મહિલા એશિયા કપ ૨૦૨૬માં ભારતની ભવ્ય જીત બાદ હાઇ-વોલ્ટેજ ડ્રામા: ટીમ ઇન્ડિયાએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી લેવાનો કર્યો ઇનકાર
મહિલા એશિયા કપ ૨૦૨૬ની ફાઇનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ભવ્ય પ્રદર્શન કરતા શ્રીલંકાને ૭૨ રનના વિશાળ માર્જિનથી હરાવીને ૮મી વખત એશિયા કપનું સિંહાસન હાંસલ કર્યું છે. જોકે, મેદાન પરની આ ઐતિહાસિક જીત કરતાં પણ વધુ ચર્ચા મેચ બાદ યોજાયેલા પ્રેઝન્ટેશન સમારોહ દરમિયાન સર્જાયેલા હાઇ-વોલ્ટેજ ડ્રામાની થઈ રહી છે. ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ મોહસીન નકવીના હસ્તે એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેના કારણે વૈશ્વિક ક્રિકેટ જગતમાં પાકિસ્તાનનું ભારે જાહેરમાં અપમાન થયું છે.
મેચ પૂરી થયા બાદ એવો નજારો જોવા મળ્યો જે સામાન્ય રીતે ક્રિકેટના મેદાન પર ઓછો જોવા મળે છે. ફાઇનલ મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહમાં માત્ર રનર-અપ રહેલી શ્રીલંકાની ટીમના ખેલાડીઓને જ સ્ટેજ પર બોલાવીને મેડલ અને સન્માન આપવામાં આવ્યા હતા. બીજી તરફ, ચેમ્પિયન બનેલી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ મેચ પૂરી થયા બાદ સ્ટેજ પર આવવાને બદલે સીધા ડ્રેસિંગ રૂમ તરફ જતા રહ્યા હતા.
ફાઇનલ મેચ બાદ શું બન્યું?
ભારતની ભવ્ય જીત બાદ પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશન સમારોહ શરૂ થવામાં ઘણો વિલંબ થયો હતો. કલાકો સુધી ચાલેલી મડાગાંઠ બાદ ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટર અને કોમેન્ટેટર ફરવીઝ મહારૂફે શ્રીલંકાની ટીમને સ્ટેજ પર આમંત્રિત કરી હતી. સ્ટેજ પર ઉપસ્થિત ACC પ્રમુખ મોહસીન નકવીએ શ્રીલંકાના ખેલાડીઓને રનર-અપ ચેક અને મેડલ અર્પણ કર્યા હતા.
તમામ ક્રિકેટ ચાહકોને આશા હતી કે શ્રીલંકા બાદ વિજેતા ભારતીય ટીમ ટ્રોફી સ્વીકારવા સ્ટેજ પર આવશે. પરંતુ અચાનક પ્રેઝન્ટર ફરવીઝ મહારૂફે જાહેરાત કરી દીધી કે મેચ પછીનો પ્રેઝન્ટેશન સમારોહ અહીં જ પૂર્ણ થાય છે. આ સમગ્ર ઘટનાક્રમ BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લા અને બોર્ડ સેક્રેટરી દેવજીત સૈકિયાની હાજરીમાં આકાર પામ્યો હતો. સૈકિયાએ મેદાન પર ભારતીય ખેલાડીઓ સાથે ટૂંકી વાતચીત કરી હતી, જે બાદ ભારતીય ટીમ ડ્રેસિંગ રૂમમાં પરત ફરી ગઈ હતી.
મોહસીન નકવીએ વધુ નાટક ન કર્યું
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૫ના મેન્સ એશિયા કપ ફાઇનલ પછી પણ આવો જ વિવાદ થયો હતો, જ્યારે મોહસીન નકવી ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા. પરંતુ આ વખતે એવું બન્યું નથી. નકવીએ શ્રીલંકન ટીમનું સન્માન કર્યા બાદ શાંતિથી મેદાન છોડી દીધું હતું અને તેઓ ટ્રોફી લીધા વિના જ રવાના થઈ ગયા હતા.
બાદમાં ભારતીય ટીમના મુખ્ય કોચ અમોલ મુઝુમદારે માધ્યમો સામે ખુલાસો કર્યો હતો કે મોહસીન નકવીના હસ્તે ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય ખેલાડીઓનો વ્યક્તિગત નિર્ણય નહોતો, પરંતુ તે સંપૂર્ણપણે BCCI ની સત્તાવાર નીતિ અને નિર્ણયનો ભાગ હતો.
ભારતીય ટીમ આઠમી વખત બની એશિયન ચેમ્પિયન
મેદાન પરના પ્રદર્શનની વાત કરીએ તો, ભારતીય ટીમે ૨૦૨૪ની ફાઇનલમાં શ્રીલંકા સામે થયેલી હારનો બરાબરનો બદલો લીધો હતો. ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે બોર્ડ પર ૧૮૩ રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. ૧૮૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની આખી ટીમ ભારતીય બોલરોના શાનદાર સ્પેલ સામે સતત વિકેટો ગુમાવતી રહી હતી અને નિર્ધારિત ૨૦ ઓવરમાં માત્ર ૧૧૧ રન બનાવી શકી હતી. આ જીત સાથે ભારતીય મહિલા ટીમે આઠમી વખત એશિયા કપ ટાઇટલ પોતાના નામે કરીને એશિયન ક્રિકેટમાં પોતાનું એકચક્રી શાસન જાળવી રાખ્યું છે.
