૮ કલાકની ઊંઘ છતાં આળસ નથી જતી? સમયગાળો નહીં, તમારી આ ટેવ જ આખા દિવસનો થાક નોતરે છે!
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રોજ રાત્રે પૂરતી ૮ કલાકની ઊંઘ લેવી એ ઉર્જાવાન રહેવા અને એકંદરે શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. જોકે, ઘણા લોકો અનુભવે છે કે દરરોજ ઘડિયાળના કાંટે પૂરતા ૮ કલાક પથારીમાં વિતાવ્યા પછી પણ જ્યારે સવારે ઉઠે છે, ત્યારે તેમને તાજગી અનુભવાતી નથી. ઊંઘનો સમયગાળો પૂરો હોવા છતાં શરીર અને મન થાકેલું જ રહે છે.
જો તમે પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તો પ્રશ્ન થાય કે ૮ કલાકની ઊંઘ પછી પણ આ આળસ અને થાક કેમ દૂર નથી થતો? પર્ફોર્મન્સ સાયન્ટિસ્ટ અને જાણીતા કોચ ડૉ. એન્ડી ગેલપિન (Dr. Andy Galpin) ના જણાવ્યા અનુસાર, ઊંઘનો માત્ર ‘સમયગાળો’ (Number of Hours) જ કાફી નથી, પરંતુ ‘ઊંઘની નિયમિતતા’ (Sleep Regularity) પણ એટલી જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડૉ. માર્ક હાઇમેન દ્વારા શેર કરવામાં આવેલા એક પોડકાસ્ટમાં ડૉ. ગેલપિને ખુલાસો કર્યો હતો કે ઊંઘવા અને ઊઠવાના સમયમાં વારંવાર થતા ફેરફારો સતત થાક માટેનું મુખ્ય કારણ હોઈ શકે છે.

બાયોલોજિકલ ક્લોક અને સર્કેડિયન રિધમનો ખેલ
ડૉ. એન્ડી ગેલપિનના પૃથ્થકરણ મુજબ, જ્યારે આપણી ઊંઘનો સમય અસ્થિર કે અસમાન હોય છે ત્યારે મૂળ સમસ્યા શરૂ થાય છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ અઠવાડિયાના મોટાભાગના દિવસોમાં ૮ કલાક જ ઊંઘતી હોય, પરંતુ જો તેના સુવા અને જાગવાના સમય સતત બદલાતા રહે – ખાસ કરીને વર્કિંગ ડેઝ (સોમથી શુક્ર) અને વીકેન્ડ (શનિ-રવિ) વચ્ચે – તો તેનાથી શરીરની આંતરિક ઘડિયાળ ખોરવાઈ જાય છે.
આપણા શરીરમાં ૨૪ કલાકની એક કુદરતી જૈવિક પ્રક્રિયા ચાલે છે, જેને ‘સર્કેડિયન રિધમ’ (Circadian Rhythm) અથવા બાયોલોજિકલ ક્લોક કહેવામાં આવે છે. આપણું શરીર આ આંતરિક સિસ્ટમનો ઉપયોગ કરીને જ નક્કી કરે છે કે ક્યારે ઊંઘ હોર્મોન્સ (જેમ કે મેલાટોનિન) રિલીઝ કરવા અને ક્યારે શરીરને જાગ્રત (Alert) કરવું. જ્યારે આપણે ઊંઘવાના અને જાગવાના સમયમાં વારંવાર ફેરફાર કરીએ છીએ, ત્યારે આંતરિક પ્રક્રિયાઓનું સંતુલન ખોરવાય છે. પરિણામે, ૮ કલાક ઊંઘવા છતાં ઊંઘની ગુણવત્તા (Sleep Quality) કથળે છે અને સવારે ઉઠતી વખતે થાક અનુભવાય છે.
‘વીકેન્ડ શિડ્યુલ’: સૌથી મોટી અને સામાન્ય ભૂલ
ઊંઘની અનિયમિતતાનું સૌથી સામાન્ય ઉદાહરણ આપણું વીકેન્ડ શિડ્યુલ છે. મોટાભાગના લોકો સોમવારથી શુક્રવાર સુધી નોકરી કે અન્ય જવાબદારીઓને કારણે સવારે વહેલા ઊઠે છે અને રાત્રે ચોક્કસ સમયે સુઈ જાય છે. પરંતુ શનિવાર અને રવિવારે લોકો મોડે સુધી જાગે છે અને સવારે મોડા સુધી ઊંઘે છે.
