સોશિયલ મીડિયામાં મતભેદ નહીં, સંવાદ જરૂરી! હર્ષ સંઘવીએ ઋષભયાનમાં આપ્યો સંદેશ
વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય ‘ઋષભયાન-૩’ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે પૂજ્ય ગુરુ ભગવંતો અને દેશ-વિદેશથી પધારેલા સંતગણને વંદન કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. વર્ષ 2024થી શરૂ થયેલી ઋષભયાનની આ યાત્રાના વધતા વ્યાપ અને સફળ આયોજન બદલ તેમણે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીએ ઋષભ કૌશલ કેન્દ્ર, કલા કેન્દ્ર, વાણિજ્ય કલા અને પાક કલા જેવા વિવિધ પ્રેરણાદાયી કેન્દ્રોની મુલાકાત લઈને તેમને જાહેર જનતા માટે ખુલ્લા મૂક્યા હતા. આ સાથે જ તેમણે વર્ષ 2025માં મુંબઈ ખાતે યોજાયેલા ‘ઋષભયાન-૨’ ના ગ્રંથનું વિમોચન પણ કર્યું હતું.

વડોદરાની સાંસ્કૃતિક વિરાસત અને ભગવાન ઋષભદેવનું યોગદાન
પોતાના સંબોધનમાં હર્ષ સંઘવીએ વડોદરાની ભૂમિના ઐતિહાસિક મહત્વને યાદ કર્યું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડના શિક્ષણ, કલા અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભગવાન ઋષભદેવ સંબંધિત ગ્રંથોના અંગ્રેજી અનુવાદનો ઇતિહાસ પણ વડોદરા સાથે જોડાયેલો છે, તેથી અહીં આ આયોજન થવું એ વિશેષ આનંદની વાત છે.
તેમણે ભગવાન ઋષભદેવને માનવ સભ્યતાના પ્રથમ રાજા અને શિક્ષક ગણાવ્યા હતા. ખેતી, લેખન, કલા અને કૌશલ્ય દ્વારા માનવ જીવનને સુવ્યવસ્થિત બનાવવામાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરતાં સંઘવીએ જણાવ્યું કે ભારતીય પરંપરામાં ધર્મ માત્ર નિયમો પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં પ્રશ્ન પૂછવાની, તર્ક કરવાની અને સંવાદ સાધવાની જીવંત પરંપરા રહી છે. આજના સોશિયલ મીડિયાના સમયમાં જ્યારે મતભેદો ઘણીવાર આક્ષેપ અને વ્યક્તિગત આક્રોશમાં બદલાઈ જાય છે, ત્યારે ‘અનેકાંત’ની દ્રષ્ટિ અપનાવીને પરસ્પર આદર જાળવવા અને સંવાદના દરવાજા ખુલ્લા રાખવા તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી.
‘દંડનીતિ’ અને નવા ભારતીય ન્યાયિક કાયદાઓનું મહત્વ
આ વર્ષના ‘ઋષભયાન’ના મુખ્ય વિષય ‘દંડનીતિ અને ભારતીય સંસ્કૃતિના પાયાના સિદ્ધાંતો’ પર વિચારો વ્યક્ત કરતાં નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે દંડનીતિનો અર્થ માત્ર સજા આપવો એવો નથી, પરંતુ તે સમાજમાં ન્યાય અને વ્યવસ્થા જાળવવાનું શાસ્ત્ર છે. ભૂલથી થયેલા ગુના અને જાણીજોઈને કે વારંવાર આચરવામાં આવતા ગુના વચ્ચેનો તફાવત સમજાવતા તેમણે સમાજની શાંતિ અને સુરક્ષા માટે ટેવવશ ગુનેગારો સામે કડક વલણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ સંદર્ભમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં અમલમાં મૂકાયેલા ત્રણ નવા કાયદાઓ—ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ—નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ કાયદાઓ આઝાદ ભારતની ન્યાય વ્યવસ્થાને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરીને ભારતીય મૂલ્યો અને નાગરિક કેન્દ્રિત અભિગમ સાથે જોડવાનો એક મોટો પ્રયાસ છે.

‘વિકાસ ભી, વિરાસત ભી’ અને લોકકલ્યાણનો સંકલ્પ
કાર્યક્રમના અંતે વડોદરાને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રનું ઉત્તમ ઉદાહરણ ગણાવતાં સંઘવીએ શહેરની સાંસ્કૃતિક ઓળખની સાથે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ વડોદરામાં નિર્મિત સી-૨૯૫ વિમાનની સફળતાનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. જાહેર જીવનના પોતાના અનુભવો વાગોળતાં તેમણે સંતો, માર્ગદર્શકો અને નાગરિકો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો અને સૌના આશીર્વાદથી લોકકલ્યાણ તથા સમાજકલ્યાણ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.
