‘ઓપરેશન દોરી’માં મોટી સફળતા, પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને મશીનો સાથે 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કડક કાર્યવાહી કરતાં અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે દાદરા નગર હવેલીમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સ્થાનિક પોલીસની મદદથી ચલાવાયેલા આ દરોડામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને દોરી બનાવવાના સાધનો સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કાર્યવાહીમાં અંદાજે 1 કરોડ 50 લાખ રૂપિયાનો જથ્થો મળી આવ્યો છે. કુલ મળીને દોરી અને સાધનો સાથે 2 કરોડ 34 હજાર રૂપિયાનું જપ્તી કરવામાં આવી છે.
ઉત્તરાયણ પહેલા વેચાણ રોકવા પોલીસ એક્શનમાં
આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસ તંત્ર સજાગ બન્યું છે. આ દોરીના કારણે માનવજીવન અને પક્ષીઓ માટે ગંભીર જોખમ ઊભું થતું હોવાથી પોલીસ દ્વારા સતત તપાસ અને દરોડા હાથ ધરવામાં આવી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ જંગી જથ્થો ઝડપાયો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવા ગુનામાં કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં નહીં આવે.
‘ઓપરેશન દોરી’ અંતર્ગત ચાર દિવસની વોચ
અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા આ સમગ્ર કાર્યવાહી ને ‘ઓપરેશન દોરી’ નામ આપવામાં આવ્યું છે. શરૂઆતમાં સાણંદ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાંથી ચાઈનીઝ દોરી ઝડપાઈ હતી. તપાસમાં ભરત ભોગીલાલા નામ સામે આવ્યું અને મુખ્ય સૂત્રધાર તરીકે વિરેન નામના વ્યક્તિની ભૂમિકા બહાર આવી. ત્યારબાદ પોલીસ ટીમે દાદરા નગર હવેલીમાં એક નામ વગરની ફેક્ટરી પર ચાર દિવસ સુધી વોચ રાખી કાર્યવાહી કરી.
આરોપીઓ સામે અનેક કેસ, મુખ્ય સૂત્રધાર ફરાર
આ ઓપરેશન દરમિયાન એક આરોપી જાવેદ મિર્ઝા દોરીની ડિલિવરી કરતો હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર કેસમાં અત્યાર સુધી 6 ગુના નોંધાયા છે અને 15 જેટલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે મોટાભાગના આરોપીઓ નાના-મોટા વેપાર સાથે સંકળાયેલા હતા. મુખ્ય આરોપી વિરેન હજુ સુધી ફરાર હોવાથી તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.
જોખમી ચાઈનીઝ દોરી પર સંપૂર્ણ પ્રતિબંધ
ચાઈનીઝ દોરી અત્યંત તીક્ષ્ણ અને જોખમી હોવાના કારણે સરકાર દ્વારા તેના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દોરી પતંગ કાપવાની સાથે સાથે માનવી અને પક્ષીઓના ગળા માટે ઘાતક સાબિત થતી હોવાથી દર વર્ષે અનેક અકસ્માતો સર્જાય છે. તેમ છતાં, કેટલાક વેપારીઓ વધુ નફાની લાલચમાં કાયદાનો ભંગ કરી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

