ગૃહિણીમાંથી ડ્રોન સંચાલક સુધી: મનીષાબેન વસાવાની સફળતા ગ્રામ્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નવાગામના મનીષાબેન વસાવા આજે ગ્રામીણ મહિલાઓ માટે આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે. એક સમયે સામાન્ય ગૃહિણી તરીકે ઘરકામમાં વ્યસ્ત રહેતા મનીષાબેને સ્વસહાય જૂથ સાથે જોડાઈને પોતાની આત્મનિર્ભરતાની યાત્રા શરૂ કરી હતી. સરકારની ડ્રોન દીદી યોજના હેઠળ તાલીમ મેળવીને તેઓ આજે આધુનિક ડ્રોન ચલાવી રહ્યા છે અને પછાત ગણાતા વિસ્તારમાં ટેકનોલોજીના માધ્યમથી નવી ઓળખ ઉભી કરી છે.
ખેતીમાં દવા છંટકાવની મુશ્કેલીઓનો અંત
પરંપરાગત રીતે ખેતરમાં દવા છાંટવા માટે ખેડૂતોએ ભારે પંપ ખભે લટકાવી કાદવ-કીચડમાં ચાલવું પડતું હતું જેમાં સમય અને મહેનત બંને વધુ થતા હતા. મનીષાબેન હવે ડ્રોન દ્વારા ખૂબ જ ઓછા સમયમાં અને ચોકસાઈપૂર્વક પાક પર દવાનો છંટકાવ કરે છે. એક જ સ્થળે ઉભા રહીને સુરક્ષિત રીતે થતી આ કામગીરીથી ખેડૂતોના શારીરિક શ્રમમાં મોટો ઘટાડો થયો છે અને ખેતી પદ્ધતિ વધુ આધુનિક તેમજ સુવિધાજનક બની છે.
આર્થિક સદ્ધરતા અને લખપતિ દીદી બનવાનું લક્ષ્ય
મનીષાબેન એક એકર જમીનમાં દવા છાંટવા માટે ૫૦૦ રૂપિયાની ફી લે છે જેનાથી તેઓ દર મહિને ૧૦ થી ૧૨ હજાર રૂપિયા જેટલી આવક મેળવી રહ્યા છે. આ કામગીરીમાં ખેડૂતોને પણ આર્થિક બોજ પડતો નથી કારણ કે આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવનાર ખેડૂતોનો છંટકાવનો ખર્ચ સરકાર ભોગવે છે. આ આવક દ્વારા મનીષાબેન પોતાના પરિવારને આર્થિક ટેકો આપી રહ્યા છે અને હવે લખપતિ દીદી બનવાની દિશામાં મક્કમ ડગલાં ભરી રહ્યા છે.
મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહિલાલક્ષી યોજનાઓનો આભાર માનતા મનીષાબેન જણાવે છે કે ટેકનોલોજીને સાચી દિશામાં અપનાવવાથી સફળતા ચોક્કસ મળે છે. તેઓ આજે પોતે આત્મનિર્ભર બન્યા છે તેની સાથે અન્ય ગ્રામીણ મહિલાઓને પણ ડ્રોન તાલીમ લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. નવાગામની આ દીકરીની ઉડાન સાબિત કરે છે કે જો યોગ્ય તક અને માર્ગદર્શન મળે તો ગામડાની મહિલાઓ પણ આકાશના શિખરો સર કરી શકે છે.

