ખારાપટથી પીડિત ખેડૂતોને મળશે રાહત, જીરા ગામે 4.5 કરોડના તળાવનું આયોજન
આજના સમયમાં ઉદ્યોગપતિઓ માત્ર નફા સુધી સીમિત નથી રહ્યા, પરંતુ સમાજ પ્રત્યેની પોતાની ફરજને પણ ગંભીરતાથી સ્વીકારી રહ્યા છે. અનેક ઉદ્યોગપતિઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. કેટલાક ઉદ્યોગપતિઓ લોકસહયોગથી કાર્ય કરે છે, જ્યારે કેટલાક કોઈપણ પ્રકારની સહાયની અપેક્ષા વિના પોતાની આવકમાંથી સેવાકીય કાર્ય અંજામ આપે છે. આવી જ એક પ્રેરણાદાયી પહેલ અમરેલી જિલ્લામાં જોવા મળી રહી છે.
ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખી લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
અમરેલી જિલ્લાના જીરા પંથકમાં ખારાપટ હોવાના કારણે ખેડૂતોને દર વર્ષે પિયતની ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણીની અછતના કારણે ખેડૂતો મોટાભાગે ફક્ત ચોમાસાની ઋતુમાં જ ખેતી કરી શકે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જીરા ગામના ઉદ્યોગપતિ ડોબરીયા પરેશભાઈ વિઠ્ઠલભાઈએ ખેડૂતોના હિતમાં આગળ આવીને મોટું પગલું ભર્યું છે. તેમણે ખેતી માટે જરૂરી પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુથી તળાવ નિર્માણનો સંકલ્પ કર્યો છે.
તળાવ નિર્માણથી પિયત સમસ્યાનો ઉકેલ
પરેશભાઈ ડોબરીયાએ જીરા ગામની નજીક તળાવ બનાવવાનું કાર્ય શરૂ કર્યું છે. આ તળાવના નિર્માણથી જીરા ગામ સહિત આસપાસના અનેક ખેડૂતોને પૂરતું પિયત મળશે. હાલ જે ખેડૂતો માત્ર ચોમાસામાં પાક લઈ શકે છે, તેઓ હવે રવિ અને ઉનાળુ સીઝનમાં પણ ખેતી કરી શકશે. આ પહેલથી ખેતી ઉત્પાદન વધશે અને ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થવાની આશા છે.
વિશાળ આયોજન અને કરોડોનો ખર્ચ
પરેશભાઈ ડોબરીયાએ જણાવ્યું કે તેઓ જીરા ગામના જ વતની છે અને ગામના વિકાસ માટે આ કાર્ય કરી રહ્યા છે. તળાવનું નિર્માણ અંદાજે 75 વીઘા જમીનમાં કરવામાં આવશે. જમીનની ખરીદી સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી એકથી બે મહિનામાં કામ શરૂ થવાની શક્યતા છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે 4.5 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
ખેડૂતોની સમૃદ્ધિ માટેની દૃઢ ભાવના
ખારાપટના કારણે ચોમાસા બાદ જમીન બિનઉપયોગી બની જાય છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે. તળાવના નિર્માણથી મીઠું પાણી ઉપલબ્ધ થશે અને જમીનની ઉપજક્ષમતા વધશે. પરેશભાઈએ જણાવ્યું કે ખેડૂતો સુખી બને, ખેતીમાં સમૃદ્ધિ આવે અને ગામનો સર્વાંગી વિકાસ થાય એ જ તેમના કાર્યનો મુખ્ય હેતુ છે. આ પ્રયાસથી સમગ્ર પંથકમાં એક નવી આશા જાગી છે.

