બાંગ્લાદેશમાં સાંસ્કૃતિક અરાજકતા: ફરીદપુરમાં સિંગર જેમ્સના કન્સર્ટ પર કટ્ટરપંથી ભીડનો પથ્થરમારો
બાંગ્લાદેશમાં શેખ હસીનાના પતન પછી સત્તામાં આવેલી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દેશમાં હિંસા અને અરાજકતા રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. તાજેતરની ચોંકાવનારી ઘટનામાં, ફરીદપુરમાં આયોજિત જાણીતા સિંગર જેમ્સના કન્સર્ટમાં ભીડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈંટો અને પથ્થરોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ અને પ્રેક્ષકો લોહીલુહાણ થયા હતા.
ઘટનાની વિગત
આ ઘટના શુક્રવારે રાત્રે ફરીદપુર જિલ્લા શાળાના મેદાનમાં બની હતી. શાળાની 185મી વર્ષગાંઠ નિમિત્તે બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના છેલ્લા દિવસે રાત્રે 9:30 કલાકે લોકપ્રિય સિંગર જેમ્સ (ફારુક મહફુઝ અનમ) સ્ટેજ પર આવવાના હતા. જેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંગીત પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.
જેમ જેમ્સ સ્ટેજ પર પરફોર્મન્સ શરૂ કરવાના હતા, તેના થોડા સમય પહેલા જ બહારથી આવેલી એક અજાણી ભીડે કાર્યક્રમ સ્થળમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેમને અટકાવતા ભીડ ઉશ્કેરાઈ ગઈ હતી અને સ્ટેજ તેમજ પ્રેક્ષકો તરફ જોરદાર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
20થી વધુ લોકો ઘાયલ, કન્સર્ટ રદ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ અચાનક ઈંટો અને પથ્થરો ફેંકવાનું શરૂ કરતા નાસભાગ મચી ગઈ હતી. આ હિંસામાં અંદાજે 20 થી 25 લોકો ઘાયલ થયા છે, જેમાં મોટાભાગના શાળાના વિદ્યાર્થીઓ છે. અનેક લોકોને માથાના ભાગે અને હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. સ્થિતિ વણસતી જોઈને જિલ્લા પ્રશાસને તાત્કાલિક દખલગીરી કરી હતી અને સુરક્ષાના કારણોસર કન્સર્ટ રદ કરવાની જાહેરાત કરી હતી. સિંગર જેમ્સને સુરક્ષિત રીતે કાર્યક્રમ સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા હતા.
સાંસ્કૃતિક વિરોધ કે કટ્ટરપંથી હુમલો?
બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, હુમલાખોરો સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોના વિરોધી હોવાનું મનાય છે. જાણીતી લેખિકા તસ્લીમા નસરીને પણ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હવે કલાકારો અને સંગીત સંસ્થાઓ સુરક્ષિત નથી. અગાઉ પણ છાયાનોટ (Chhayanaut) જેવી સાંસ્કૃતિક સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી છે.
યુનુસ સરકાર પર ઉઠતા સવાલ
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે બાંગ્લાદેશમાં વહીવટી તંત્ર ભીડ અને કટ્ટરપંથી તત્વો સામે લાચાર છે. લઘુમતીઓ પરના હુમલા બાદ હવે બાંગ્લાદેશના પોતાના જ સાંસ્કૃતિક ચહેરાઓ અને કલાકારો પરના હુમલા વધી રહ્યા છે. ફરીદપુર જિલ્લા શાળાના આયોજકોએ આ હુમલાને કમનસીબ ગણાવ્યો છે અને જણાવ્યું છે કે તમામ તૈયારીઓ છતાં અચાનક થયેલા હુમલાએ સમગ્ર ઉત્સવનો આનંદ છીનવી લીધો છે.