જો તમે શનિ-રવિની રાત્રે મોડા સુઈને સવારે મોડા ઉઠો અને ગણતરી પ્રમાણે ૮ કલાકની ઊંઘ પૂરી પણ કરી લો, તો પણ આ સમયગાળાનો તફાવત તમારા શરીર માટે ‘જેટ લેગ’ (Jet Lag) જેવી સ્થિતિ પેદા કરે છે. આનો અર્થ એ થયો કે પથારીમાં વિતાવેલા કલાકોની સંખ્યા જ બધું નથી. અઠવાડિયાના સાતેય દિવસ એકસરખો સમય જાળવવો એ પૂરતી ઊંઘ લેવા જેટલું જ મહત્વનું છે. એકસરખું શિડ્યુલ શરીરની આંતરિક ઘડિયાળને એ સમજવામાં મદદ કરે છે કે ક્યારે ઊંઘ માટે તૈયાર થવું અને ક્યારે ઉર્જાવાન બનવું.

ઊંઘની માત્રા (Quantity) વિરૂદ્ધ ઊંઘની નિયમિતતા (Regularity)
આ બે બાબતો વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે:
ઊંઘની માત્રા (Sleep Quantity): આ માત્ર એટલું દર્શાવે છે કે તમે કુલ કેટલા કલાક (જેમ કે ૭ કે ૮ કલાક) ઊંઘ્યા છો.
ઊંઘની નિયમિતતા (Sleep Regularity): આ દર્શાવે છે કે તમે દરરોજ એક જ સમયે સુઈ જાઓ છો અને એક જ સમયે જાગો છો કે નહીં.
તમે ૮ કલાકનો ટાર્ગેટ પૂરો કરી શકો છો, પરંતુ જો શિડ્યુલ અનિયમિત હશે, તો ઊંઘ શરીરને રિપેર કે રિચાર્જ કરી શકશે નહીં. ઊંઘ અને જાગવાના સમયમાં મોટા ફેરફારો કરવાથી શરીર માટે ઊંઘમાંથી જાગૃતિની સ્થિતિમાં આવવું વધુ મુશ્કેલ બને છે.
શું માત્ર અનિયમિત શિડ્યુલ જ થાક માટે જવાબદાર છે?
અહીં એ સમજવું પણ જરૂરી છે કે ઊંઘની ગુણવત્તા માત્ર સમય કે નિયમિતતા પર જ આધારિત નથી હોતી. તેના પર અન્ય ઘણા પરિબળો પણ અસર કરે છે:
૧. માનસિક તણાવ (Stress): વધુ પડતી ચિંતા કે સ્ટ્રેસને કારણે ઊંઘ ઊંડી (Deep Sleep) નથી આવતી.
૨. જીવનશૈલી અને ખોરાક: રાત્રે મોડેથી ભારે ખોરાક લેવો, દારૂ કે કૅફીનનું સેવન કરવું.
૩. પર્યાવરણીય પરિબળો: બેડરૂમનું તાપમાન, પ્રકાશ અને ઘોંઘાટ.
૪. શારીરિક બીમારીઓ: શરીરમાં પોષક તત્વોની અછત (જેમ કે વિટામિન D કે B12), થાઇરોઇડ અથવા એનિમીયા.
તેથી, જો યોગ્ય અને નિયમિત શિડ્યુલ પાળ્યા પછી પણ સતત થાક અનુભવાતો હોય, તો માત્ર ઊંઘને દોષ આપવાને બદલે અન્ય તબીબી કારણોની પણ તપાસ કરાવવી જોઈએ.
તાજગીભરી ઊંઘ મેળવવા માટે શું કરવું?
જો તમે પૂરતી ઊંઘ લીધા પછી પણ થાક અનુભવો છો, તો તમારી દિનચર્યામાં આ નાના સુધારા કરી જુઓ:
સાતેય દિવસ એક જ સમય રાખવો: અઠવાડિયાના તમામ દિવસોમાં (શનિ-રવિ સહિત) સુવાનો અને જાગવાનો સમય એકસરખો રાખો.
સ્ક્રીન ટાઇમ ઓછો કરો: સુવાના ૧ કલાક પહેલાં ફોન, ટીવી કે લેપટોપથી દૂર રહો.
સવારના તડકાનો લાભ લો: સવારે ઉઠ્યા પછી કુદરતી પ્રકાશમાં થોડો સમય વિતાવો, જેથી બાયોલોજિકલ ક્લોકને સંકેત મળે કે દિવસ શરૂ થઈ ગયો છે.
