સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી યુનિટી માર્ચ પદયાત્રાનો કેવડિયા ખાતે ભવ્ય સમાપન

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
3 Min Read

કરમસદથી શરૂ થયેલી 11 દિવસની રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં લાખો લોકો જોડાયા, અગ્રણીઓની હાજરીમાં સમાપન

દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને યાદગાર બનાવવા માટે આયોજિત યુનિટી માર્ચ રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો આજે કેવડિયા એકતાનગર ખાતે સમાપન થયો. 11 દિવસ સુધી વિવિધ જિલ્લાના માર્ગો પરથી પસાર થઈ આ યાત્રા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પરિસરમાં પૂર્ણ થઈ. સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત અનેક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી.

કરમસદથી શરૂ થઈ અને અનેક જિલ્લાઓમાંથી પસાર થઈ પદયાત્રા

સરદાર પટેલના જન્મસ્થાન કરમસદથી 26 નવેમ્બરે શરૂ થયેલી આ યાત્રાએ આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાનો પરિભ્રમણ કર્યો હતો. દરેક સ્થળે લોકોએ ઉત્સાહભેર યાત્રાનું સ્વાગત કર્યું અને એકતા માટેનો સંદેશ ફેલાવ્યો. અંતે કેવડિયા પહોંચેલી આ યાત્રા સાથે અનેક લોકો અને વિદ્યાર્થીઓએ જોડાઈને સરદાર સાહેબના વિચારોને સમર્પિત શ્રદ્ધાંજલિ આપી. સમાપન પ્રસંગે વિવિધ સમાજના લોકો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

unity march 2

- Advertisement -

લાખો લોકો જોડાયા હોવાનું ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનનું નિવેદન

સમારોહમાં ભાષણ આપતા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને જણાવ્યું કે સરદાર પટેલની 150મી જન્મજયંતિનો ભાગ બનવું તેમના માટે ગૌરવની વાત છે. તેમણે જણાવ્યું કે યાત્રાના તમામ તબક્કાઓમાં દેશભરના હજારો લોકો જોડાતા રહ્યા હતા. સ્વતંત્ર ભારતની એકતા અને અખંડિતતાનો સંદેશ આપતી આ યાત્રા સંવિધાન દિવસેથી શરૂ થઈ અને આજે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.

એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે સતત પ્રયત્નો : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે સરદાર પટેલની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસને અનુલક્ષીને યુનિટી માર્ચનું આયોજન અત્યંત સફળ રહ્યું. હજારો લોકોએ પગપાળા ચાલીને એકતાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત ઝડપથી વિકાસ પથ પર આગળ વધી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા સતત પ્રયત્નશીલ છે. 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા સૌએ એકમનથી કાર્ય કરવું પડશે.

- Advertisement -

unity march 1

સરદાર પટેલની અડગ ઇચ્છાશક્તિને યાદ કરાવતા રાજ્યપાલ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના સંબોધનમાં સરદાર પટેલના બારડોલી સત્યાગ્રહ સહિતના ઐતિહાસિક સંઘર્ષોની યાદ તાજી કરી. તેમણે જણાવ્યું કે અંગ્રેજોના શોષણ સામે ખેડૂતોને એકતાબદ્ધ કરીને સરદાર પટેલે જે લડત લડી હતી તે દેશના ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. તેમના નિર્ણયો અને નેતૃત્વને કારણે અંગ્રેજોને પાછું ખસવું પડ્યું હતું. રાજ્યપાલે લોકોને સ્વદેશી અને વિકસિત ભારત માટે આગ્રહપૂર્વક આગળ આવવાની અપીલ કરી.

યુનિટી માર્ચે દેશભરમાં ફેલાવ્યો એકતાનો સંદેશ

કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે 182 કિમી લાંબી આ યાત્રામાં દેશના દરેક રાજ્યમાંથી લોકો જોડાયા. 5 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કર્યું હતું, જેમાં 718 જિલ્લાઓમાંથી 8 હજારથી વધુ યુવાનો જોડાયા હતા. ડોક્ટર, વકીલ, વિદ્યાર્થીઓ વગેરે વિવિધ ક્ષેત્રોના લોકો સાથે ચાલતા જોવા મળ્યા. તેમણે જણાવ્યું કે યાત્રાએ માત્ર એકતાનો જ નહીં પરંતુ ગુજરાતની સંસ્કૃતિ, મહેમાનગતિ અને સરદાર સાહેબના વિચારોનો પરિચય પણ દેશને કરાવ્યો.

- Advertisement -
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.