ભ્રષ્ટાચાર, શિક્ષણ, બેરોજગારી અને ખેડૂત પ્રશ્નો પર કોંગ્રેસનો આક્રમક મોરચો
બિહાર ચૂંટણીના પરિણામોથી વિપક્ષને મળેલી નવી ઊર્જાના માહોલ વચ્ચે ગુજરાત કોંગ્રેસે આજે રાજ્યની રાજનીતિમાં નવા જંગનો પ્રારંભ કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાતની જનતાના પ્રશ્નોને સીધા સરકાર સુધી પહોંચાડવા માટે ‘જન આક્રોશ યાત્રા’ની સત્તાવાર જાહેરાત કરી. ભાજપના ત્રણ દાયકાના સતત શાસન પર વાંધા ઉઠાવતા કોંગ્રેસ નેતાઓએ રાજ્યના બજેટના ખોટા ઉપયોગથી લઈને ભ્રષ્ટાચાર સુધી અનેક મુદ્દાઓને તીખી ભાષામાં ઉઠાવ્યા.
સરકાર પર કોંગ્રેસના આકરા આક્ષેપ, ખેડૂતો–શિક્ષણ–સુરક્ષા તમામ મુદ્દા પર નિશાન
અમિત ચાવડાએ જણાવ્યું કે કરોડો રૂપિયાના ટેક્સ અને બજેટની રકમ લોકોની સુખાકારી માટે વપરાવાની હોય, ત્યાં સરકાર તે ઉત્સવો અને ઢંઢેરાઓમાં બરબાદ કરી રહી છે. ખેડૂતોને સૌથી મોટું નુકસાન પહોંચતું હોવા છતાં સરકાર ગફલતભરી નીતિઓ અપનાવી રહી છે. લાખોના નુકસાન સામે ફક્ત 3,500 રૂપિયું વળતર આપીને ખેડૂત મજાકનો પાત્ર બન્યો છે. તેમણે દાવો કર્યો કે સેલ્ફ ફાઇનાન્સ શિક્ષણના કારણે ગરીબ પરિવારો માટે હાયર એજ્યુકશન લગભગ અપ્રાપ્ય બની ગયુ છે. સાથે જ દારૂ, ડ્રગ્સ અને ગુનાખોરી વધવાથી કાયદો–વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે.
વાવથી બેચરાજી સુધીની રાજ્યવ્યાપી જનયાત્રા
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી ‘જન આક્રોશ યાત્રા’નો પ્રારંભ 21 નવેમ્બરે ઉત્તર ગુજરાતના વાવથી કરવામાં આવશે અને 3 ડિસેમ્બરે બેચરાજી ખાતે પૂરી થશે. પ્રથમ તબક્કો 60 દિવસનો હશે અને સમગ્ર ગુજરાતમાં જાનતા સાથે સીધી મુલાકાત, સંવાદ અને સમસ્યાઓના દસ્તાવેજીકરણનો અભ્યાસ કરવામાં આવશે. કોંગ્રેસના મતે આ યાત્રા માત્ર રાજકીય અભિયાન નહીં, પરંતુ પરિવર્તનનો પ્રારંભ બની રહેશે.
ભ્રષ્ટાચાર, શિક્ષણ અને બેરોજગારીના પ્રશ્નો પર તુષાર ચૌધરીના ગંભીર આક્ષેપ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ મનરેગા, નલ સે જલ અને અન્ય યોજનાઓમાં મોટા પાયે કૌભાંડો થતાં હોવાના દસ્તાવેજો રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે દાહોદના માત્ર 80 ગામોમાં જ 434 કરોડની ગેરરીતિઓ નોંધાઈ છે, પરંતુ સરકાર દ્વારા કોઈ સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી નથી. તેમણે શિક્ષણક્ષેત્રની ગંભીર સ્થિતિ જણાવી કે 5,646 શાળાઓ પાસે મેદાન નથી અને 40,000થી વધુ શિક્ષકોની ખોટ છે. આદિવાસી વિસ્તારોમાં 3.21 લાખ બાળકો કુપોષિત છે તે આંકડાએ પણ પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરી.
યુવાનો માટે રોજગારીનો અભાવ અને આદિવાસી હકો પર નિશાન
તુષાર ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે 5 સ્ટાફ નર્સની ભરતી માટે 3,150 અરજીઓ આવવી તે બતાવે છે કે રોજગારીનો અભાવ કઈ હદે ગયો છે. જંગલ જમીન અધિકાર કાયદા બાદ પણ માત્ર 50 ટકા આદિવાસીઓને જ જમીન મળવી એ અન્યાય સમાન છે. ગીર ફાઉન્ડેશનને સોંપાયેલી સેટેલાઇટ સર્વે કામગીરીને પણ તેમણે પ્રશ્નાસ્પદ ગણાવી, કારણ કે તે બિનઅધિકૃત રીતે દાવાઓ નકારતું હોવાનો આક્ષેપ છે.
ગુજરાતની આર્થિક હકીકત અને 2027 વિશે કોંગ્રેસનો સંકલ્પ
કોંગ્રેસના દાવા મુજબ રાજ્યની 6 કરોડ વસ્તીમાં 3 કરોડ 64 લાખ લોકો મફત અનાજ પર નિર્ભર છે, જે ગુજરાતની જમીની હકીકત બતાવે છે. નેતાઓએ સ્પષ્ટ કર્યું કે આ યાત્રા દરમિયાન ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને નાના વેપારીઓના પ્રશ્નોનું દસ્તાવેજીકરણ કરીને 2027ની ચૂંટણીમાં પરિવર્તન લાવવાની તૈયારી પૂરેપૂરી રીતે શરૂ થઈ ગઈ છે.
જનતા માટે કોંગ્રેસનો સંદેશ: યાત્રાનો હેતુ રાજકીય નહીં, સંઘર્ષનો છે
પ્રેસ કોન્ફરન્સના અંતે તુષાર ચૌધરીએ ગુજરાતની જનતાને સંદેશ આપ્યો કે આ યાત્રા રાજકીય પ્રચાર નથી પરંતુ દરેક શોષિત અને પીડિત વર્ગનો અવાજ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. ‘જનમંચ’ દ્વારા દરેક નાગરિક પોતાનો આક્રોશ વ્યક્ત કરી શકશે અને કોંગ્રેસ આ લડતને આખરી પરિણામ સુધી લઈ જવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.

