નિયમ ૫૦ ફૂટનો અને ખાડા ૧૫૦ ફૂટના! EC વગર અને ગેરકાયદેસર બ્લાસ્ટિંગથી ધમધમતી ક્વોરીઓ સામે તંત્રનો ‘ગાંધારી’ વલણ.
વલસાડ/નવસારી: દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં વિકાસના નામે વિનાશનો ખેલ ખેલાઈ રહ્યો છે. અહીં પથ્થર તોડવાના વ્યવસાયમાં ઉતરેલા ક્વોરી સંચાલકો હવે એટલા બેફામ બન્યા છે કે તેમને નથી કાયદાનો ડર રહ્યો કે નથી માનવ જિંદગીની કિંમતનો. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની કથિત મિલીભગતને કારણે આ વિસ્તારમાં પર્યાવરણ અને સુરક્ષાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે.
EC ના ઠેકાણા નથી ને મશીનો ગર્જે છે!
નિયમ મુજબ કોઈપણ ક્વોરી શરૂ કરતા પહેલા Environment Clearance (EC) મેળવવું ફરજિયાત છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે વલસાડ અને નવસારીની અનેક ક્વોરીઓ પાસે માન્ય પર્યાવરણીય મંજૂરી જ નથી. આમ છતાં, આ ક્વોરીઓ રાત-દિવસ ધમધમી રહી છે. અધિકારીઓ AC ઓફિસોમાં બેસીને ‘ઓલ ઈઝ વેલ’ ના રિપોર્ટ બનાવે છે, પણ ગ્રાઉન્ડ પર પ્રદૂષણ અને ધૂળની ડમરીઓએ લોકોનું જીવવું હરામ કરી દીધું છે.
“સવાલ એ થાય છે કે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ (EC) માત્ર કાગળ પર બતાવવા માટે છે કે પછી પર્યાવરણના રક્ષણ માટે? શું તંત્રના આશીર્વાદ વગર આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે ક્વોરીઓ ધમધમી શકે ખરી?”
પોલિસીનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનારા આ સંચાલકોને કોના આશીર્વાદ મળી રહ્યા છે?
ગેરકાયદે બ્લાસ્ટિંગ: ‘ભૂકંપ’ જેવા આંચકાથી મકાનોમાં તિરાડો
સૌથી ભયાનક બાબત ક્વોરીઓમાં થતું ગેરકાયદેસર બ્લાસ્ટિંગ છે. નિયમ મુજબ બ્લાસ્ટિંગ માટે ચોક્કસ સમય અને વિસ્ફોટકોની મર્યાદા નક્કી હોય છે, પરંતુ અહીં મર્યાદા કરતા વધુ તીવ્રતાના બ્લાસ્ટિંગ કરવામાં આવે છે. આ ધડાકાઓને કારણે આસપાસના ગામોમાં ભૂકંપ જેવો અનુભવ થાય છે અને ગરીબ આદિવાસીઓના મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ છે. રહેણાંક વિસ્તારની આટલી નજીક જોખમી વિસ્ફોટો કરવાની મંજૂરી કોણે આપી? શું તંત્ર કોઈ મોટી હોનારત કે મકાનો ધરાશાયી થવાની રાહ જોઈ રહ્યું છે?
મંજૂરી કરતા ૩ ગણું ખોદકામ: પાતાળ ચીરી નાખ્યું!
ખોદકામની ઊંડાઈ બાબતે પણ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. કાગળ પર મંજૂરી કદાચ ૪૦ થી ૫૦ ફૂટની હોય છે, પણ સ્થળ પર જઈને જોતા ૧૫૦ થી ૨૦૦ ફૂટ ઊંડા ‘મોતના કૂવા’ ખોદી નાખવામાં આવ્યા છે. નફાની લાલચમાં માફિયાઓએ ધરતીમાતાનું કાળજું ચીરી નાખ્યું છે. આ ગેરકાયદે ઊંડા ખોદકામને કારણે ભૂગર્ભ જળ સ્તર પાતાળમાં ઉતરી ગયા છે, જેનાથી સ્થાનિક ખેતી અને પીવાના પાણીના સ્ત્રોત સુકાઈ રહ્યા છે.
સેફ્ટીના નામે મીંડું: મજૂરોનો જીવ સસ્તો?
ક્વોરીઓમાં સેફ્ટી પોલિસી તો જાણે મજાક બની ગઈ છે. મજૂરો પાસે નથી હેલ્મેટ, નથી સેફ્ટી જેકેટ કે નથી સુરક્ષાના અન્ય સાધનો. જો કોઈ મજૂર અકસ્માતે જીવ ગુમાવે, તો તંત્ર અને માલિકોની મીલીભગતથી મામલો પૈસા ફેંકીને દબાવી દેવામાં આવે છે.
જનતાનો સવાલ: તપાસ કરશે કોણ?
શું કલેક્ટર તંત્ર કે ખાણ-ખનીજ વિભાગમાં એટલી હિંમત છે કે તેઓ નિષ્પક્ષ ડ્રોન સર્વે કરીને ગેરકાયદે ઊંડાઈ અને EC વગરની ક્વોરીઓ શોધી કાઢે?
સેફ્ટી વગરના ‘મોતના રસ્તા’ પર ડમ્પરોની દોડ
ક્વોરીની અંદર ઉંડાણમાંથી પથ્થર ભરીને ઉપર આવતા ડમ્પરો માટે જે રસ્તા (Ramps) બનાવવામાં આવ્યા છે, ત્યાં સુરક્ષાનું કોઈ જ નામોનિશાન નથી.
પ્રોટેક્શન વોલનો અભાવ: પહાડો ચીરીને બનાવેલા રસ્તાઓ પર કોઈ મજબૂત પ્રોટેક્શન વોલ કે પેરાપેટ નથી. જો જરાક પણ ચૂક થાય તો સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ડમ્પર ખાબકવાની પૂરેપૂરી શક્યતા છે.
મજૂરો અને ડ્રાઈવરો રામભરોસે: માલિકો માત્ર પથ્થર કાઢવાની ઉતાવળમાં રસ્તાની મજબૂતી કે સેફ્ટી ગાઈડલાઈન્સને નેવે મૂકે છે. ડ્રાઈવરોનો જીવ દરરોજ હથેળીમાં હોય છે, પણ તંત્રને માત્ર ‘રોયલ્ટી’ માં જ રસ હોય તેમ લાગે છે.