નોકરી ન મળતા લીધેલો ખેતીનો નિર્ણય આજે યુવા ખેડૂત માટે બન્યો આશીર્વાદ સમાન
ગુજરાતમાં હાલમાં યુવા ખેડૂતો પરંપરાગત પાકોની જગ્યાએ નફાકારક બાગાયતી ખેતી તરફ આગળ વધી રહ્યા છે. બદલાતા હવામાન અને બજારની અસ્થિરતા વચ્ચે નવા પાકો વધારે સારો નફો આપે છે. ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો લીંબુ, જામફળ, આંબા અને સીતાફળ જેવા પાકો અપનાવીને પોતાની આવકમાં મોટા ફેરફાર લાવી રહ્યા છે. ઓછા જોખમ અને સારી બજાર માગને કારણે બાગાયતી ખેતી ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે.
નોકરી ન મળતા ખેતી તરફ વળેલા હરેશભાઈની સફર
પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના યુવા ખેડૂત બારીયા હરેશભાઈએ ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ નોકરી માટે અનેક પ્રયાસ કર્યા હતા. લાંબી મહેનત છતાં યોગ્ય નોકરી ન મળતા તેમણે ખેતીને જીવનનો મુખ્ય વ્યવસાય બનાવવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં થોડી શંકા હતી, પરંતુ સમય જતાં ખેતી તરફ તેમનો વિશ્વાસ વધ્યો. પરંપરાગત કપાસના પાકમાંથી ઓછો નફો મળતો હોવાથી તેમણે બાગાયતી પાક તરફ વળવાનું નક્કી કર્યું.
લીંબુની ખેતીથી વર્ષે લાખોની આવક
હરેશભાઈ હાલમાં આશરે દોઢથી બે વીઘા જમીનમાં લીંબુની ખેતી કરી રહ્યા છે. તેમની મહેનત અને યોગ્ય સંભાળના કારણે દર વર્ષે 2,00,000 થી 2,50,000 રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તેઓ જણાવે છે કે ખેતીમાં સ્વતંત્રતા મળે છે અને નોકરીની સરખામણીમાં અહી ઓછી દોડધામ રહે છે. લીંબુનો પાક ઓછા રોગ અને પાણીની જરૂરિયાત સાથે સારી ઉપજ આપવા માટે તેમના માટે લાભદાયી સાબિત થયો છે.
બજારની સારી માંગથી વધ્યો આત્મવિશ્વાસ
પાલીતાણા યાર્ડમાં લીંબુને લગભગ 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળે છે, જેના કારણે હરેશભાઈ જેવા ખેડૂતોને સારો નફો મળી રહે છે. શરૂઆતના ખર્ચ બાદ આગળના વર્ષોમાં ઓછી મહેનતે વધારે ફાયદો મળે છે. આ કારણોને લીધે વિસ્તારમાં અનેક યુવા ખેડૂત પરંપરાગત પાકોને છોડીને બાગાયતી પાક અપનાવી રહ્યા છે. ખેડૂતોએ યોગ્ય આયોજન અને સયુક્ત મહેનતથી ખેતીને ખૂબ નફાકારક વ્યવસાયમાં ફેરવી શકાય તેવું ઉદાહરણ હરેશભાઈએ પૂરું પાડ્યું છે.

