Ahmedabad street vendors AMC bribe issue: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સામે નાના લારીચાલકો અને ફેરીયાઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. ચાંદલોડિયા બ્રિજ નીચે ધંધો કરતા વેપારીઓનું કહેવું છે કે, મનપાના કર્મચારીઓ તેમની પાસેથી નિયમિત રીતે હપ્તા વસૂલ કરે છે. વેપારીઓનો આક્ષેપ છે કે મનપાની દબાણ શાખાના લોકો દરરોજ અથવા અઠવાડિયામાં એક વખત આવીને 500થી 800 રૂપિયા સુધીની રકમ માગે છે અને જો ચૂકવણી ન કરવામાં આવે તો લારી અને માલ જપ્ત કરી લેવાની ધમકી આપે છે.
વેપારીઓએ જણાવ્યું કે તેઓ નાની લારીઓ પર શાકભાજી, ફળ કે નાસ્તાના વસ્તુઓ વેચીને રોજીરોટી કમાય છે, અને ઘણા લોકો વ્યાજે રૂપિયા લઈને ધંધો ચલાવે છે. “અમે દારૂ કે ગેરકાયદેસર વસ્તુ નથી વેચતા, પણ અમારું ગુનાહીત સમાન વર્તન થાય છે,” એમ એક મહિલા વેપારીએ ગુસ્સાથી કહ્યું.

વેપારીઓનો વધુ એક આક્ષેપ છે કે દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો દરમિયાન, જ્યારે વેચાણનો સારો સમય હોય છે, ત્યારે તેમને બ્રિજ નીચે બેસવા દેવામાં આવ્યું નહોતું. આ કારણે તેઓને મોટું આર્થિક નુકસાન થયું હતું. હવે, જ્યારે ધંધો ધીમે ધીમે શરૂ કર્યો છે, ત્યારે મનપાની ટીમ ફરીથી દબાણ કરી રહી છે.
એક વેપારીએ જણાવ્યું કે, “ટીમ આવીને કહે છે કે હપ્તો આપો, નહીં તો અહીંથી લારી હટાવો. જો કોઈ વિરોધ કરે તો તરત જ દબાણની ગાડી બોલાવી દે છે.” બીજી મહિલાએ કહ્યું કે, “અમારો માલ 800 રૂપિયાનો હોય છતાં આ લોકો બે હજાર રૂપિયા માગે છે. અમને રોજના કમાયેલા પૈસા પણ બચતા નથી.”

આ ઘટના બાદ 100થી વધુ વેપારીઓ એકઠા થઈને મનપા સામે “હાય હાય”ના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે ચાંદલોડિયા મનપા ઓફિસે જઈને લેખિત રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો આ હપ્તાખોરી બંધ નહીં થાય, તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર થશે.

