સુરત: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અસરગ્રસ્તોને સહાયનું વિતરણ, કહ્યું – “સુરત માનવતા અને દાનવીરોની ધરતી છે”
સુરત શહેરમાં પૂર અને ખાડીપુરની વિકટ પરિસ્થિતિ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર અસરગ્રસ્તોના આંસુ લૂછવા માટે સંપૂર્ણ રીતે એક્શન મોડમાં છે. સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદ નગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂબરૂ ઉપસ્થિત રહીને અસરગ્રસ્ત પરિવારોને ‘કેશ ડોલ’ સહાયનું વિતરણ કર્યું હતું. ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને તેમણે સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું અને ખાતરી આપી હતી કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી મદદ પહોંચાડવામાં આવશે.
‘માનવતાના ધોરણે’ સહાય: દસ્તાવેજોના ભારણમાંથી મુક્તિ
નાયબ મુખ્યમંત્રીએ આઝાદ નગરમાં ૧૯૦૦થી વધુ પરિવારોના સર્વે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વખતે સહાય વિતરણમાં માનવતાના ધોરણોને સર્વોપરી રાખવામાં આવ્યા છે. સામાન્ય રીતે સરકારી સહાય મેળવવા માટે લાંબી ડોક્યુમેન્ટેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં લોકોને વધુ હેરાન ન કરવા માટે નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. માત્ર એક પુરાવાના આધારે અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, જેમના નામે મકાન છે તેમને સહાય મળવાપાત્ર છે, પરંતુ માનવતાના નાતે જેમને ખરેખર નુકસાન થયું છે, તેવા તમામ પરિવારોને મદદ પહોંચાડવા તંત્ર કટિબદ્ધ છે.

૨૫૦થી વધુ ટીમો મેદાનમાં, આવતીકાલ સાંજ સુધીમાં પૂર્ણ થશે લક્ષ્યાંક
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં રાહત કામગીરી માટે ૨૫૦થી વધુ ટીમો કાર્યરત છે. આ ટીમો ઘરે-ઘરે જઈને નુકસાનની તપાસ કરી રહી છે. સરકારના આયોજન મુજબ, જે પરિવારો અસરગ્રસ્ત છે તેમને ૬,૮૦૦ રૂપિયાની સહાય આવતીકાલ સાંજ સુધીમાં પહોંચાડી દેવામાં આવશે. આ ઉપરાંત, જે લોકો પોતાના કામકાજ કે અન્ય કારણોસર બહાર નહોતા જઈ શક્યા, તેવા લોકોને પણ ૧,૮૦૦ રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમણે સુરતની જનતાને અપીલ કરી હતી કે, ખરેખર જેમને નુકસાન થયું છે તેમને જ સહાય મળે તેવી વ્યવસ્થામાં દરેક નાગરિક સહકાર આપે. સુરતને તેમણે ‘માનવતા, દયા અને દાનવીરોની ધરતી’ ગણાવી હતી.
‘ભૂલ કરનાર સામે થશે કડક કાર્યવાહી’: જવાબદારી નક્કી કરવા રિવ્યૂ
પૂરની સ્થિતિ બાદ ઉઠેલા સવાલોના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કડક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું, “ફ્લડમાં પાણી ક્યાંથી આવ્યું, કોની ભૂલ થઈ છે અને કોની બેદરકારી છે, તે તમામ બાબતોનું ઊંડાણપૂર્વક રિવ્યૂ કરવામાં આવી રહ્યું છે.” આ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવામાં આવશે અને જેની પણ ભૂલ હશે, તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આ અંગે તેમણે વહીવટી અધિકારીઓ સાથે બેઠકનું પણ આયોજન કર્યું છે, જેમાં તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવશે.

જાનહાનિના મામલે તપાસ ચાલુ
પૂરની આ દુર્ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા છે, તે બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જાનહાનિ અંગેનું નિરીક્ષણ ચાલી રહ્યું છે અને તે અંગેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વહીવટી તંત્ર દ્વારા વધુ માહિતી આપવામાં આવશે. છેલ્લા બે દિવસથી તેઓ સતત આ કામગીરીમાં જોડાયેલા છે અને જ્યાં સુધી દરેક પરિવાર સુધી સહાય નથી પહોંચતી ત્યાં સુધી આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રહેશે.
સુરત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ સક્રિય કામગીરી અને નાયબ મુખ્યમંત્રીનું સીધું મોનિટરિંગ અસરગ્રસ્તો માટે આશાનું કિરણ બનીને આવ્યું છે. જ્યારે કુદરતી આફત આવી હોય ત્યારે સરકાર લોકોની સાથે ઉભી છે, તેવો વિશ્વાસ આ કામગીરી દ્વારા જનતામાં જાગૃત થયો છે.