મા લક્ષ્મીની મોટી બહેન ‘અલક્ષ્મી’ કોણ છે? જાણો મુખ્ય દ્વાર પર લીંબુ-મરચાં બાંધવાનું ધાર્મિક કારણ
પ્રકાશ અને ઉલ્લાસના મહાપર્વ દિવાળીની તૈયારીઓ સમગ્ર દેશમાં જોરશોરથી ચાલી રહી છે. આ ખાસ અવસરે લોકો પોતાના ઘરની સાફ-સફાઈ કરે છે, રંગોળી સજાવે છે, દીવા પ્રગટાવે છે અને માતા લક્ષ્મીના સ્વાગતની તમામ તૈયારીઓ પૂર્ણ કરે છે. આ દરમિયાન તમે એક બાબત જરૂર નોટિસ કરી હશે કે દિવાળીના બરાબર પહેલા લોકો પોતાના ઘર, દુકાન કે ઓફિસે મુખ્ય દરવાજા પર લીંબુ અને મરચાં એક દોરામાં પરોવીને લટકાવી દે છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે આની પાછળનું કારણ શું છે? શું ખરેખર તેનો સંબંધ મા લક્ષ્મીની મોટી બહેન સાથે છે? ચાલો આજે આ પરંપરાના ધાર્મિક અને પૌરાણિક મહત્વને ખૂબ જ સરળ ભાષામાં સમજીએ.

મુખ્ય દરવાજા પર લીંબુ-મરચાં લટકાવવાની પરંપરા કેમ છે?
સનાતન સંસ્કૃતિમાં ઘરના મુખ્ય દરવાજા એટલે કે એન્ટ્રન્સને ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ-શાંતિ અને મા લક્ષ્મીનો પ્રવેશ આ જ મુખ્ય માર્ગથી થાય છે.
દિવાળીના પાવન અવસરે દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેના ઘરમાં બરકત જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની નજર કે નકારાત્મક શક્તિ ઘરની અંદર પગ ન મૂકી શકે. આ જ નકારાત્મક ઉર્જા અને બુરી નજરને દૂર ભગાડવા માટે મુખ્ય દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવવાની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે.
મા લક્ષ્મીની મોટી બહેન ‘અલક્ષ્મી’ અને લીંબુ-મરચાંનું રહસ્ય
આ પરંપરા પાછળ એક ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે, જેનો સંબંધ મા લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મી સાથે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન મા લક્ષ્મીની સાથે-સાથે તેમની મોટી બહેન અલક્ષ્મીનો પણ પ્રાદર્ભાવ થયો હતો. જ્યાં એક તરફ મા લક્ષ્મીને ધન, વૈભવ, સુખ અને મિષ્ટાન (મીઠી વસ્તુઓ) ખૂબ જ પસંદ છે, ત્યાં બીજી તરફ તેમની બહેન અલક્ષ્મીને દરિદ્રતા, દુર્ભાગ્ય અને કડવી, ખાટી કે તીખી વસ્તુઓ પ્રિય માનવામાં આવી છે.
શું કહે છે પ્રચલિત લોકકથા?
લોકમાન્યતાઓ અનુસાર, દિવાળીની રાત્રે જ્યારે મા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોના ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમની સાથે તેમની બહેન અલક્ષ્મી પણ તેમની પાછળ-પાછળ ચાલે છે.
એવી માન્યતા છે કે જો અલક્ષ્મી ઘરની અંદર આવી જાય, તો ત્યાં ઘરમાં ગરીબી, કંકાસ અને દુર્ભાગ્યનો વાસ થઈ જાય છે. એટલા માટે, અલક્ષ્મીને ઘરની બહાર જ રોકવા માટે દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે અલક્ષ્મી ઘરના દ્વારે પહોંચે છે, ત્યારે તેમને દરવાજા પર લટકેલા લીંબુની ખાટાશ અને મરચાંનો તીખો સ્વાદ મળી જાય છે. તે દ્વાર પરથી જ તેને ગ્રહણ કરી સંતુષ્ટ થઈ જાય છે અને અંદર આવ્યા વગર જ પાછી ફરી જાય છે.
આ જ કારણ છે કે લોકો દિવાળીની રાત પહેલા પોતાના મુખ્ય દરવાજા પર લીંબુ-મરચાં લટકાવી દે છે, જેથી દરિદ્રતા ઘરની બહાર જ રહે અને માત્ર મા લક્ષ્મીનું આગમન થાય.
ભલે આધુનિક સમયમાં લોકો તેને માત્ર એક ટોટકા કે પરંપરા માનીને નિભાવતા હોય, પરંતુ તેની પાછળનું જ્યોતિષીય અને મનોવૈજ્ઞાનિક મહત્વ પણ ખૂબ જ ગાઢ છે. લીંબુની ખાટાશ અને મરચાંનો તીખાશ આસપાસની નકારાત્મક ઉર્જાને શોષી લે છે. તો આ દિવાળી પર તમે પણ તમારા ઘરના મુખ્ય દરવાજા પર લીંબુ-મરચાં લગાવવાનું ભૂલતા નહીં, જેથી તમારા ઘરમાં પણ સુખ-સમૃદ્ધિ અને મા લક્ષ્મીનો વાસ બની રહે.

