વાઈબ્રન્ટ કચ્છથી વિકાસને નવી ગતિ: ગાંધીધામમાં ૩૩૪ MSME એકમો સાથે ૮૫૦૦ કરોડના MOU પર હસ્તાક્ષર

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
8 Min Read

MSME અને મોટા ઉદ્યોગો માટે કચ્છ બની રહ્યું છે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી

કચ્છના ગાંધીધામમાં ગુરુવારે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વાઈબ્રન્ટ કચ્છ જિલ્લા કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમમાં કુલ ૩૩૪ MSME એકમો સાથે ૮૫૦૦ કરોડ રૂપિયાના MOU પર હસ્તાક્ષર થયા.

ગાંધીધામના ડો. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરમાં વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમનો શુભારંભ કરાવતા શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કચ્છની સત્વશીલ જનતાએ અનેક કુદરતી આપત્તિઓની પીડા સહન કરીને આજે કચ્છને વિકાસનું કેન્દ્ર બનાવ્યું છે. સરકારના વિઝન તથા કચ્છીઓની તેજસ્વી શક્તિ અને સત્વથી કચ્છ ઔદ્યોગિક હબ બન્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીથી એક પ્રદેશનો કઈ રીતે કાયાકલ્પ થઈ શકે છે તેનું કચ્છ ઉદાહરણ છે. કચ્છી જે પ્રકારે પડકારોને સ્વીકારનારી જનતા છે, તે જ રીતે પ્રધાનમંત્રીએ કચ્છના પડકારોને અવસરમાં બદલીને કચ્છનો અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. એક સમયે પાણી, રોજગાર વગેરે મુદ્દાઓથી પીડિત કચ્છ આજે અન્ય રાજ્યોના લોકોને રોજગાર આપી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા વિકાસના રથને આગળ ધપાવવામાં આવતા કચ્છ આજે ટુરિઝમ, ખેતી અને ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર બન્યું છે. કચ્છ રિન્યુએબલ એનર્જીનું હબ બનવાની સાથે દેશનો ૪૦ ટકા કાર્ગો હેન્ડલ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં કચ્છ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટના PCB નિર્માણ, ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર, બ્લુ ઇકોનોમી જેવા ક્ષેત્રોના વિકાસનું મુખ્ય કેન્દ્ર બની શકે છે. આથી તેમણે રોકાણકારોને આ ક્ષેત્રોમાં જોડાવા આહવાન કર્યું હતું.

આ અવસરે ધોલેરાના વિકાસની ચર્ચા કરતા વન અને પર્યાવરણ મંત્રીએ ઉમેર્યું કે પડકારોને અવસરમાં પરિવર્તિત કરવા તે પ્રધાનમંત્રીના વિઝનમાં છે. કોરોના કાળમાં ગણતરીના દિવસોમાં વેક્સિન બનાવવાથી લઈને લોકોને આપવા સુધીનું કાર્ય કરીને ભારતે અન્ય દેશોને પાછળ છોડી દીધા હતા. આજે ભારત વેક્સિન હબ બન્યું છે. તેવી જ રીતે સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટના પડકારોને સ્વીકારી તેના ઉત્પાદન માટે સજ્જ થયેલું ભારત આગામી વર્ષોમાં આત્મનિર્ભર બનીને દુનિયામાં અગ્રેસર બનશે.

