ગોવા સરકારનો મોટો નિર્ણય: ‘ગોવા ઉજ્જવલા યોજના ૨૦૨૬’ હેઠળ દરેક પરિવારને ૩ મફત ગેસ સિલિન્ડર માટે વાર્ષિક ₹૩,૦૦૦ મળશે
ગોવા સરકારે રાજ્યના નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપનારો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે “ગોવા ઉજ્જવલા યોજના ૨૦૨૬” ને સત્તાવાર મંજૂરી આપતાં જાહેરાત કરી છે કે રાજ્યના પાત્ર પરિવારોને દર વર્ષે ત્રણ મફત LPG સિલિન્ડર અથવા PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ની કિંમત ચૂકવવા માટે વાર્ષિક ₹૩,૦૦૦ ની સીધી નાણાકીય સહાય આપવામાં આવશે. વર્ષ ૨૦૨૨ ની ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા મુખ્ય ચૂંટણી વચનો પૈકીનું આ એક મહત્વનું વચન હતું, જેને હવે પૂર્ણ કરવામાં આવ્યું છે.
બેંક ખાતામાં સીધા જમા થશે નાણાં
સરકારની આ યોજના હેઠળ નાગરિકોને અલગથી સિલિન્ડર આપવાને બદલે, ત્રણ સિલિન્ડરની સરેરાશ કિંમત જેટલી રકમ સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી જમા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે જે રહેવાસીઓ પોતાની અરજી પ્રક્રિયા પૂર્ણ કરશે અને જરૂરી આધારભૂત પુરાવાઓ રજૂ કરશે, તેમને આવનારી ૯ સપ્ટેમ્બરથી તેમના બેંક ખાતામાં વાર્ષિક ₹૩,૦૦૦ ની રકમ મળવાનું શરૂ થઈ જશે.
કોઈ આવક મર્યાદા નહીં, તમામ પરિવારોને મળશે લાભ
ગોવા સરકારની આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની આવક મર્યાદા (Income Limit) રાખવામાં આવી નથી. આનો સીધો અર્થ એ થાય છે કે સામાન્ય અને ઓપન કેટેગરીના પરિવારો પણ આ યોજનાનો લાભ મેળવવા માટે સંપૂર્ણપણે પાત્ર છે. વધુમાં, સરકારે આ યોજનામાંથી સરકારી કર્મચારીઓને પણ બાકાત રાખ્યા નથી.
આ યોજનાનો લાભ માત્ર બટલ વાળા LPG સિલિન્ડર વાપરતા ગ્રાહકોને જ નહીં, પરંતુ ઘરેલુ PNG નેટવર્ક ધરાવતા પરિવારોને પણ મળશે. જોકે, સરકારે એક ખાસ શરત મૂકી છે કે જો કોઈ એક પરિવાર પાસે એક કરતાં વધુ ગેસ કનેક્શન હશે, તો પણ યોજનાનો લાભ રેશનકાર્ડ કે પરિવાર દીઠ માત્ર એક જ કનેક્શન પર મળવાપાત્ર રહેશે.
અરજી કરવાની સરળ રીત અને જરૂરી દસ્તાવેજો
યોજનાનો લાભ મેળવવા માટે ગોવા સરકારે ઓફલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અરજદારે પોતાની નજીકની ગ્રામ પંચાયત કચેરી, નગરપાલિકા કાર્યાલય અથવા સ્થાનિક ધારાસભ્યની ઓફિસમાંથી મફત અરજી ફોર્મ મેળવવાનું રહેશે.
અરજી ફોર્મમાં અરજદારનું પૂરું નામ, આધાર વિગતો, ગેસ ગ્રાહક નંબર (Consumer ID), ગેસ એજન્સીનું નામ અને જે બેંક ખાતામાં ₹૩,૦૦૦ જમા કરાવવાના હોય તે બેંક એકાઉન્ટની વિગતો સ્પષ્ટપણે લખવાની રહેશે.
ફોર્મ સાથે ગેસ અથવા PNG કનેક્શનની બુક/બિલની નકલ, આધાર કાર્ડ, બેંક પાસબુકની ફોટોકોપી અને વોટર આઈડી (EPIC કાર્ડ) ની નકલ જોડવાની રહેશે. તમામ દસ્તાવેજો સાથે ભરેલું ફોર્મ સંબંધિત પંચાયત કે મ્યુનિસિપાલિટી કાઉન્ટર પર સબમિટ કરીને પહોંચ (Acknowledgement Slip) મેળવી લેવાની સલાહ આપવામાં આવી છે.
