પ્રદૂષણ નિયંત્રણ અભિયાનમાં ૫૪૧ સાઈટ્સ પર દંડ, રાજ્યભરમાં ₹૧.૨૩ કરોડથી વધુની પેનલ્ટી વસુલાત
રાજ્યના મોટા શહેરોમાં શિયાળાની સીઝન શરૂ થતાં જ હવા પ્રદૂષણનું સ્તર ઝડપથી વધી રહ્યુ છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળની તાજેતરની બેઠકમાં વિશેષ ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે પ્રદૂષણ રોકવા માટે હવે તરત જ એલર્ટ થવાની જરૂર છે અને દરેક વિભાગે તાત્કાલિક અસરથી એક્શન પ્લાન ઘડવો જોઈએ, જેથી ભવિષ્યમાં વધતી આરોગ્ય સમસ્યાઓ અટકાવી શકાય.
શહેરી વિકાસ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ
મુખ્યમંત્રીના નિર્દેશ બાદ શહેરી વિકાસ વિભાગે તમામ મહાનગરપાલિકાના કમિશનરો સાથે તાત્કાલિક વર્ચ્યુઅલ બેઠક યોજી. ખાસ કરીને મોટા શહેરોમાં ચાલી રહેલી બાંધકામ સાઈટ્સ પર પ્રદૂષણ રોકવા માટે કડક પગલાં લેવાનું સૂચન આપવામાં આવ્યું. બેઠક પૂર્ણ થતાં જ તમામ પાલિકાઓએ ઝડપી ગતિએ ઈન્સ્પેક્શનની કામગીરી શરૂ કરી, જેથી પ્રદૂષણ ફેલાવા પહેલા જ નિયંત્રણ લાવી શકાય.
માત્ર ત્રણ દિવસમાં ૨,૬૦૦થી વધુ સાઈટ્સનું ઈન્સ્પેક્શન
વિભાગની સૂચના મુજબ રાજ્યની ૨,૯૬૧ બાંધકામ સાઈટમાંથી ૨,૬૦૦થી વધુ જગ્યાનું નિરીક્ષણ માત્ર ત્રણ જ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું. જૂની ૮ મહાનગરપાલિકાઓ હેઠળ ૧,૩૦૩ સાઈટ અને નવી ૯ મહાનગરપાલિકાઓ હેઠળ ૧,૩૦૦ સાઈટ્સનું ચેકિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. નગરપાલિકાઓ હેઠળની ૭૭૧ સાઈટ્સનું પણ સંપૂર્ણ ઈન્સ્પેક્શન કરાયું છે, જે અભિયાનની તાત્કાલિકતા દર્શાવે છે.
નિયમ ભંગ કરનાર સાઈટ્સ પર ભારે દંડની વસુલાત
ઈન્સ્પેક્શન દરમિયાન પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન ન કરનારી ૫૪૧ સાઈટ્સ સામે સીધી કાર્યવાહી હાથ ધરાઈ. પાલિકાઓ દ્વારા કુલ ₹૧.૨૩ કરોડથી વધુનો દંડ વસૂલાયો છે. માત્ર જૂની મહાનગરપાલિકાઓમાં જ ૫૦૬ સાઈટ્સ પરથી ₹૧૨૨.૮૨ લાખનો દંડ વસૂલાયો જ્યારે નવી મહાનગરપાલિકાઓમાં ૩૫ સાઈટ્સ પરથી ₹૧.૦૫૮ લાખ વસૂલાયા. સરકારના અભિગમમાં પ્રદૂષણ સામે શૂન્ય સહનશીલતાનો અભિગમ સ્પષ્ટ જોવા મળે છે.
સતત મોનીટરીંગથી લાંબાગાળે પ્રદૂષણ નિયંત્રણનો પ્રયાસ
મુખ્યમંત્રીની સૂચના બાદ શહેરી વિકાસ વિભાગ દરરોજની સમીક્ષા સાથે સઘન મોનીટરીંગ કરી રહ્યું છે. હેતુ એ છે કે હાલની તાત્કાલિક કાર્યવાહી લાંબા સમય સુધી અસરકારક સાબિત થાય અને શહેરોમાં હવા ગુણવત્તામાં વાસ્તવિક સુધારો જોવા મળે. સરકારનું માનવું છે કે કડક દેખરેખ અને નિયમિત ચકાસણી દ્વારા પ્રદૂષણની સમસ્યા પર મોટાપાયે નિયંત્રણ મેળવી શકાય છે.