- Advertisement -

vibrant kutch msme mou 8500 crore 4.png

તેમણે વધુમાં જણાવ્યું કે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે દરેક ક્ષેત્રમાં દેશે આત્મનિર્ભર બનવું પડશે. આ માટે કચ્છમાં ભરપૂર પોટેન્શિયલ હોવાને કારણે ભારતના ભવિષ્યનું નિર્માણ કરનારા ક્ષેત્રમાં રોકાણ માટે કચ્છમાં આવીને સંપત્તિ સર્જન કરવા માટે તેમણે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે આગામી સમય AI, ક્વોન્ટમ ટેકનોલોજી તથા બાયોટેકનોલોજીનો હોવાથી આ ક્ષેત્રોમાં વિકાસ માટે આધુનિક રિસર્ચ સેન્ટર, એક્સેલન્સ લેબ વગેરેનું નિર્માણ કરીને ગુજરાત સજ્જ બન્યું છે. તેમણે ઉમેર્યું કે કચ્છનો ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો છે. તેમણે ટકાઉ વિકાસની વિભાવના તથા પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે કચ્છમાં વર્લ્ડ ક્લાસ નર્સરી બનાવવા જણાવ્યું હતું. કચ્છમાં ગ્રીન કવર વધારવાના અભિયાનમાં ઉદ્યોગોને જોડાવા માટે પણ તેમણે અનુરોધ કર્યો હતો.

- Advertisement -

ઉચ્ચ અને તકનીકી શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જ્યારે મુખ્યમંત્રી તરીકે કમાન સંભાળી ત્યારથી વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ હતી. આજે જિલ્લા કક્ષાએ તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે તેમણે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તથા કચ્છના ઉદ્યોગસાહસિકોને અભિનંદન આપ્યા હતા.

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ વિકાસને આંદોલન બનાવીને ભૂકંપની પીડા સાથે પાણી, બેરોજગારીની સ્થિતિમાં કચ્છને ફરીથી બેઠું કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનથી કચ્છ અવિરત વિકાસ સાધી રહ્યું છે. માળખાગત સુવિધાઓ વધવા, ઔદ્યોગિક વિકાસ, ટેકનોલોજીયુક્ત બંદરોનો વિકાસ થવાને કારણે કચ્છમાં રિવર્સ માઈગ્રેશન થઈ રહ્યું છે.

vibrant kutch msme mou 8500 crore 2.png

- Advertisement -

હસ્તકલાના કચ્છી કારીગર શ્રી પાબીબેનને યાદ કરતા શ્રી છાંગાએ જણાવ્યું હતું કે એક સમયે હસ્તકલા અને ગૃહઉદ્યોગ આધારિત રોજગારી આપતું કચ્છ હાલમાં ગુજરાતમાં ઉદ્યોગોનું હબ બનવા જઈ રહ્યું છે. વાઈબ્રન્ટ દ્વારા કચ્છમાં કરોડો રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે અને રોજગારીની તકો ઉભી થઈ રહી છે. તેમણે નાગરિકો તથા ઉદ્યોગપતિઓને આર્થિક વિકાસની સાથે નૈતિક મૂલ્યો જાળવી રાખવા તથા સામાજિક વિકાસને ધ્યાનમાં રાખીને દેશના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના દીર્ધદ્રષ્ટિપૂર્ણ વિઝનથી વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ હતી, જેનો લાભ કચ્છને મળવાથી જિલ્લામાં પોર્ટ, મિનરલ્સ, કેમિકલ વગેરે ક્ષેત્રોમાં હજારો ઔદ્યોગિક એકમો કાર્યરત છે. આજે કચ્છમાં રોજગારીની વિપુલ તકોનું સર્જન થવાથી અન્ય રાજ્યોના લોકો અહીં રોજગારી માટે આવ્યા છે. આને કચ્છીઓ માટે ગૌરવની વાત ગણાવતા શ્રી ચાવડાએ ઉમેર્યું કે કચ્છ ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે, જેને રણ, સમુદ્ર અને પર્વતનો ત્રિવેણી સંગમ મળ્યો છે. મુખ્યમંત્રીના અવિરત પ્રયાસોથી આજે કચ્છ કૃષિ, ઉદ્યોગ અને ટુરિઝમ ક્ષેત્રોમાં અગ્રેસર બન્યું છે. તેમણે યુવા ઉદ્યોગસાહસિકો અને રોકાણકારોને પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલના વિઝનને સાર્થક કરી વાઈબ્રન્ટ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી હતી.

