ગાંધીનગર ખાતે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં “DDO કોન્ફરન્સ” યોજાઈ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

ગ્રામ પંચાયતોના વિકાસ પ્રકલ્પોમાં ગતિશીલતા અને પારદર્શિતા લાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર

ગુજરાતના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ (DDO) અને નિયામકશ્રીઓની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પંચાયત મંત્રીશ્રી તેમજ પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ ગ્રામીણ સ્તરે ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી તેને વેગ આપવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠક દરમિયાન પંચાયત મંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, જિલ્લાના આયોજનની ગ્રાન્ટમાંથી સવા ગણું એટલે કે, ૧૨૫ ટકા આયોજન કરવું, જેથી કોઈ કામ રદ થાય તો અન્ય કામો તુરંત હાથ ધરી શકાય. વધુમાં મંત્રીશ્રીએ જિલ્લાના સરકારી મકાનો પર સ્માર્ટ મીટર અને સોલર રૂફટોપ લગાવવાની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં રોડ, પાણી અને ગટરના કામોની સમીક્ષા કરતા તેમણે જણાવ્યું હતું કે, ટુકડે-ટુકડે ગટર બનાવવાને બદલે એક સંકલિત ગટર વ્યવસ્થા ઊભી કરવી.

DDO Conference Panchayat Development Gujarat 1.jpeg

- Advertisement -

વહીવટી તંત્રને વધુ પારદર્શી બનાવવા માટે મંત્રીશ્રીએ ‘ઈ-સરકાર’ એપ્લિકેશનના ફરજિયાત અમલીકરણ અને પડતર ફાઈલોના ત્વરિત નિકાલ માટે બેઠકમાં આદેશો આપ્યા હતા. વધુમાં, સીડીપી-૫ યોજના અંતર્ગત બાકી રહેલા ગ્રામ પંચાયત ભવનો અને રાજીવ ગાંધી ભવનની દરખાસ્તો વહેલી તકે પૂર્ણ કરવા પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત, જનતાને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે જન્મ-મરણની ઓનલાઈન નોંધણીમાં આવતી ટેકનિકલ ખામીઓને સત્વરે દૂર કરવા પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જૂથ ગ્રામ પંચાયતોનું વિભાજન, નવા પંચાયત ઘરનું નિર્માણ અને પાણી પુરવઠા યોજનાઓ જેવી ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ તરફથી મળેલી વિવિધ રજૂઆતોની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી ગ્રામ પંચાયતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના વિસ્તારોમાં પાયાની માળખાગત સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

DDO Conference Panchayat Development Gujarat 2.jpeg

આ ઉપરાંત બેઠકમાં મંત્રીશ્રીએ રાજ્યની અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજના માટે ગામતળ અને પ્લોટની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરી હતી. સાથે જ, તેમણે ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની જિલ્લામાં આવેલી ખુલ્લી જમીનો પર દબાણ ન થાય અને નાગરિકોને અફોર્ડેબલ હાઉસિંગ સુવિધા પૂરી પાડવા બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.