જળજન્ય રોગો અટકાવવા સરકારની કડક કાર્યવાહી, પાઇપલાઇન લિકેજ સુધારણાને અગ્રતા
ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના વધતા કેસોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની વિસ્તૃત સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં રોગચાળો કાબૂમાં લેવા માટે આરોગ્ય, પાણી પુરવઠા અને સ્થાનિક તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતવાર ચર્ચા કરવામાં આવી. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા. મુખ્યમંત્રીએ પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને સંકલિત કામગીરી કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.
સારવાર અને નિવારણ માટે વધુ સઘન કાર્યવાહી કરવાનો આદેશ
મુખ્યમંત્રીએ ટાઇફોઇડના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનાવવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે શહેરી વિસ્તારોમાં પીવાના પાણીનું દરરોજ પરીક્ષણ કરીને ક્લોરિનેશન યોગ્ય હોવાનું સુનિશ્ચિત થયા બાદ જ જળ વિતરણ થવું જોઈએ. ગાંધીનગર મહાનગર પાલિકાએ બેઠકમાં જાણકારી આપી હતી કે સતત કાર્યવાહીથી હવે કેસોની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે.
સર્વેલન્સ, ક્લોરિનેશન અને લિકેજ સુધારણા પર ભાર
ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનરે માહિતી આપતા જણાવ્યું કે આરોગ્ય વિભાગના સંકલનથી ૮૫ ટીમો બનાવીને ૧ લાખ ૫૮ હજારથી વધુ નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. રોગ નિવારણ માટે ક્લોરિન ટેબ્લેટ્સ અને ઓઆરએસ પેકેટનું વ્યાપક વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સાથે પાણીની પાઇપલાઇનોમાં થયેલા લિકેજને અગ્રતાના ધોરણે સુધારવામાં આવી રહ્યા છે અને તમામ જળ સ્ત્રોતોમાં સુપર ક્લોરિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પાણીની ગુણવત્તા ચકાસણી માટે કડક સૂચનાઓ
મુખ્યમંત્રીએ જળજન્ય રોગો ફેલાતા અટકાવવા માટે પીવાના પાણીની ગુણવત્તા ચકાસણીનો વ્યાપ વધારવા આદેશ આપ્યા હતા. હાલ ચાલી રહેલા પાઇપલાઇનના કામોની સ્થળ પર તપાસ કરીને ગુણવત્તા અને ચોકસાઈ જાળવવાની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી હતી. લિકેજની સમસ્યાઓને તાત્કાલિક અસરથી અટકાવવા માટે તંત્રને વધુ સતર્ક બનવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ
આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય વિભાગના અપર મુખ્ય સચિવ રાજીવ ટોપનો, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, જળ પુરવઠા અને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, અપર અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ, ગાંધીનગર મહાનગર પાલિકા કમિશનર, જિલ્લા કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