દીનદયાલ પોર્ટના ચેરમેન શ્રી એસ. કે. સિંઘે જણાવ્યું હતું કે વિકસિત ભારતના વિઝનમાં ગુજરાત રાજ્ય અને તેમાં પણ કચ્છ જિલ્લો વિશેષ યોગદાન આપશે. કચ્છની ભૌગોલિક સ્થિતિને કારણે તમામ પ્રકારની કનેક્ટિવિટી ઉપલબ્ધ હોવાથી રોકાણકારો કચ્છના વિકાસમાં સહભાગી થવા ઉત્સુક છે. વિકસિત ભારતના વિઝનમાં કચ્છમાં પોર્ટ-મેરીટાઇમ સેક્ટરનું યોગદાન ઉલ્લેખનીય રહેશે. તેમણે ઉમેર્યું કે કંડલા પોર્ટ ગ્રીન હાઇડ્રોજન અને શિપ બિલ્ડિંગ ક્ષેત્રમાં લીડ કરી રહ્યું છે. તેમણે રોકાણકારોને આહવાન કર્યું હતું કે ભવિષ્યમાં જ્યારે આ બંને ક્ષેત્રોનો વિકાસ થશે, ત્યારે તેઓ કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન પાર્કમાં જોડાય.

vibrant kutch msme mou 8500 crore 3.png

આ અવસરે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારતનું સપનું સાકાર કરવાની પહેલમાં બીજ તરીકે રોપાયેલું વાઈબ્રન્ટ ગુજરાત આજે વટવૃક્ષ બન્યું છે. જિલ્લા કક્ષાના વાઈબ્રન્ટ કાર્યક્રમના આયોજન અને સાથે જ વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના આયોજનથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના વિઝનથી એક સમયનું કચ્છ આજે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી (તકોની ભૂમિ) બન્યું છે.

ગાંધીધામ ચેમ્બર્સના પ્રમુખ શ્રી મહેશભાઈ પુંજે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના વિકાસના વિઝનથી કચ્છ રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, પોર્ટ્સ, કેમિકલ એન્ડ મિનરલ્સ તથા ટુરિઝમ સહિતના મહત્વના સેક્ટર્સમાં અગ્રેસર બની રહ્યું છે. વિકાસની સાથે કચ્છમાં મળેલી મહત્વની તકો માટે તેમણે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ડી. પી. વર્લ્ડના નિયામક શ્રી પરાગ કોચરે બ્લુ ઇકોનોમીના મહત્વ વિશે જણાવ્યું હતું અને કચ્છમાં પોર્ટના વિકાસની અપાર શક્યતાઓ હોવાનો ઉલ્લેખ કરતા ભારત-માર્ટ વિશે જાણકારી આપી હતી.

કિરી ઇન્ડસ્ટ્રીઝના મનીષ કિરીએ જણાવ્યું હતું કે કચ્છ ગુજરાતનું આર્થિક પાવર હાઉસ બની રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન, ડિજિટલ સ્ટ્રક્ચર, સી વોટર, એગ્રીકલ્ચર, એડવાન્સ મરીન કેમિકલ મિનરલ્સ ઇન્ડસ્ટ્રીના વિકાસથી કચ્છની ભૂમિ રોકાણકારો માટે ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ બનીને ઉભરી છે.

vibrant kutch msme mou 8500 crore 1.png

કચ્છ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી તેજાભાઈ કાનગડે કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી હતી.

વાઈબ્રન્ટ કચ્છ જિલ્લા કાર્યક્રમમાં ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇવેન્ટ પાર્ટનર તરીકે, જ્યારે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ વેન્યુ પાર્ટનર તરીકે જોડાયું હતું. આ ઉપરાંત ફોકિયા (FOKIA) અને કચ્છ મેનેજમેન્ટ એસોસિએશન નોલેજ પાર્ટનર તરીકે સહભાગી થયા હતા.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ધવલભાઈ આચાર્ય, પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાર, ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનર શ્રી મનીષ ગુરવાની, GRIT ના જોઈન્ટ CEO શ્રી સ્તુતિ ચારણ, ARM શ્રી આશિષ ધાનિયા, સંયુક્ત ઉદ્યોગ કમિશનર શ્રી કનક ડેર સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.