યુટ્યૂબ પરથી શીખેલી રીતથી ચાલતી ગેરકાયદેસર ડ્રગ્સ ફેક્ટરીનો ખુલાસો
રાજસ્થાનના જોધપુર નજીક આવેલા સોઇન્દ્રા ગામમાં ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી બહાર આવતા સુરક્ષા તંત્ર સતર્ક બની ગયું છે. બાતમીના આધારે ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત અભિયાન ચલાવી મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી. ફેક્ટરીમાંથી મોટા પાયે એમડી ડ્રગ્સ અને લિક્વિડ મેફેડ્રોન મળી આવતા સમગ્ર પ્રકરણ વધુ ગંભીર બન્યું છે. તપાસે દર્શાવ્યું છે કે ફેક્ટરી ચલાવનારાઓ લાંબા સમયથી આ ગેરકાયદેસર વ્યવસાય સાથે જોડાયેલા હતા. આ ઘટનાએ બંને રાજ્યોની તપાસ એજન્સીઓને ચુસ્ત બનાવી દીધી છે.
સંયુક્ત દરોડામાં 17 કિલો MD ડ્રગ્સ અને 40 લિટર લિક્વિડ મેફેડ્રોન જપ્ત
દોરડાની કામગીરી દરમિયાન પોલીસને 17 કિલો જેટલું એમડી ડ્રગ્સ તેમજ 40 લિટર લિક્વિડ મેફેડ્રોન મળી આવ્યું હતું. આ જપ્તી વિસ્તારના ડ્રગ્સ નેટવર્કના વ્યાપને સ્પષ્ટ કરે છે. અત્યાર સુધીની તપાસ પ્રમાણે સાત જેટલા શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં ગોવિંદસિંહ ચૌહાણ અને મોનુ ઓઝા મુખ્ય ભૂમિકા ધરાવતા હોવાનું સામે આવ્યું છે. ગોવિંદસિંહની જમીન પર જ આ ફેક્ટરી ઊભી કરવામાં આવી હતી અને તેનું સંચાલન ખુબ જ ગુપ્ત રીતે કરવામાં આવતું હતું. પોલીસે ફેક્ટરીમાંથી મળેલા પુરાવાઓના આધારે આગળની પૂછપરછ શરૂ કરી છે.
મુખ્ય આરોપી મોનુ ઓઝા અમદાવાદનો રહેવાસી; જૂના ગુનાહિત ઇતિહાસનો ખુલાસો
તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે મોનુ ઓઝા મૂળ અમદાવાદનો છે અને તેના પર અગાઉ પણ અનેક ગંભીર કેસો નોંધાયેલા છે. વર્ષ 2011માં તે સાઇબર ટેરરિઝમ સંબંધિત ગુનામાં ઝડપાયો હતો, જેના કારણે તે પહેલા થી જ સુરક્ષા એજન્સીઓની નજરમાં હતો. વાપી વિસ્તારમાં ઝડપાયેલી બીજી ફેક્ટરીના કેસમાં પણ મોનુ વોન્ટેડ હતો. લાંબા સમય સુધી પળો છુપાવી રાખનારો મોનુ અંતે જોધપુર પાસે ચાલી રહેલી આ ડ્રગ્સ ફેક્ટરી સુધી પહોંચતા ઝડપાઈ ગયો હતો. તેના ગુનાહિત ભૂતકાળે સમગ્ર કેસને વધુ ગંભીર બનાવી દીધો છે.
યુટ્યૂબ પરથી ડ્રગ્સ બનાવવાની રીત શીખી એક મહિના પહેલા શરૂ કરેલું ઉત્પાદન
પ્રાથમિક પૂછપરછમાં મોનુ ઓઝાએ સ્વીકાર્યું છે કે તેણે યુટ્યૂબ પરથી ડ્રગ્સ બનાવવાની રીત શીખી હતી. તે અગાઉ 200 ગ્રામ જેટલું ડ્રગ્સ બનાવી તેનું પરીક્ષણ કરી ચૂક્યો હોવાથી તેને સંપૂર્ણ પ્રક્રિયામાં પારંગતતા મળી ગઈ હતી. ફેક્ટરી લગભગ એક મહિના પહેલા જ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ બજારમાં ડ્રગ્સની મોટાપાયે સપ્લાય કરવાની તૈયારીમાં હતા, તે પહેલાં જ સંયુક્ત ઓપરેશનમાં પકડી પાડવામાં આવ્યા. હાલ સમગ્ર પ્રકરણની વિગતવાર તપાસ રાજસ્થાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

