાષ્ટ્રગીત ભારતની રાષ્ટ્રીય ચેતના, અસ્મિતા અને સ્વતંત્રતા સંગ્રામના અમૂલ્ય વારસાનું અવિભાજ્ય પ્રતીક છે, જેના સન્માન સાથે કોઈપણ પ્રકારનું રાજકીય સમાધાન ચલાવી લેવાશે નહીં.
ભાજપ પ્રમુખ નીતિન નવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે સત્તાવાર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ કોંગ્રેસ કાર્યકારી સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણયનો સખત વિરોધ કરે છે. કોંગ્રેસે તેના ૧૯૩૭ના જૂના ઠરાવને પુનઃપુષ્ટિ આપીને પોતાના કાર્યક્રમોમાં વંદે માતરમના માત્ર પ્રથમ બે શ્લોકો જ ગાવાનું મર્યાદિત કર્યું છે, જે દેશભક્તો અને ભારતીય રાષ્ટ્રીય ભાવનાનું અપમાન છે. ભાજપે સંકલ્પ લીધો છે કે તે વંદે માતરમના સન્માન અને ગરિમાનું રક્ષણ કરવા માટે સતત લડત આપશે અને આ રાષ્ટ્રીય ગીતને સાંપ્રદાયિક દબાણ, રાજકીય તુષ્ટિકરણ કે સંકુચિત વોટ-બેંક રાજકારણનો શિકાર બનવા દેશે નહીં.
વંદે માતરમ મુદ્દે કોંગ્રેસના સીડબલ્યુસી ઠરાવ સામે ભાજપનો મોરચો
નીતિન નવીને પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું કે, ભાજપ વંદે માતરમને માત્ર એક ગીત નથી માનતી, પરંતુ તે ભારત માતા પ્રત્યેની ગાઢ શ્રદ્ધાની અભિવ્યક્તિ, આઝાદીની લડાઈનો મહાન મંત્ર અને ભારતની રાષ્ટ્રીય ચેતનાનું અમર પ્રતીક છે. પક્ષ સંપૂર્ણ છ શ્લોકના ગીતના ગૌરવ અને રાષ્ટ્રીય પાત્રનું જતન કરવા માટે કટિબદ્ધ છે. તેમણે દેશના બંધારણીય ઇતિહાસનો ઉલ્લેખ કરતા યાદ અપાવ્યું હતું કે, ૧૯૫૦માં દેશની બંધારણ સભાની ઘોષણા અને ત્યારબાદ ૨૦૨૬માં ભારતીય સંસદ દ્વારા આ રાષ્ટ્રગીતને ‘જન ગણ મન’ની સમાન વૈધાનિક રક્ષણ અને દરજ્જો આપવા માટે જે નિર્ણયો લેવાયા છે, ભાજપ તેને સંપૂર્ણપણે સમર્થન આપે છે.
भारतीय जनता पार्टी ने आज 22 अगस्त 2026 को वंदे मातरम् के सम्मान और उसकी ऐतिहासिक विरासत की रक्षा के संबंध में एक महत्वपूर्ण प्रस्ताव पारित किया।
भारतीय जनता पार्टी 19 अगस्त 2026 को कांग्रेस कार्यसमिति द्वारा 1937 के अपने प्रस्ताव को पुनः स्वीकार करते हुए कांग्रेस के कार्यक्रमों… pic.twitter.com/c8700p3JBh
— Nitin Nabin (@NitinNabin) August 22, 2026
કોંગ્રેસને આડે હાથ લેતા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે
કોઈપણ રાજકીય પક્ષની કાર્યકારી સમિતિનો ઠરાવ ભારતની બંધારણીય સંસ્થાઓ અને દેશની સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓથી ઉપર હોઈ શકે નહીં. ૧૯૩૭ના સમયગાળામાં કરવામાં આવેલા રાજકીય સમાધાન કે નિર્ણયને ૧૯૫૦ના બંધારણીય નિર્ણય અને ૨૦૨૬ના સંસદીય કાયદા કરતા ચડિયાતો ગણાવી શકાય નહીં. ભાજપ આ દેશની જનતા સામે એ તમામ ઐતિહાસિક અને રાજકીય સંદર્ભોને ઉજાગર કરશે કે જેના કારણે વંદે માતરમ ગાવા પર મર્યાદાઓ મૂકવામાં આવી હતી, જેમાં મુસ્લિમ લીગના વાંધાઓ અને ત્યારબાદ દેશમાં વધેલી સાંપ્રદાયિક તથા અલગતાવાદી રાજનીતિનો સમાવેશ થાય છે.
આ વિવાદ વચ્ચે ભાજપે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ઐતિહાસિક વિચારોને પણ પ્રજા સમક્ષ લાવવાનો નિર્ણય કર્યો છે. મહાત્મા ગાંધીએ વંદે માતરમને “સામ્રાજ્યવાદ વિરોધી સૌથી શક્તિશાળી સૂત્ર” અને “સૌથી શુદ્ધ રાષ્ટ્રીય ભાવનાની અભિવ્યક્તિ” તરીકે વર્ણવ્યું હતું. ભાજપ પોતાના લાખો કાર્યકર્તાઓ દ્વારા દેશભરમાં એક વ્યાપક રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરશે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના પ્રત્યેક ખૂણામાં વંદે માતરમનો સાચો ઇતિહાસ, તેનો ગહન અર્થ, રાષ્ટ્રીય મહત્વ અને તેની સાથે જોડાયેલા ગૌરવશાળી વારસાનો ફેલાવો કરવાનો છે.
વિશેષરૂપે, યુવા પેઢીમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવા માટે ભાજપ પ્રમુખે એક વિશેષ ‘જાગૃતિ અભિયાન’ની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, નવી પેઢી સંપૂર્ણ ૬ શ્લોકના રાષ્ટ્રગીતના ઇતિહાસને જાણે અને સમજે તે અત્યંત જરૂરી છે. આ અભિયાન દ્વારા આજના યુવાનો એ સમજી શકશે કે ભારતની આઝાદીનો સંઘર્ષ, દેશભક્તોના બલિદાન અને રાષ્ટ્રીય જાગૃતિની કેટલી ઊંડી અને પવિત્ર યાદો વંદે માતરમ સાથે વણાયેલી છે.
અંતમાં નીતિન નવીને સ્પષ્ટ કર્યું કે, રાજકીય સુવિધા, તુષ્ટિકરણ કે વોટ-બેંકની રાજનીતિ માટે વંદે માતરમના સન્માન સાથે કરવામાં આવતું કોઈપણ સમાધાન દેશ ક્યારેય સ્વીકારશે નહીં. આ મુદ્દો કોઈ એક રાજકીય પક્ષ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર ભારત દેશના સન્માન અને માતૃભૂમિની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા અસંખ્યા દેશભક્તોના વારસાનો પ્રશ્ન છે. તેમણે ઉમેર્યું કે, જે રીતે “વંદે માતરમ” ૧૯૪૭માં ભારતની આઝાદીનું મુખ્ય સૂત્ર બન્યું હતું, તે જ રીતે “વંદે માતરમ” ૨૦૪૭ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવાનું સૌથી મોટું પ્રેરણાદાયી સૂત્ર બનશે.
