ગુજરાતના ઓટો બજારમાં નવી ઉર્જા, અમદાવાદમાં 49% સુધી કાર વેચાણમાં વધારો
રાજ્યમાં GST ઘટાડ્યા બાદથી ઓટોમોબાઇલ સેક્ટરમાં એવી તેજી જોવા મળી રહી છે જે છેલ્લા ઘણા મહિનાઓમાં જોવા મળી ન હતી. દિવાળી સમાપ્તિ પછી પણ વાહન બજારમાં ગતિ યથાવત રહી છે અને ગ્રાહકોનો પ્રતિસાદ સકારાત્મક રહ્યો છે. નિષ્ણાતોના કહેવા મુજબ હાલમાં વાહન ખરીદવાનો સમય અત્યંત અનુકૂળ છે. નવેમ્બરમાં રાજ્યભરમાં કુલ 2.32 લાખ વાહનોનું વેચાણ થઈ રેકોર્ડ રચાયો છે.
જીએસટી ઘટાડાથી કિંમતો ઘટતાં માંગ વધી
જ્યારે થોડા સમય પહેલા વાહનોના વેચાણમાં ધીમી ગતિ જોવા મળી હતી, ત્યારે 22 સપ્ટેમ્બર બાદ GST દર ઘટતા બજારમાં નવી ચેતના આવી છે. ટુ-વ્હીલરમાં લગભગ 10 હજાર સુધીનો ઘટાડો અને કારોમાં 60 હજારથી 3 લાખ સુધીની કિંમતમાં રાહત મળતાં વેચાણ તેજ બન્યું છે. ઓટો સેક્ટરમાં આવું મુવમેન્ટમ લાંબા સમયથી જોવા મળ્યું ન હતું.
દિવાળી પછી પણ નવેમ્બર મહિનામાં જોરદાર વૃદ્ધિ
સામાન્ય રીતે દિવાળી પછીનો સમય વાહન વેચાણ માટે નબળો માનવામાં આવે છે, પરંતુ આ વખતે સંપૂર્ણ વિપરીત પરિસ્થિતિ જોવા મળી છે. નવેમ્બર મહિનામાં ટુ-વ્હીલર સેગમેન્ટમાં 17 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. કાર સેગમેન્ટે 42 ટકા ગ્રોથ દર્શાવ્યો છે, જ્યારે કોમર્શિયલ વાહનોમાં 65 ટકા જેટલો ઉછાળો રહ્યો છે. આ વૃદ્ધિ દિવાળી બાદના સમયગાળા માટે અસાધારણ માનવામાં આવી રહી છે.
ગયા વર્ષે નવેમ્બર માસમાં 1.96 લાખ વાહનોનું રજીસ્ટ્રેશન થયું હતું, જ્યારે આ વર્ષે આ આંકડો 2.32 લાખ સુધી પહોંચી ગયો છે. ગયા વર્ષે 25359 કાર વેચાઈ હતી ત્યારે આ વર્ષે 36101 સુધી કાર વેચાણ પહોંચ્યું છે. 2W સેગમેન્ટમાં 17.21%ની વૃદ્ધિ નોંધાઈ છે, જે બજારમાં વધતી માંગનું પ્રતિબિંબ છે.
અમદાવાદમાં 4W અને 2W સેગમેન્ટમાં ખાસ ઉછાળો
અહેવાલ મુજબ, અમદાવાદ શહેરમાં કાર વેચાણ 49% વધીને 8109 સુધી પહોંચ્યું છે. જ્યારે ટુ-વ્હીલર વેચાણ 23635 સુધી પહોંચીને 21.60%નો વધારો નોંધાયો છે. આ વર્ષના નવેમ્બરમાં દિવાળી વગરનું સૌથી વધુ વાહન રજીસ્ટ્રેશન થયું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વૃદ્ધિનો મુખ્ય આધાર GST ઘટાડાનો ફાયદો છે, જે ગ્રાહકોને ખરીદી માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે.

