સરંભડા ગામને વિકાસની ભેટ: મેજર બ્રિજ લોકાર્પણ સાથે ગ્રામ પંચાયત ભવન અને સુવિધા પથનું ખાતમુહૂર્ત
અમરેલી જિલ્લાના સરંભડા ગામે વિકાસની ગતિને વેગ આપતા ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે આશરે રૂ. 7 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ લાવવા સરકાર કટિબદ્ધ છે. કાર્યક્રમમાં સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા, જે દર્શાવે છે કે આ વિકાસકાર્યો સ્થાનિક લોકોના જીવનમાં મોટું પરિવર્તન લાવશે.
રૂ. 6 કરોડના ખર્ચે નિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ
સરંભડા અને આસપાસના ગામોના લોકો માટે વર્ષોથી નડતો અવરોધ હવે દૂર થયો છે. આશરે રૂ. 6 કરોડના ખર્ચે નદીના બે કાંઠાને જોડતા ભવ્ય મેજર બ્રિજનું મંત્રીશ્રી અને વિજયબાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પુલના નિર્માણથી ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને ઝડપી બનશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ખાસ પ્રોજેક્ટને મંજૂરી આપીને ગ્રામીણ કનેક્ટિવિટીને મજબૂત કરવાનું કામ કર્યું છે.
પંચાયત ભવન અને સુવિધા પથનું ખાતમુહૂર્ત
ગામમાં વહીવટી કામગીરીને વધુ સરળ બનાવવા માટે રૂ. 25 લાખના ખર્ચે તૈયાર થનારા નવા ‘ગ્રામ પંચાયત ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગામમાં આંતરિક રસ્તાઓની સુવિધા વધારવા માટે રૂ. 60 લાખના ખર્ચે બનનારા ‘સુવિધા પથ’નું પણ કામ શરૂ કરવામાં આવ્યું છે. આ આધુનિક ભવન અને રસ્તાઓથી સ્થાનિક સ્વરાજની વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને લોકોને સરકારી કામકાજ માટે સુસજ્જ સુવિધા મળશે.
જળ સંચય અને કૃષિ વિકાસ માટે ભગીરથ આયોજન
મંત્રીશ્રીએ ખેડૂતો અને ગ્રામજનો માટે ભવિષ્યના આયોજનની જાહેરાત કરતા કહ્યું કે, આગામી બે વર્ષમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવામાં આવશે. ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી ખેતરમાં’ ઉતારવા માટે મોટા પાયે તળાવો ઊંડા કરવાનું અભિયાન શરૂ કરવામાં આવશે. સરંભડામાં પણ 600 કલાક તળાવ ઊંડું કરવાની કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત, જિલ્લાને મળેલા કૃષિ પેકેજો અને નવી પ્રાથમિક શાળાના નિર્માણ દ્વારા શિક્ષણ અને ખેતી ક્ષેત્રે પણ વિકાસની નવી કેડી કંડારવામાં આવશે.

