બોર્ડ પરીક્ષાઓ પહેલા જ સમયપત્રકને લઈ વિવાદ
આવતી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની મુખ્ય પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, જેનું આયોજન 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી રાખવામાં આવ્યું છે. પરંતુ આ વખતે જાહેર કરાયેલા સમયપત્રકને લઈને બોર્ડ પર પ્રશ્નો ઉભા થયા છે. તહેવાર અને પરીક્ષા એક જ દિવસે આવતાં વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો છે. બોર્ડે જાહેર રજાના દિવસને ધ્યાનમાં લીધા વગર પેપર મુકી દીધાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
પરીક્ષા ફેબ્રુઆરી અંતથી શરૂ કરવાનો નિર્ણય
ગુજરાત બોર્ડ અગાઉ માર્ચના પ્રથમ કે બીજા સપ્તાહમાં પરીક્ષાઓ લેતું હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી પરીક્ષાઓ ફેબ્રુઆરીના અંતથી શરૂ કરવામાં આવે છે. બોર્ડ મુજબ, પરિણામ વહેલું જાહેર કરવું અને કોલેજ પ્રવેશ પ્રક્રિયાને સુગમ બનાવવું આ બદલાવનો મુખ્ય હેતુ છે. આ વર્ષે પણ પરીક્ષાનું આયોજન આવું જ રાખવામાં આવ્યું છે, જેથી સમયસર શૈક્ષણિક પ્રવૃત્તિઓ પૂર્ણ થઈ શકે.
ધૂળેટીના દિવસે જ પેપર મુકાતાં વિદ્યાર્થીઓમાં રોષ
જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, 4 માર્ચ 2026ના રોજ ધૂળેટી તહેવાર છે અને એ જ દિવસે અનેક વિષયોની પરીક્ષા નક્કી કરવામાં આવી છે. ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન, ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટના મૂળ તત્વો અને આર્ટ્સમાં ઇતિહાસનું પેપર આ જ દિવસે મૂકાયું છે. સાયન્સ પ્રવાહમાં પણ જીવવિજ્ઞાનની પરીક્ષા રાખવામાં આવી છે. તહેવારના દિવસે અભ્યાસ અને પરીક્ષાની તૈયારી શક્ય નહીં હોવાનું વિદ્યાર્થીઓનો સ્વર છે.
જાહેર રજાના દિવસે પરીક્ષા રાખવાનો નિર્ણય ચર્ચામાં
ધૂળેટી જાહેર રજા હોવા છતાં બોર્ડે આ જ દિવસે પરીક્ષા મૂકી દેતા વિદ્યાર્થીઓ અને માતા–પિતામાં ગુંચવણ ઉભી થઈ છે. અનેક લોકોનું માનવું છે કે તહેવારના દિવસે પરીક્ષા ગોઠવવી યોગ્ય નથી. વિવિધ શાળાઓમાં પણ આ મુદ્દે ચર્ચા તેજ થઈ છે અને બોર્ડે તહેવાર ધ્યાનમાં કેમ ન લીધો તેવો સવાલ ઉઠવા લાગ્યો છે.
અગાઉ પણ થઈ ચુકી છે આવી ભૂલ
આ ઘટના કોઈ નવી નથી. વર્ષ 2023માં ચેટીચાંદના તહેવારે જ બોર્ડે પરીક્ષા ગોઠવતા સિંધી સમાજમાં ભારે નારાજગી ફેલાઈ હતી. ત્યારબાદ રજૂઆતો થયા બાદ સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ વખતે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ફરી રજૂઆત કરવાની તૈયારી જોવા મળી રહી છે અને પરીક્ષાની તારીખ બદલાય તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

