અતિરિક્ત વરસાદ અને માવઠાથી ચારા ઉત્પાદનને નુકસાન
પશુપાલકો જણાવે છે કે ગત વર્ષે જે લીલા ઘાસચારાના ભાવ 80 થી 100 રૂપિયા પ્રતિ મણ હતા, તે હવે વધીને 150 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયા છે. સૂકો ચારો તો વધુ મોંઘો બની 250 રૂપિયાથી પણ ઉપર જઈ ચૂક્યો છે. વધતા ભાવ હોવા છતાં ચારો સહેલાઈથી મળી રહે તેવું નથી, જેના કારણે પશુપાલન વ્યવસાય પર ભારે અસર પડી રહી છે. પશુપાલકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ખેડૂતો જેવી સહાય તેમને પણ મળે અથવા ચારો સસ્તો કરવા માટે તાત્કાલિક યોજના ઘડવામાં આવે.
અતિરિક્ત વરસાદથી ઘાસચારાને મોટું નુકસાન, પશુઓને સંભાળવું મુશ્કેલ
બોટાદ જિલ્લાના પશુપાલક ધીરુભાઈ ગઢવીએ જણાવ્યું કે ચોમાસું પૂર્ણ થયા બાદ થયેલા વધારા વરસાદના કારણે ચારો પલળી ગયો છે. આ કારણે ઘાસચારાનું ઉત્પાદન ઘટ્યું અને બજારમાં તેની અછત ઊભી થઈ છે. ધીરુભાઈના જણાવ્યા મુજબ ગત વર્ષે મળતો 100 રૂપિયાનો ચારો આ વર્ષે સીધો 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેમના પાસે લગભગ 150 પશુઓ છે, જેને કારણે દૈનિક ચારો પૂરું પાડવું વધુ મુશ્કેલ બન્યું છે.
માવઠાના કારણે નિરણમાં ઘટાડો, બજારમાં ચારો મોંઘો અને ઓછી ઉપલબ્ધતા
પશુપાલક વિપુલભાઈ કહે છે કે અચાનક પડેલા માવઠાએ નિરણના ઉત્પાદનને ભારે અસર કરી છે. અગાઉ જે નિરણ 80 થી 90 રૂપિયા પ્રતિ મણ મળતું હતું, તે હવે 150 રૂપિયા જેટલું મોંઘું થઈ ગયું છે. સૂકી નિરણ તો સીધી 300 રૂપિયા સુધી જઈ પહોંચી છે, જે પશુપાલન ખર્ચમાં મોટો વધારો કરે છે. પોતાના ખેતરમાં ઉપજેલ ચારમાં પણ નુકસાન થતાં તેમને બહારથી ચારો ખરીદવો પડે છે. પશુપાલકોની માંગ છે કે સરકાર સ્થિતિને સમજી યોગ્ય નિર્ણય કરે.

