‘સેવા સંકલ્પ પર્વ’ અંતર્ગત નિર્ણયનગરની આત્મીય નિકેતન શાળામાં જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું ભવ્ય આયોજન

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
3 Min Read

બાળપણથી જ સેવાસંસ્કારોનું સિંચન અનિવાર્ય: રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા

ગુજરાતમાં બાળકોના સર્વાંગી વિકાસ અને તેમનામાં દેશપ્રેમ તથા સેવાની ભાવના કેળવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘સેવા, સંકલ્પ અને સુશાસન થકી જનભાગીદારીનું અભિયાન’ અંતર્ગત અમદાવાદના નિર્ણયનગર સ્થિત આત્મીય નિકેતન શાળા ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર, રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (શહેર-પૂર્વ અને પશ્ચિમ) તથા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

WhatsApp Image 2026 10 03 at 4.07.37 PM.jpeg

- Advertisement -

બાળપણથી જ સેવાસંસ્કારોનું સિંચન અનિવાર્ય: રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા

આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં જીવનમાં સેવાને સર્વોચ્ચ સ્થાન આપીને દેશવાસીઓને સેવાભાવ સાથે જોડવાની પ્રેરણા આપી છે. આવી રચનાત્મક સ્પર્ધાઓ બાળકોમાં રહેલી આંતરિક પ્રતિભાને બહાર લાવવા માટે ઉત્તમ મંચ પૂરો પાડે છે. તેમણે ખાસ ભારપૂર્વક કહ્યું કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’નું સ્વપ્ન સાકાર કરવાની મુખ્ય જવાબદારી આજના વિદ્યાર્થીઓના ખભા પર રહેલી છે.

માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવવું પૂરતું નથી, પરંતુ બાળપણથી જ બાળકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ, વડીલોની સેવા, પર્યાવરણ રક્ષણ અને દેશપ્રેમ જેવા પાયાના સંસ્કારોનું સિંચન કરવું અત્યંત આવશ્યક છે. મંત્રીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવા, ‘વોકલ ફોર લોકલ’ મંત્ર અપનાવીને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા તેમજ આપણી ભવ્ય સંસ્કૃતિનું ગૌરવ જાળવવા વિદ્યાર્થીઓને હાર્દિક આહ્વાન કર્યું હતું.

- Advertisement -

WhatsApp Image 2026 10 03 at 4.07.40 PM.jpeg

વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને નેતૃત્વ ગુણો વિકસાવવા પર ભાર: મેયર હિતેશભાઈ બારોટ

કાર્યક્રમમાં ઉપસ્થિત અમદાવાદ શહેરના મેયર  હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. આ પ્રકારની સ્પર્ધાઓ બાળકોમાં માત્ર કલા જ નહીં પરંતુ સર્જનાત્મકતા, નેતૃત્વ ગુણો, દેશભક્તિ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવામાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે.

વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન અને ઉત્સાહવર્ધન

વર્ષ ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ની થીમ પર આધારિત આ ચિત્ર, રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતા વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ્ હસ્તે આકર્ષક ઇનામો અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં દીકરીઓની ઉત્સાહપૂર્ણ અને મોટી સંખ્યામાં થયેલી ભાગીદારી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉપસ્થિત તમામ અગ્રણીઓએ સ્પર્ધકોના ઉત્સાહ અને તેમની અદભુત સર્જનાત્મકતાને ખુબ ખુબ બિરદાવી હતી.

- Advertisement -

WhatsApp Image 2026 10 03 at 4.07.42 PM.jpeg

આ ભવ્ય સમારોહમાં ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન સુજયભાઈ મહેતા, વાઇસ ચેરમેન વિપુલભાઈ સેવક, પૂર્વ ચેરમેન તથા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ મનુભાઈ રાવલ, ધર્મેશભાઈ પટેલ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યો જે. વી. પટેલ અને પુરુષોત્તમભાઈ સોનારા, શાળા સંચાલક મંડળના મહામંત્રી અલ્પેશભાઈ પટેલ સહિત અનેક શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો, નિર્ણાયકો, વાલીઓ અને બહોળી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.