UPI પર MDR ચાર્જની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે, જાણો કોને મળશે ફાયદો
દેશભરમાં UPI ના માધ્યમથી રોજિંદા લેવડ-દેવડ કરતા કરોડો યુઝર્સ અને વેપારીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ UPI ટ્રાન્ઝેક્શન પર 15 ઓક્ટોબરથી લાગુ થનારા એમડીઆર (MDR – Merchant Discount Rate) ચાર્જને હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.
૧૩ ઓક્ટોબરે યોજાયેલી બેઠકમાં, NPCIની સ્ટીયરિંગ કમિટીએ વેપારીઓના હિતો અને તહેવારોની મોસમ (ફેસ્ટિવ સીઝન)ને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી આ પ્રણાલી અમલમાં ન મૂકવાનો નિર્ણય લીધો છે. વેપારીઓના UPI પેમેન્ટ્સ પર MDR ચાર્જ હવે દિવાળી પછી તરત જ લાગુ કરવામાં આવશે, જોકે તેના અમલીકરણની નવી તારીખની જાહેરાત બાદમાં કરવામાં આવશે.

આખરે MDR શું હોય છે?
ઘણીવાર લોકોના મનમાં આ સવાલ થાય છે કે MDR શું છે?
MDR નો અર્થ: તેનું પૂરું નામ ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (Merchant Discount Rate) છે.
સરળ ભાષામાં સમજો: જ્યારે તમે કોઈ દુકાન કે સ્ટોર પર મર્ચન્ટ QR કોડ (P2M) સ્કેન કરીને ડિજિટલ પેમેન્ટ કરો છો, ત્યારે તે પેમેન્ટને પ્રોસેસ કરવા બદલ બેંક અથવા પેમેન્ટ કંપનીઓ દુકાનદાર (વેપારી) પાસેથી એક નાનો ચાર્જ કે પ્રોસેસિંગ ફી વસૂલે છે.
ગ્રાહક પર અસર નહીં: આ ચાર્જ ગ્રાહકે ચૂકવવાનો હોતો નથી, પરંતુ દુકાનદાર કે મર્ચન્ટ દ્વારા ચૂકવવામાં આવે છે. આ રકમ બેંક, પેમેન્ટ ગેટવે અને કાર્ડ નેટવર્ક વચ્ચે વહેંચવામાં આવે છે.
2 હજાર રૂપિયા સુધીના પેમેન્ટ પર નહીં લાગે કોઈ MDR
નાના દુકાનદારો અને સામાન્ય જનતાએ આ અંગે ઘબરાવાની જરૂર નથી. NPCI ના નિયમ મુજબ:
2,000 રૂપિયા સુધીનું પેમેન્ટ સંપૂર્ણપણે ફ્રી: જો તમે કોઈ દુકાન પર 2,000 રૂપિયા સુધીની ખરીદી કરો છો, તો તેના પર કોઈ MDR ચાર્જ લાગશે નહીં.
નાના દુકાનદારોને રાહત: હાલના QR કોડ દ્વારા દર મહિને 1 લાખ રૂપિયા સુધીનું UPI પેમેન્ટ સ્વીકારતા નાના દુકાનદારો માટે ઝીરો MDR (Zero MDR) ની વ્યવસ્થા ચાલુ રહેશે.
P2P ટ્રાન્સફર ફ્રી: એક વ્યક્તિથી બીજી વ્યક્તિના બેંક ખાતામાં UPI દ્વારા પૈસા મોકલવા (P2P) સંપૂર્ણપણે મફત રહેશે.
મોટા પેમેન્ટ પર અસર: 2,000 રૂપિયાથી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર આશરે 0.4% ચાર્જ લાગવાનો પ્રસ્તાવ છે. તેની અસર ખાસ કરીને મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, મોંઘા કપડાં, હોટલ કે હોસ્પિટલ જેવા મોટા ખર્ચાઓ પર જોવા મળી શકે છે.
નાણા મંત્રાલયના આંકડા મુજબ, આ નવા નિયમની અસર આશરે 96% મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર બિલકુલ પડશે નહીં, કારણ કે દેશમાં મોટાભાગના પેમેન્ટ નાના સ્તરના જ હોય છે.

