ભેળસેળયુક્ત પનીરનો મોટો જથ્થો ઝડપાયો, ડેરી સંચાલક સામે કાનૂની કાર્યવાહી
ગુજરાતમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રીઓનો વેપાર ઓછો થવાના બદલે સતત વધી રહ્યો છે. તંત્ર દ્વારા દંડ અને કાર્યવાહી છતાં કેટલાક વેપારીઓ નકલી વસ્તુઓ વેચવાની દાનત યથાવત રાખી રહ્યા છે. આ જ પ્રકરણમાં સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરીના સ્ટોરેજ ગોડાઉન પર SOGએ ગુપ્ત માહિતીના આધારે અચાનક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી 754 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
લેબમાં તપાસ થતાં પનીર સંપૂર્ણપણે નકલી સાબિત
સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પનીરના નમૂનાઓ મોકલ્યા બાદ સ્પષ્ટ થયું કે આ પનીર માનવી માટે અયોગ્ય છે. દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ, રસાયણિક પાવડર અને અન્ય ખતરનાક ઘટકોનો ઉપયોગ કરાયેલ હોવાનું બહાર આવ્યું છે. આ પ્રકારનું ભેળસેળયુક્ત પનીર આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરે છે. લેબ રિપોર્ટ મળ્યા બાદ આ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે અને તંત્રે તાત્કાલિક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
ડેરી સંચાલક સામે ગુનો અને શહેરમાં ચકચાર
આઘાટજનક હકીકતો સામે આવતા સુરભી ડેરીના સંચાલક શૈલેષ પટેલ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ અને SOGની ટીમે ગોડાઉન સીલ કરી 754 કિલો પનીરને નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. શહેરમાં નકલી પનીર વેચાતું હતું એવી જાણ બહાર આવતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે. વેપાર ક્ષેત્રમાં પણ આ કાર્યવાહી પછી ભારે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
વધુ ડેરીઓ પર પણ નજર, આગામી દિવસોમાં મોટી કાર્યવાહી શક્ય
SOG અને ફૂડ વિભાગે હવે શહેરની અન્ય ડેરીઓને પણ તપાસના દાયરામાં લઈ લીધી છે. આવનારા દિવસોમાં વધુ છાપા અને કડક પગલાં લેવાશે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે. નકલી ખાદ્યસામગ્રીઓની વધતી વણજારને રોકવા તંત્ર વધુ સક્રિય બન્યું છે. આ ઘટનાએ ફરી એક વખત દર્શાવ્યું છે કે લોકોને ગુણવત્તાયુક્ત ખોરાક પહોંચાડવા માટે વધુ સઘન તપાસ અને કડક અમલીકરણ જરૂરી બની ગયું છે.

