તિબેટમાં ફરી આફત: ભયાનક ભૂકંપ બાદ ફરી ૪.૫ ની તીવ્રતાનો આંચકો, લોકોમાં ભારે દહેશત
તિબેટના રહેવાસીઓ માટે ડર અને અનિશ્ચિતતાનું વાતાવરણ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું. ગુરુવાર રાત્રે આવેલા એક ભયાનક ભૂકંપ બાદ હજુ લોકો માંડ સંભળાઈ રહ્યા હતા કે શનિવાર વહેલી સવારે ફરી એકવાર ધરતી હચમચી ઉઠી.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર, શનિવાર સવારે લગભગ 5:38 વાગ્યે (ભારતીય સમય મુજબ) તિબેટમાં 4.5 તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા હતા. વહેલી સવારે આવેલા આ આંચકા બાદ લોકોમાં ફરી એકવાર દહેશત ફેલાઈ ગઈ અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા.

ગુરુવાર રાત્રે આવ્યો હતો 7.0ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ
આ પહેલાં, ગુરુવાર (22 ઓક્ટોબર) રાત્રે આશરે 10:33 વાગ્યે તિબેટમાં 7.0 તીવ્રતાનો અત્યંત વિનાશક ભૂકંપ આવ્યો હતો. ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટરના જણાવ્યા મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર ઉત્તરી તિબેટના નાગચૂ (નાકચૂ) શહેરના બાચેન કાઉન્ટી વિસ્તારમાં જમીનથી લગભગ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. નાગચૂ એક અત્યંત ઊંચાઈવાળો વિસ્તાર છે, જે તિબેટની રાજધાની લ્હાસાથી લગભગ 400 કિલોમીટર દૂર આવેલો છે.
રાત્રિના સમયે અચાનક આવેલા આ શક્તિશાળી આંચકાએ મોટા પાયે તારાજી સર્જી હતી. ઇમારતો હલી જવાથી સીસીટીવી કેમેરામાં લોકો પોતાનો જીવ બચાવવા માટે ગભરાઈને ગલીઓ અને ખુલ્લી જગ્યાઓ તરફ દોડતા નજરે પડ્યા. અનેક જગ્યાએ મકાનો ધરાશાયી થઈ ગયા અને કાટમાળ નીચે દબાઈ જવાથી અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 65થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે.
400થી વધુ આફ્ટરશૉક્સ અને બચાવ કામગીરી ચાલુ
મુખ્ય ભૂકંપ બાદથી જ વિસ્તારમાં સતત ‘આફ્ટરશૉક્સ’ (ભૂકંપ પછીના આંચકા) અનુભવાઈ રહ્યા છે. ચીની અધિકારીઓ અને ભૂકંપ નિરીક્ષણ કેન્દ્રના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 413થી વધુ નાના આંચકા નોંધાઈ ચૂક્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે.

વિનાશની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. પ્રભાવિત વિસ્તારોમાંથી 12,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને અસ્થાયી શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં શોકની લહેર, કેન્ડલ લાઈટ માર્ચનું આયોજન
તિબેટમાં થયેલી આ ભયાનક દુર્ઘટનાના સમાચાર મળતા જ ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલા ધર્મશાળાના મેક્લોડગંજમાં રહેતા તિબેટી સમુદાયમાં ઊંડો શોક વ્યાપી ગયો.
તિબેટી યુથ કોંગ્રેસ (TYC)ના બેનર હેઠળ મેક્લોડગંજમાં એક કેન્ડલ લાઈટ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન લોકોએ મીણબત્તીઓ પ્રજ્વલિત કરીને આપત્તિમાં મોતના મુખમાં ધકેલાયેલા માસૂમ લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના અને એકતા વ્યક્ત કરી.
વિસ્તારમાં સતત આવી રહેલા આંચકાઓને ધ્યાનમાં રાખીને રાહત દળો સતર્ક છે અને કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
