RBSK યોજનાથી જન્મજાત હૃદયરોગથી પીડિત બાળક કુલદીપને મળી નવી જિંદગી
ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામના એક સામાન્ય મજૂર પરિવારમાં જન્મેલા કુલદીપ મકવાણા માટે રાજ્ય સરકારની આરોગ્ય યોજના નવી આશા લઈને આવી છે. જન્મ બાદ આ બાળકને શ્વાસ ચઢવો અને ચાલવામાં તકલીફ જેવા ગંભીર લક્ષણો જણાતા હતા. છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા પિતા રવિભાઈ માટે પુત્રની મોંઘી સારવાર કરાવવી અશક્ય હતી, પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ(RBSK)ની ટીમે આંગણવાડીની મુલાકાત દરમિયાન આ બાળકની બીમારી પારખી લીધી હતી.
આંગણવાડીથી અમદાવાદ સુધીની સારવાર યાત્રા
આરબીએસકે(RBSK) ટીમના ડોક્ટરોએ તપાસ કરતા કુલદીપના હ્રદયમાં કાણું અને વાલ્વની તકલીફ હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ તેને ભાવનગરની સર ટી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ જટિલ સર્જરી માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. નિષ્ણાત તબીબો દ્વારા બાળકની ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને તેના હ્રદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
મજૂર પરિવારના બાળકને મળ્યું નવજીવન
અમદાવાદ ખાતે સફળ ઓપરેશન બાદ કુલદીપની તબિયતમાં ઝડપથી સુધારો જોવા મળ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ તબીબી ટીમ દ્વારા તેનું સતત ફોલોઅપ લેવામાં આવ્યું હતું. તાજેતરમાં કરવામાં આવેલી તપાસમાં તબીબોએ જાહેર કર્યું છે કે કુલદીપ હવે સંપૂર્ણપણે સ્વસ્થ અને ફિટ છે. પિતા રવિભાઈ અને તેમનો પરિવાર સરકારની આ નિઃશુલ્ક સારવારની મદદથી પોતાના વહાલસોયા પુત્રને રમતો જોઈને અત્યંત ગદગદિત થઈ ગયા છે.
સરકારી યોજના બની જરૂરિયાતમંદોની વહારે
આરબીએસકે યોજના અંતર્ગત થયેલી આ કામગીરી સમયસરના નિદાન અને યોગ્ય સારવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જો આંગણવાડીમાં સમયસર તપાસ ન થઈ હોત તો ગરીબ પરિવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો મુશ્કેલ હતો. સરકારની આ યોજનાને કારણે જ આજે કુલદીપ જેવા અનેક બાળકોને ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મળી રહી છે. આ સફળતા પાછળ તબીબી ટીમની રાત-દિવસની મહેનત અને સરકારની સંવેદનશીલતા રહેલી છે.
