મહિલા દિવસે પ્રેરણાદાયક ગાથા: વડોદરાની કમલપ્રીત સગ્ગીનો ભારતીય સેના થી સૈનિક કલ્યાણ સુધીનો અનોખો સફર
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વડોદરાના જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સગ્ગીની સિદ્ધિ દરેક ભારતીય માટે ગૌરવ સમાન છે. તાજેતરમાં તેમને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના હસ્તે ‘વેટરન એચીવર્સ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન મેળવનાર તેઓ ભારતના પ્રથમ મહિલા વેટરન ઓફિસર બન્યા છે. તેમની આ સફળતા પાછળ માત્ર સખત મહેનત જ નહીં, પરંતુ દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રબળ તમન્ના રહેલી છે. નિવૃત્તિ બાદ તેમણે એમેઝોન જેવી મોટી કંપનીમાં મળતું ૮૫ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ જતું કરીને પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે વડોદરામાં કાર્યભાર સંભાળ્યો છે.
બાળપણના સંસ્કારો અને સેનામાં જોડાવાની પ્રેરણાદાયી સફર
પંજાબમાં જન્મેલા અને વડોદરામાં ઉછરેલા કમલપ્રીત સગ્ગીના લોહીમાં જ દેશભક્તિ વણાયેલી હતી. તેમના પરદાદીના આઠ પુત્રોએ બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. નાનપણમાં દૂરદર્શન પર આવતી ‘પરમવીર ચક્ર’ અને ‘ઉડાન’ જેવી શ્રેણીઓએ તેમના મન પર ઊંડી અસર કરી હતી. વર્ષ ૧૯૯૯માં તેમણે ભારતીય સેનાની વરદી ધારણ કરી અને શ્રીનગર જેવી મુશ્કેલ જગ્યાઓએ પોતાની ફરજ બજાવી. એક પ્રસંગે ભારે હિમવર્ષામાં જ્યારે જવાનો થાકી ગયા હતા, ત્યારે તેમણે પોતે મેદાનમાં ઉતરીને ખોદકામ કરી ટીમને નેતૃત્વ પૂરું પાડ્યું હતું, જે એક સાચા સૈનિકની ઓળખ છે.
વડોદરા સૈનિક કલ્યાણ કચેરીનું આધુનિકીકરણ અને રોજગારલક્ષી કાર્યો
વડોદરામાં જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે કચેરીના માળખામાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. તેમનું માનવું છે કે જો કચેરી ગરિમાપૂર્ણ હશે તો જ પૂર્વ સૈનિકો ત્યાં સન્માન અનુભવશે. તેમણે જિલ્લા રોજગાર કચેરી અને કલેક્ટરના સહયોગથી અનેક રોજગાર મેળા યોજ્યા છે, જેનાથી પૂર્વ સૈનિકો અને વીર નારીઓને આર્થિક રીતે પગભર થવાની તક મળી છે. આઈ.ઓ.સી.એલ (IOCL) ના સહયોગથી વીર નારીઓ માટે નિ:શુલ્ક સ્ટોલ અને વિવિધ કૌશલ્યવર્ધક કોર્સ શરૂ કરાવીને તેમણે અનેક પરિવારોને નવી દિશા આપી છે.
યુવા પેઢી માટે સંદેશ: લિંગના ચશ્મા છોડી યોદ્ધા બનો
અંગત જીવનમાં એક પત્ની અને માતા તરીકેની જવાબદારીઓ નિભાવવાની સાથે તેમણે હંમેશા દેશને પ્રથમ સ્થાન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેઓ યુવા પેઢીને સંદેશ આપે છે કે, પોતાની જાતને લિંગ (સ્ત્રી કે પુરુષ) ના ભેદભાવથી જોવાનું બંધ કરો. જો મનમાં મક્કમતા હોય તો ગમે તેવું અશક્ય કામ શક્ય બની શકે છે. લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સગ્ગીની આ જીવનસફર માત્ર મહિલાઓ માટે જ નહીં, પરંતુ દેશના પ્રત્યેક નાગરિક માટે શિસ્ત, સાહસ અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
