જિલ્લા સ્તરે જ પ્રશ્નોનું નિવારણ થાય તે માટે કલેક્ટરોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ સૂચના
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કલેક્ટર કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને લોકોની રજૂઆતોનું ઝડપી અને પ્રામાણિક નિવારણ લાવવા સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, લોકોની સમસ્યાઓ સમજવા માટે સંવેદના હોવી જરૂરી છે. જો જિલ્લા સ્તરે જ પ્રશ્નો ઉકેલાશે, તો લોકોને ગાંધીનગર સુધીના ધક્કા ખાવા નહીં પડે અને વહીવટી તંત્ર પ્રત્યે જનતાનો ભરોસો વધુ મજબૂત બનશે.
ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી અને ઇફેક્ટિવનેસના મંત્ર સાથે નેતૃત્વ
મુખ્યમંત્રીશ્રીએ કલેક્ટરોને ‘ફિલ્ડ વિઝિટ’ (ક્ષેત્ર મુલાકાત) ને પ્રાધાન્ય આપવા અને સરકારી યોજનાઓના અમલીકરણનું જાતે મોનિટરિંગ કરવા જણાવ્યું હતું. તેમણે ઓનેસ્ટી (પ્રામાણિકતા), ઇન્ટીગ્રિટી (નિષ્ઠા), કોમ્પીટન્સ (ક્ષમતા) અને ઇફેક્ટિવનેસ (અસરકારકતા) ના ચાર સ્તંભો પર જિલ્લાના વહીવટનું નેતૃત્વ કરવા અનુરોધ કર્યો હતો. રાજ્યમાં નાણાંની કોઈ તંગી નથી, ત્યારે વિકાસના કામો ઝડપી અને ગુણવત્તાયુક્ત થાય તે જોવાની જવાબદારી કલેક્ટરની ટીમની છે.
મહેસુલી કામગીરીમાં સરળીકરણ અને પારદર્શિતા
મહેસૂલ રાજ્ય મંત્રી સંજય સિંહ મહિડાએ પણ જિલ્લા કલેક્ટરોને ‘સ્વામિત્વ યોજના’ હેઠળ પ્રોપર્ટી કાર્ડ વિતરણમાં ઝડપ લાવવા અને ફીડબેક મિકેનિઝમ સુધારવા સૂચન કર્યું હતું. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં જ તાલુકા કક્ષાએ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રિફોર્મ્સની જગ્યાઓ મંજૂર કરી છે, જેનાથી જમીન સંબંધિત પેન્ડિંગ કેસોનો નિકાલ ઝડપી બનશે. iORA, E-Dhara અને iRCMS જેવા પોર્ટલ્સ દ્વારા ઓનલાઇન કામગીરીની પણ સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે.
સાચી વ્યક્તિ પરેશાન ન થાય અને ખોટી વ્યક્તિ ફાવે નહીં
મુખ્યમંત્રીશ્રીએ કલેક્ટરોને હિંમત આપતા કહ્યું કે, સરકાર તમારી સાથે છે. સાચી વ્યક્તિ પરેશાન ન થાય અને ખોટી વ્યક્તિ કોઈ મુશ્કેલી ઉભી ન કરે તેવી સુઝબૂઝ સાથે નેક કામો કરવા જોઈએ. આ ઉપરાંત, સ્વસ્થ જીવનશૈલી માટે રાજ્ય સરકારે ઉપાડેલા ‘પ્રાકૃતિક ખેતી’ ના મિશનને દરેક જિલ્લામાં સફળ બનાવવા પણ કલેક્ટરોને આહવાન કરવામાં આવ્યું હતું. પરિષદમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવો અને તમામ જિલ્લાના કલેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.


