ગેસ ડિલિવરીમેનથી ગુજરાત ટીમના વાઈસ કેપ્ટન સુધીની પ્રવીણ વાનખેડેની પ્રેરણાદાયક સફર
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા પ્રવીણ વાનખેડેનું જીવન એક અકસ્માત બાદ સંપૂર્ણપણે બદલાઈ ગયું, પરંતુ નકારાત્મક રીતે નહીં, પરંતુ નવી આશા અને હિંમત સાથે. 3 ડિસેમ્બરના આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસે તેમની અનોખી સફર વિશે જાણવું વધુ જરૂરી બને છે. સામાન્ય પરિવારમાં જન્મેલા 45 વર્ષીય પ્રવીણભાઈને નાનપણથી ક્રિકેટમાં રસ હતો, પરંતુ આર્થિક મર્યાદાઓને કારણે રમત આગળ વધારવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. તેમ છતાં, જીવનના વળાંકે તેમને ફરીથી ક્રિકેટ તરફ પાછા લાવ્યા હતા.
વરાછા કેનાલ રોડ પરના અકસ્માતે મુશ્કેલી પણ આપી અને માર્ગ પણ બતાવ્યો
વર્ષ 2014માં પ્રવીણભાઈ ખાલી ટેમ્પો પલટી જતા પોતાના દીકરાને બચાવવા ગયા ત્યારે તેમની એડી કપાઈ ગઈ હતી. લાંબી સારવાર બાદ ડિલિવરીનું કામ કરવું મુશ્કેલ બન્યું. ત્યારે તેમના માલિકે પરિસ્થિતિને સમજતા ગોડાઉન મેનેજર તરીકે નવી જવાબદારી આપી. આ ફેરફાર માત્ર નોકરી સુધી મર્યાદિત નહોતો, પરંતુ જીવનમાં ફરી ઊભા થવાની શક્તિ આપનાર બન્યો.
ચપ્પલ બાંધી રમેલી મેચે બદલ્યું ભાગ્ય
એક દિવસ કામ પર યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેઓ ચપ્પલ બાંધીને મેદાનમાં ઊતર્યા હતા, કારણ કે પગની સમસ્યાને કારણે ચપ્પલ વારંવાર નીકળી જતું. કેટલાક લોકોએ તેમને “લંગડો” કહીને મજાક પણ કરી હતી. પરંતુ જ્યારે પ્રવીણભાઈએ એક પછી એક 4–5 છગ્ગા લગાવ્યા, ત્યારે એ જ લોકો તાળી વગાડવા લાગ્યા હતા. તે સમયે જ મિત્ર પરશુરામભાઈએ દિવ્યાંગ ક્રિકેટ અંગે માહિતી આપી, જે તેમના જીવનના નવા દ્વાર ખોલી ગયાં.
જિલ્લાના સ્તરથી આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની સફર
જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા બાદ પ્રવીણભાઈએ જિલ્લા, ખેલમહાકુંભ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. છેલ્લા છ વર્ષથી તેઓ ઓલ રાઉન્ડર તરીકે પ્રદર્શન કરી રહ્યા છે. નેશનલ લેવલ પર બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન સહિત અનેક ખિતાબો મેળવી ચૂક્યા છે. આજે તેઓ ગુજરાત દિવ્યાંગ ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન તરીકે ઉદયમાન ખેલાડીઓ માટે પ્રેરણાનું કેન્દ્ર બની ચૂક્યા છે.
સરકારની સહાયથી મળ્યું ઘર અને જીવનમાં આવ્યો નવો પ્રકાશ
ઘણા વર્ષો સુધી ભાડાના મકાનમાં રહેતા પ્રવીણભાઈને સુમન આવાસ યોજના હેઠળ ઘર મળતા તેમના પરિવારને સ્થિરતા મળી. આજે તેઓ છ સભ્યોના પરિવારના મોભી તરીકે જવાબદારીપૂર્વક જીવન જીવી રહ્યા છે. તેમના પરિવારના સભ્યો પણ મનપાની ગાર્બેજ સેવા સાથે જોડાયેલા છે. પ્રવીણભાઈ કહે છે કે માલિક અને મેનેજરે આપેલો સહકાર તેમજ પરિવારનો સાથ તેમને હિંમત આપતો રહ્યો છે. સવારે ફરજ બજાવ્યા બાદ તેઓ દરરોજ પ્રેક્ટિસ કરે છે અને સ્વપ્નોને સાચવતા રહ્યા છે.

