મેટા સ્માર્ટ ગ્લાસનો ગુપ્ત રીતે ઉપયોગ કરશો તો કેમેરા થઈ જશે બંધ! જાણો નવો નિયમ.
દુનિયાની અગ્રણી ટેકનોલોજી કંપની મેટા (Meta) એ પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સ્માર્ટ ગ્લાસ (Smart Glasses) ની સિસ્ટમમાં મોટો સોફ્ટવેર અને સિક્યુરિટી અપડેટ જારી કર્યો છે. તાજેતરમાં એવા અનેક અહેવાલો સામે આવ્યા હતા જેમાં આ સ્માર્ટ ગ્લાસનો ઉપયોગ કરીને લોકો સામે વાળાની પરવાનગી વગર ગુપ્ત રીતે વિડીયો રિકોર્ડિંગ કરી રહ્યા હતા. ગ્રાહકો અને પ્રાઈવસી નિષ્ણાતોની તીવ્ર પ્રતિક્રિયાઓ બાદ કંપનીએ આ પગલું ભરવાની ફરજ પડી છે.
સીબીએસ (CBS) ના અહેવાલ મુજબ, મેટાના આ સ્માર્ટ ગ્લાસમાં આગળની તરફ એક એલઇડી (LED) લાઈટ આપવામાં આવી હોય છે, જે ગ્લાસ વડે રિકોર્ડિંગ કે શૂટિંગ શરૂ થાય ત્યારે ઝબૂકે છે જેથી સામે રહેલી વ્યક્તિને ખબર પડી શકે કે વિડીયો શૂટ થઈ રહ્યો છે. પરંતુ, લોકો આ લાઈટ પર ટેપ કે કાગળ લગાવીને તેને ઢાંકી દેતા હતા અને ચોરીછૂપીથી વિડીયો બનાવતા હતા. હવે મેટાએ એવી સિસ્ટમ અપડેટ કરી છે કે જો કોઈ આ લાઈટને ભૌતિક રીતે ઢાંકવાનો કે તેની સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરશે તો કેમેરાની રિકોર્ડિંગ સુવિધા આપોઆપ નિષ્ક્રિય (Disable) થઈ જશે.

અગાઉની સિસ્ટમમાં જો રિકોર્ડિંગ શરૂ કરતા પહેલાં જ લાઈટ બંધ કે ઢાંકેલી હોય તો જ રિકોર્ડિંગ લોક થતું હતું. પરંતુ નવા સુધારા મુજબ, જો યુઝર રિકોર્ડિંગ શરૂ કર્યા પછી પણ તે લાઈટ પર આંગળી કે અન્ય કોઈ વસ્તુ મુકશે, તો પણ ગ્લાસનું રિકોર્ડિંગ તરત જ બંધ થઈ જશે.
કાનૂની વિવાદો અને ક્લાસ એક્શન મુકદ્દમો
મેટા સામે માત્ર પ્રાઈવસીનો જ નહીં પરંતુ કાનૂની આંચકો પણ આવ્યો છે. ઓનલાઇન ન્યૂઝ પ્લેટફોર્મ ‘ફ્યુચરિઝમ’ના અહેવાલ મુજબ, મેટા કંપની સામે હાલમાં એક મોટો ક્લાસ એક્શન લોસ્યુટ (Class Action Lawsuit) એટલે કે સામૂહિક કાનૂની કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે મેટાએ પોતાના AI ગ્લાસની ગોપનીયતા નીતિઓ (Privacy Practices) અંગે યુઝર્સ અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોર્યા છે.
આ વિવાદ સ્વીડિશ વર્તમાનપત્રોની એક સંયુક્ત તપાસ બાદ શરૂ થયો હતો. જેમાં ખુલાસો થયો હતો કે મેટા ગ્લાસ દ્વારા કેપ્ચર કરવામાં આવેલા પર્સનલ વિડીયો અને ફોટાઓને પોતાના સર્વર પર સ્ટોર કરી રહ્યું હતું. આ ડેટા પોતાના AI મોડેલ્સને તાલીમ આપવાના હેતુથી માનવ રિવ્યુઅર્સ (Human Reviewers) ને મોકલવામાં આવી રહ્યો હતો.
વેચાણના આંકડા દર્શાવે છે કે મેટાએ એક જ વર્ષમાં 7 મિલિયન (70 લાખ) થી વધુ સ્માર્ટ ગ્લાસ વેચ્યા છે. ઓગસ્ટ મહિનામાં સીબીએસ ન્યૂઝે એક મહિલાની વાર્તા દર્શાવી હતી, જેણે સોશિયલ મીડિયા પર પોતાનો એક અજાણતા શૂટ કરાયેલો વિડીયો જોયો હતો. આ વિડીયો એક પુરુષે મેટા ગ્લાસ પહેરીને તેણીની પરવાનગી કે જાણ વગર શૂટ કર્યો હતો.

પ્રાઈવસી ચિંતાઓ સામે મેટાનું વ્યાપક અભિયાન
સેમાફોર (Semafor) ના અહેવાલ અનુસાર, મેટા હવે સ્માર્ટ ગ્લાસના યોગ્ય ઉપયોગ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સોશિયલ મીડિયા અને બિલબોર્ડ્સ દ્વારા મોટું માર્કેટિંગ કેમ્પેઇન શરૂ કરી રહ્યું છે. આ ઝુંબેશનો હેતુ સામાન્ય લોકોને એ સમજાવવાનો છે કે જ્યારે કોઈ વ્યક્તિ મેટા ગ્લાસ પહેરીને રિકોર્ડિંગ કરી રહી હોય ત્યારે તેને કેવી રીતે ઓળખવી.
આ ઉપરાંત, મેટા દ્વારા પ્રાઈવસી ભંગ રોકવા માટે નીચે મુજબના સખત પગલાં પણ લેવામાં આવી રહ્યા છે:
ટ્યુટોરિયલ હટાવવા: સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પરથી એવા તમામ વિડીયો કે પોસ્ટ્સ દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં ગ્લાસની LED લાઈટને કેવી રીતે ઢાંકવી તેની સૂચનાઓ કે સેવાઓ આપવામાં આવતી હતી.
અશ્લીલ અને હેરાનગતિ કરતી કન્ટેન્ટ પર રોક: ‘પિકઅપ આર્ટિસ્ટ’ અને ગેરકાયદેસર ‘પ્રાન્ક કન્ટેન્ટ’ (Prank Content) થી જોડાયેલી હજારો હેરાન કરતી પોસ્ટ્સ અને અકાઉન્ટ્સને પ્લેટફોર્મ પરથી બ્લોક કરવામાં આવ્યા છે.
કીવર્ડ્સ અને હેશટેગ્સ પર પ્રતિબંધ: પ્રાઈવસી નિયમોનું ઉલ્લંઘન કરતી કન્ટેન્ટ શોધવા માટે વપરાતા ચોક્કસ સર્ચ ટર્મ્સ અને હેશટેગ્સને પણ મેટાએ પોતાના પ્લેટફોર્મ્સ પર કાયમી ધોરણે બ્લોક કરી દીધા છે.
