ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિન અનામત વર્ગને લઇને મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર બિન અનામત વર્ગને શિક્ષણ, રોજગારી અને વિદેશમાં શિક્ષણ બાબતે સહાયતા કરશે. બિન અનામત વર્ગમાં જે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે તેમને 15 ઓગસ્ટથી નક્કી કરવામાં આવેલ લાભ મળશે.
બિનઅનામત વર્ગ માટે રાજ્ય સરકારે લીધેલા નિર્ણય બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, CM વિજય રુપાણીની અધ્યક્ષતામાં કામગીરીની સમીક્ષા કરાઈ હતી. નિગમ તરફથી પણ બિનઅનામત વર્ગની આવક મર્યાદા વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તેથી બેઠક યોજવામાં આવી હતી અને તેમાં આવકવધારો કરવામાં આવે તે બાબતે પણ વિચારણા કરવામાં આવી.
વધુમાં તેમણે જણાવ્યુ કે, બિનઅનામત વર્ગની આવક મર્યાદા મર્યાદા 3 લાખથી વધારીને 4.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. રાજ્ય સરકારે બિનઅનામત વર્ગને લાભ મળે એ માટે નીતિ નિયમો મંજૂર કર્યા છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે પણ સરકાર સહાય કરશે.
આ ઉપરાંત વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓના પરિવારની આવક મર્યાદા વધારીને 6 લાખ રુપિયા કરવામાં આવી છે. તેમજ વિદેશ અભ્યાસ કરવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ 15 લાખ રુપિયાની લોનની સરકારી સહાય મેળવી શકશે. આ સિવાય તબીબી અભ્યાસ માટે પણ બહાર જનારા વિદ્યાર્થીઓના પણ તેનો લાભ મળશે.