મોટી સંખ્યામાં લોકો માર્ગ પર ઉતર્યા અને આવેદન રજૂ
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા થરાદ પોલીસ મથકે પટ્ટા ઉતારવાના નિવેદન પછી રાજકીય ઉકળાટ વધી ગયો છે. પોલીસ પરિવારના વિરોધ બાદ હવે મેવાણીના સમર્થનમાં જનતાનો વારો આવ્યો છે. થરાદ, પાટણ અને વાવ સહિતના વિસ્તારોમાં નશાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી માટે મોરચા ઉઠ્યા છે. કલેક્ટર કચેરી સુધી પહોંચીને લોકો દ્વારા કડક પગલાંની માંગ થઈ રહી છે.
થરાદમાં વિશાળ રેલી અને સૂત્રોચ્ચાર
થરાદ શહેરમાં નીકળેલી સમર્થન રેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા. રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી અને દારૂ-જુગાર-ડ્રગ્સ પર નિયંત્રણ માટે માંગણીઓ રજૂ થઈ. સમર્થકો કલેક્ટર કચેરીના પરિસરમાં બેસીને અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે હવે ગેરકાયદે ધંધા બંધ નહીં થાય તો જનતા પોતે રેડ કરશે. યુવાનોની મોટી હાજરી આંદોલનને વધુ તીવ્ર બનાવતી નજરે પડી.
પાટણમાં પણ સમર્થનની લહેર
પાટણ જિલ્લામાં કોંગ્રેસ અને દલિત અધિકાર મંચના કાર્યકરોએ મેવાણીના પક્ષમાં રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. નેતાઓએ જણાવ્યું કે પોલીસ સામે કરાયેલા નિવેદન વિષયક અને જનહિત આધારિત હતા. રેલીમાં ઘેમર દેસાઈ, કિરીટ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યકરોએ ચેતવણી આપી કે લિસ્ટ હોવા છતાં કાર્યવાહી ન થાય તો લોકો જાતે જ પગલાં લેશે.
કચ્છ જિલ્લામાં માંગ અને આવેદન
કચ્છ જિલ્લામાં પણ દારૂ-ડગ્સના વધતા પ્રસાર પર તાત્કાલિક નિયંત્રણની માગણી સાથે રેલી યોજાઈ. સમર્થકોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યુ અને નશામુક્ત અભિયાનને રાજકીય દબાણથી વાળવાની કોશિશ ન થાય તેની માગ કરી. તેમનું કહેવું છે કે મેવાણીનું નિવેદન પોલીસ તંત્ર સામે નહીં પરંતુ સમસ્યાની તરફેણમાં હતું. દારૂ અને ડ્રગ્સના માળખા પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી.

