કોઈ ઠરાવ વિના લગાવવામાં આવેલી સૂચના વિવાદમાં
સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનમાં અધિકારીઓ દ્વારા અનોખો અને વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવતાં ચર્ચાઓ તેજ બની છે. કાર્યપાલક ઇજનેર કામિની દોષીની કેબિન બહાર મોબાઈલ અને અન્ય ડિજિટલ ઉપકરણો સાથે પ્રવેશ કરવા પર પ્રતિબંધની સૂચના લગાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સૂચના કોઈ ઠરાવ કે પરિપત્ર વગર જ જાહેર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પબ્લિક પ્રોપર્ટી હોવા છતાં સૂચના મનસ્વી રીતે લગાડવામાં આવી હોવાનો આક્ષેપ પણ ઉઠ્યો છે.
અધિકારીઓની મનમાની? પ્રશ્નો ઉઠ્યાં અને પ્રતિભાવ કડક
મહિલા ડેપ્યુટી ઇજનેર એમ.કે. થોરાટે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું અને જણાવ્યુ કે કેમ અને ક્યા હુકમથી સૂચના લગાવી એ અંગે તેમને જાણ નથી. કચેરીમાં પ્રવેશ વખતે ઓળખ માંગવા જેવી સ્થિતિ સર્જાતા અધિકારીય વર્તન પર નાગરિકો અને રાજકીય વર્ગમાં સવાલો તેજ થયા છે. અન્ય ઝોનમાં આવી સૂચના ન હોવા છતાં કતારગામમાં જ અમલ થતો દેખાતા સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. શું આ ઝોનને વિશેષ સત્તા આપવામાં આવી છે કે અધિકારીઓ પોતે નિયમો ઘડી રહ્યા છે તે ચર્ચા વધુ ગાઢ બની છે.
રાજકીય પ્રતિક્રિયા અને કાનૂની મત
કોંગ્રેસના પ્રવક્તા કલ્પેશ બારોટે આ નિર્ણયને લોકશાહી અને જનહિત વિરુદ્ધ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે આ પ્રતિબંધ પાછળ ભ્રષ્ટાચાર છુપાવવા નો ઈરાદો હોઈ શકે છે અને પાલિકા દ્વારા કોઈ સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી નથી. બીજી તરફ કાનૂની નિષ્ણાત ઝમીર શેખે સ્પષ્ટ કર્યું કે કોઈ એવો કાયદો નથી જે અધિકારીને આવી મનસ્વી સૂચના લગાવાની છૂટ આપે. એસીબી અથવા ટ્રેપથી બચવા માટે આવી કાર્યવાહી થઈ હોઈ શકે છે, પણ પબ્લિક ઓફિસમાં આ વલણ યોગ્ય ગણાવી શકાય નહીં.
ગેરકાયદે બાંધકામોની શંકા, BJP કોર્પોરેટરના આરોપ
કતારગામ ઝોન પહેલાથી જ ગેરકાયદે બાંધકામ સંબંધિત મુદ્દાઓને કારણે ચર્ચામાં છે. ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે 200 જેટલા ગેરકાયદે બાંધકામ અંગે પુરાવા સાથે ગાંધીનગર વિજિલન્સમાં ફરિયાદ કરી છે. તેમનો આક્ષેપ છે કે અધિકારીઓ ગેરરીતિઓને છુપાવી રહ્યા છે અને કાર્યવાહી નામે માત્ર દેખાવ કરી રહ્યા છે. મોબાઈલ પ્રતિબંધનો નિર્ણય પણ આ જ શ્રેણીનો ભાગ હોઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. હવે પાલિકા અને ઉચ્ચ સ્તરની તપાસ શું દિશા આપે છે તેના પર સૌની નજર છે.

