રામસણ ગામમાં સામાજિક સુધારાની નવી પહેલ, નિયમોના ભંગે 2.51 લાખ દંડ અને રકમ શિક્ષણ માટે ઉપયોગ
બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં દેખાદેખીના કારણે લગ્ન અને મરણ પ્રસંગોમાં મોટા પાયે ખર્ચ થતો રહ્યો છે. ઘણા પરિવારો વ્યાજના ચક્રમાં ફસાઈ જતા અને આર્થિક તંગી વધતા, સમાજની અંદર ચિંતા વધી હતી. આવા પરિસ્થિતીને અટકાવવા ડીસા તાલુકાના રામસણ ગામે સોળ ગામ ઠાકોર સમાજે એક વિશાળ બેઠક યોજી હતી. અહીં સર્વસંમતિથી એક વિશેષ સામાજિક બંધારણ ઘડીને ભવ્ય ખર્ચ પર કડક નિયંત્રણ લાવવાનો નિર્ણય લેવાયો છે.
લગ્ન પ્રસંગ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને પરંપરામાં ફેરફાર
નવી વ્યવસ્થા હેઠળ લગ્ન પ્રસંગે દેખાદેખી વધારતા અનેક રિવાજો કાઢી નાખવામાં આવ્યા છે. ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ, વરરાજાને ભાડાના કપડા નહીં પરંતુ માત્ર ધોતી કે અધિવઠો પહેરવાનું, જાનમાં સનરૂફવાળી ગાડીઓનો ઉપયોગ નહીં— આવા નિયમો સમાજે નક્કી કર્યા છે. ઉપરાંત સોનું માત્ર આઠ આની અને ચાંદી 500 ગ્રામથી વધુ ન આપવાની શરત રાખવામાં આવી છે. જાનમાં 100થી વધુ લોકો ન જવા અને ઓઢામણી જેવી ખર્ચાળ પરંપરાઓ દૂર કરવાનો પણ નિર્ણય લેવાયો છે.
સગાઈ અને મામેરા પ્રસંગ માટે નવા સરળ નિયમો
આ નવા બંધારણમાં અન્ય સામાજિક પ્રસંગો માટે પણ નિયંત્રણો ઘડાયા છે. સગાઈ પ્રસંગે માત્ર 21 લોકો જ જોડાશે અને લગ્નનું મુહૂર્ત જોવા માત્ર પાંચ લોકો જ જશે. મામેરા પ્રસંગે દીકરી તરફથી ઓઢામણા ઓઢાવવાની પ્રથા બંધ કરાઈ છે. વ્યસન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં અફીણ અને બીડી પણ સામેલ છે. આ પગલાંનો હેતુ પરિવાર પર આવતો અનાવશ્યક ભાર ઘટાડવાનો છે.
મરણ પ્રસંગમાં મર્યાદિત વિધિ અને વ્યય ઘટાડવાનો ઉદ્દેશ
મરણ પ્રસંગ માટે પણ સરળ અને ખર્ચ બચાવતા નિયમો બનાવવામાં આવ્યા છે. ખીચડી–કઢી બનાવવાની પ્રથા જાળવીને અન્ય વધારાના ખર્ચો દૂર કરવા અંગે ઠરાવ લેવાયો છે. ઉંમર વધુ હોય તો બારમામાં ખીરો બનાવવો, પોણા મહિના પછી પરિવારે શોક ન રાખવો અને કફન માત્ર ઘરનાં સભ્યો દ્વારા જ લાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. માંદગીમાં લોકો બોલાવવાની જૂની પ્રથા પણ બંધ કરી દેવામાં આવી છે.
નિયમનો ભંગ કરનાર સામે 2.51 લાખ દંડ
સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને રૂ. 2,51,000નો દંડ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ દંડની રકમ સીધી સમાજની અંદર શિક્ષણના કાર્યો માટે વાપરવામાં આવશે. સમાજ માને છે કે આવા કડક પરંતુ જરૂરી નિયમો ભવ્ય ખર્ચ અને દેખાવડાને રોકીને પરિવારોને આર્થિક સ્થિરતા આપી શકશે.

