સોનગઢ હાઇવે પર RTOની ઝુંપડી, ખાટલા સાથે અડીંગો!

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

ચેકિંગના બહાને રસ્તા પર જ અડ્ડો, આરામ માટે ખાટલો, માર્ગ સલામતીને ખુલ્લો પડકાર, ઝુંપડીની બાજુમાં ખાટલો મૂકીને જાણે રસ્તા પર જ આરટીઓ કચેરી સાથે આરામગૃહ પણ ખોલી દેવામાં આવ્યું હોય તેવો દ્રશ્ય સર્જાયો

રાજ્યના મહત્વપૂર્ણ અને સોનગઢનાં વ્યસ્ત હાઇવે પર માંડળ ટોલ પ્લાઝા નજીક RTO વ્યારા દ્વારા કાયદા અને માર્ગ સલામતીના નિયમોને નેવે મૂકીને રસ્તા વચ્ચે જ અસ્થાયી ઝુંપડી ઉભી કરાઈ હોવાની ગંભીર હકીકત સામે આવી છે.ચેકિંગના નામે હાઇવેની મુખ્ય લેન પર જ લોખંડના બેરિકેડ, તાડપત્રીથી ઢાંકેલી ઝુંપડી અને આરામ માટે ખાટલો ગોઠવાતા વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.

“RTO GUJARAT” લખાયેલા બેરિકેડ પાછળ તાડપત્રીથી ઢાંકેલું માળખું ઊભું કરવામાં આવ્યું છે.આ ઝુંપડીની બાજુમાં ખાટલો મૂકીને જાણે રસ્તા પર જ આરટીઓ કચેરી સાથે આરામગૃહ પણ ખોલી દેવામાં આવ્યું હોય તેવો દ્રશ્ય સર્જાયો છે.હાઇવે જેવી ઝડપી માર્ગ પર આવી બેદરકારી અકસ્માતને આમંત્રણ આપતી હોવાનો આક્ષેપ સ્થાનિકો અને ડ્રાઇવરો કરી રહ્યા છે.હાઇવે પર વાહનો 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા હોય છે.આવી સ્થિતિમાં કોઈ આગોતરા ચેતવણી બોર્ડ, રિફ્લેક્ટર, સ્પીડ બ્રેકર કે યોગ્ય ડાયવર્ઝન વિના હાઇવે પર ચેકપોસ્ટ ઊભી કરવી ગંભીર બેદરકારી ગણાય.ખાસ કરીને રાત્રિના સમયે આ ઝુંપડી અને બેરિકેડ અચાનક નજરે પડતા નથી, જેના કારણે જીવલેણ અકસ્માત થવાની પૂરી શક્યતા છે. ડ્રાઇવરોનું કહેવું છે કે અચાનક રસ્તા વચ્ચે બેરિકેડ દેખાતા ભારે બ્રેક મારવી પડે છે, જેના કારણે પાછળથી આવતા વાહનો સાથે અથડામણનો ભય સતત રહે છે.

- Advertisement -

અહીં સવાલ એ ઊભો થાય છે કે જે વાહન અને માર્ગના નિયમો અમલમાં મૂકવા માટે જવાબદાર છે, એ જ વિભાગ દ્વારા હાઇવે પર આવા અસ્થાયી અને જોખમી માળખાં ઉભાં કરવું કેટલું કાયદેસર છે? શું હાઇવે પર ઝુંપડી અને ખાટલો મૂકીને ચેકિંગ કરવાની કોઈ સત્તાવાર મંજૂરી છે? જો અહીં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે?સ્થાનિક લોકો અને ટ્રક ડ્રાઇવરોમાં આ મામલે ભારે નારાજગી છે.વાહનચાલકો અને નાગરિકોની માંગ છે કે વ્યારા RTO દ્વારા હાઇવે પરથી તાત્કાલિક આ ઝુંપડી અને બેરિકેડ હટાવવામાં આવે, ચેકિંગ કામગીરી સર્વિસ રોડ કે નિર્ધારિત સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે અને આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. લોકોનું કહેવું છે કે,“ચેકિંગ જરૂરી છે, પરંતુ હાઇવે પર આરામ માટે ખાટલો પાથરી અડ્ડો જમાવવો અને રસ્તો બંધ કરવો શું યોગ્ય કહેવાય?”

બોક્ષ: વ્યારા આરટીઓ કચેરીમાં પણ એજન્ટ વિના કામ થતા નથી

વ્યારા: આરટીઓમાં એજન્ટ પ્રથા નાબૂદી માટે સરકાર વારંવાર પરિપત્રો બહાર પાડી રહી છે.પરંતુ આજે પણ તાપી જિલ્લાનાં મુખ્ય મથક વ્યારા ખાતે આવેલ આરટીઓની કચેરીમાં એજન્ટ વિના કોઇ કામ થતા નથી.એજન્ટ પ્રથા ધ્યાને આવે તો જે તે કચેરીના વડાની જવાબદારી ગણી કાર્યવાહી કરાશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે, આ અંગેની તપાસ કે કાર્યવાહી કરે કોણ? જો આરટીઓ કચેરીનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજ ચકાસવામાં આવે તો તમામ એજન્ટોની બિન અધિકૃતની પ્રવૃતિઓનાં સક્ષમ પુરાવા પણ મળી રહે તેમ છે.જોકે, આરટીઓનાં ગાંધીનગર બેશેલા ઉચ્ચ અધિકારીઓ આનાથી વાકેફ ન હોય તે વાત પણ અહીં ગળે ઉતરે તેમ નથી.કચેરીમાં એજન્ટ પ્રથા ચાલુ હોવાનું ધ્યાનમાં આવે તો જે તે કચેરીના વડાની અંગત જવાબદારી ગણીને નિષ્ફળતા બદલ કાર્યવાહી કરવા જણાવ્યુ છે. ત્યારે આ પરિપત્રનાં વ્યારાની આરટીઓ કચેરીએ લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે.

- Advertisement -

બોક્ષ: કલેક્ટર કચેરીએથી એજન્ટપ્રથા અટકાવવા જાહેરનામુ, પણ અમલ નહીં!

વ્યારા: અત્યારે RTO કચેરીમાં સંપૂર્ણપણે એજન્ટ પ્રથા નાબૂદ કરવામાં આવેલ છે.નિયમ અનુસાર કર્મચારીઓને સરકારી ખર્ચે યુનિફોર્મનું કાપડ આપવામાં આવે છે, અને સિલાઇ ખર્ચ પણ અપાય છે.પરંતુ કર્મી કે અધિકારીઓ નિયત ગણવેશ ઓફિસ અવર્સમાં ફરજ દરમ્યાન પહેરતા હોવાનું જણાયું નથી.સ્ટાફને ઓળખવો પણ મુશ્કેલ બન્યો છે.આર.ટી.ઓ. કચેરીમાં કામે જનાર વ્યકિતને કેમ્પસમાં પ્રવેશતાવેંત જ આસાનીથી એજન્ટનો ભેટો થઈ જાય છે. કોને મળવું છે શું કામ છે હું કરી આપું વગેરે પ્રશ્નો સાથે આરટીઓનાં બિલ્ડિંગમાં એજન્ટો ધામા નાખીને બેઠા જ હોય છે. કલેક્ટર કચેરી દ્વારા એજન્ટોની બિન જરૂરી અવર જવર અટકાવવા વારંવાર જાહેરનામાઓ પણ બહાર પાડવામાં આવી રહ્યા છે પણ તેનો કોઇ અમલ થતો નથી.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.