સાઉદી અરેબિયાએ ૨૪,૦૦૦ પાકિસ્તાનીઓને કર્યા દેશનિકાલ: ભીખ માંગવાના આરોપમાં મોટી કાર્યવાહી
પાકિસ્તાન અત્યારે આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ તેના નાગરિકોની વિદેશમાં હરકતોને કારણે હવે દેશની આબરૂ પણ દાવ પર લાગી છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) ના ડાયરેક્ટર જનરલ રિફત મુખ્તાર રાજાએ સંસદીય સમિતિ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે સાઉદી અરેબિયાએ એકલા આ વર્ષે ૨૪,૦૦૦ થી વધુ પાકિસ્તાનીઓને ભીખ માંગવા બદલ પરત મોકલી દીધા છે.
ભીખ માંગવા માટે ‘ઉમરાહ વિઝા’નો દુરુપયોગ
સાઉદી સત્તાવાળાઓએ તપાસમાં જોયું કે મોટાભાગના પાકિસ્તાની નાગરિકો ઉમરાહ અથવા ટુરિસ્ટ વિઝા પર સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. જો કે, ત્યાં પહોંચ્યા પછી તેઓ ધાર્મિક વિધિઓ કરવાને બદલે મક્કા અને મદીના જેવા પવિત્ર શહેરોની ગલીઓમાં ભીખ માંગતા જોવા મળ્યા હતા. સૌદી અરેબિયાએ અગાઉ પણ પાકિસ્તાન સરકારને ચેતવણી આપી હતી કે જો ભિખારીઓનો આ પ્રવાહ નહીં અટકે, તો સામાન્ય પાકિસ્તાની મુસાફરો અને ઉમરાહ યાત્રીઓ માટે વિઝા નિયમો અત્યંત કડક બનાવવામાં આવશે.
પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામી
FIA ચીફના જણાવ્યા અનુસાર, આ માત્ર સાઉદી અરેબિયા પૂરતું મર્યાદિત નથી. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ અંદાજે ૬,૦૦૦ પાકિસ્તાનીઓને ડિપોર્ટ કર્યા છે, જ્યારે અઝરબૈજાને પણ ૨,૫૦૦ લોકોને પરત મોકલ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે પાકિસ્તાનમાંથી ભીખ માંગવા માટે સંગઠિત ટોળકીઓ વિદેશ જઈ રહી છે, જે પાકિસ્તાનની વૈશ્વિક છબીને ધૂળમાં મેળવી રહી છે.
મુખ્ય આંકડાઓ:
- સાઉદી અરેબિયામાંથી ડિપોર્ટ: ૨૪,૦૦૦ પાકિસ્તાની
- UAE માંથી ડિપોર્ટ: ૬,૦૦૦ પાકિસ્તાની
- એરપોર્ટ પરથી અટકાવવામાં આવ્યા: ૫૧,૦૦૦ થી વધુ શંકાસ્પદ મુસાફરો
પાકિસ્તાન સરકારની કાર્યવાહી
આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાકિસ્તાન સરકારે હવે એરપોર્ટ પર કડક તપાસ શરૂ કરી છે. FIA એ આ વર્ષે ૫૧,૦૦૦ થી વધુ લોકોને વિદેશ જતા અટકાવ્યા છે કારણ કે તેમની પાસે પરત આવવાની ટિકિટ કે પૂરતા ભંડોળનો અભાવ હતો. સરકાર હવે આ ભિખારીઓ અને તેમને વિદેશ મોકલનારા એજન્ટોના પાસપોર્ટ કેન્સલ કરવાની અને તેમના પર પાંચ વર્ષનો પ્રવાસ પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહી છે.
આ ઘટનાએ સાબિત કર્યું છે કે પાકિસ્તાન માટે આ માત્ર આર્થિક જ નહીં, પરંતુ નૈતિક પતનનો પણ પ્રશ્ન છે. જે દેશો પાકિસ્તાનને આર્થિક મદદ કરે છે, ત્યાં જઈને તેના નાગરિકો ભીખ માંગતા પકડાતા હવે રાજદ્વારી સંબંધોમાં પણ તિરાડ પડવાની શક્યતા છે.

