સગીરાએ હોસ્પિટલમાં જ બાળકને જન્મ આપ્યો, નવજાતને ભાવનગર ખસેડાયો
બોટાદ જિલ્લાના પાળિયાદ તાલુકામાં આવેલ તરઘરા ગામમાં 14 વર્ષીય દીકરી સાથે થયેલી દુઃખદ અને શરમજનક ઘટના બહાર આવી છે. ગામના 70 વર્ષીય અરજણ ખોડા ચાવડાએ સગીરા પર લાંબા સમયથી દુર્વ્યવહાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. સગીરાને અચાનક પેટદર્દ વધતાં પરિવારજનોએ તેને બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં તપાસ દરમ્યાન ડોક્ટર્સને ખબર પડી કે સગીરા સાત મહિનાની ગર્ભવતી છે. હોસ્પિટલમાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો.
નવજાતને ગંભીર હાલતમાં ભાવનગર ખસેડાયો
બાળકના જન્મ બાદ તેની તંદુરસ્તી ખૂબ જ નાજુક હોઈ ડોક્ટરોએ તેને તરત જ ભાવનગરની મોટી હોસ્પિટલમાં રિફર કર્યો હતો. સગીરા હાલ બોટાદમાં સારવાર હેઠળ છે અને તેની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વિશેષ કાઉન્સેલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર ગામમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ ફેલાયો છે. સગીરાએ લાંબા સમયથી સહન કરેલી પીડાએ સ્થાનિક સમાજને હચમચાવી દીધો છે.
સગીરાના વાલીની ફરિયાદ બાદ વૃદ્ધ આરોપી ઝડપાયો
ઘટનાની વિગતો બહાર આવતા જ સગીરાના વાલીએ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 1 ડિસેમ્બર, 2025ના રોજ દાખલ કરાયેલી આ ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. બીજા જ દિવસે 2 ડિસેમ્બરે આરોપી અરજણ ખોડા ચાવડાને પકડી લેવામાં આવ્યો હતો. આરોપી સામે દુષ્કર્મ તથા POCSO એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો છે. પોલીસે વધુ પુરાવા એકત્રિત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મહિલા કોંગ્રેસ અધ્યક્ષે મુલાકાત લઈને કડક સજાની માંગણી કરી
ઘટનાની જાણ થતાં જ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની અધ્યક્ષ ગીતાબેન પટેલ બોટાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સગીરાની તબિયત અને સુરક્ષાની વિગતો મેળવી પરિવારને સાંત્વના આપી હતી. ગીતાબેન પટેલે જણાવ્યુ હતું કે આવા કૃત્ય કરનારને કડકમાં કડક સજા મળવી જોઈએ. સાથે જ પીડિતાને યોગ્ય ન્યાય અને સરકારી સહાય મળે તેની પણ માંગ કરી છે. સ્થાનિક સમાજ અને પ્રશાસન બંને આ કેસને ગંભીરતાથી લઈ આગળની કાર્યવાહી કરી રહ્યા છે.

