વાહુટિયા-૧ વિયર સહિત ૧૩૪ ચેકડેમોથી ડાંગ જિલ્લાના ખેડૂતો માટે સિંચાઇ ક્ષમતામાં નોંધપાત્ર વધારો
ડાંગ જિલ્લામાં વાર્ષિક સરેરાશ ૯૦ થી ૧૦૦ ઈંચ વરસાદ વરસે છે, છતાં ભૌગોલિક ઊંચાઈ અને પહાડી ઢોળાવને કારણે ચોમાસા બાદ પાણી વહી જાય છે અને ઉનાળામાં અછત સર્જાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓ પર મોટા ‘વિયર સ્ટ્રક્ચર’ અને ચેકડેમ બનાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે. સામાન્ય ચેકડેમોમાં કાંપ અને પથ્થરો ભરાઈ જવાની સમસ્યા રહેતી હોવાથી હવે વૈજ્ઞાનિક ઢબે મોટા વિયર બનાવવામાં આવી રહ્યા છે.
વાહુટીયા-૧ વિયર: સુબીર માટે આશાનું કિરણ
સુબીર તાલુકાના અંતરિયાળ વાહુટીયા ગામે પૂર્ણા નદીની પ્રશાખા પર ₹૫.૯૭ કરોડના ખર્ચે ‘વાહુટીયા-૧ વિયર’ કાર્યરત કરવામાં આવ્યો છે.
-
પરિમાણ: ૪૭.૧૬ મીટર લંબાઈ અને ૯.૮૦ મીટર ઊંચાઈ ધરાવતું આ સ્ટ્રક્ચર પાણીથી છલોછલ છે.
-
ક્ષમતા: ૫.૨૦ NCFT જળ સંગ્રહ શક્તિ સાથે ૪૨.૧૦ હેક્ટર જમીનને પિયત અને બાગાયતી ખેતી માટે લાભ મળશે.
ડાંગમાં ચેકડેમોનું નેટવર્ક અને ભવિષ્યનું આયોજન
રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા અત્યાર સુધી કુલ ₹૮૨૨૨.૪૭ લાખના ખર્ચે ૧૩૪ ચેકડેમોનું નિર્માણ પૂર્ણ કરી ૨૮૪૦ હેક્ટર વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો છે.
| વિભાગનું નામ | કામોની સંખ્યા | ખર્ચ (લાખમાં) | લાભાન્વિત વિસ્તાર (હેક્ટર) |
| દમણગંગા યોજના વર્તુળ-વલસાડ | ૨૪ | ૨૦૧૫.૨૩ | ૮૭૬ |
| ઉકાઈ વર્તુળ-ઉકાઈ | ૧૧૦ | ૬૨૦૭.૨૪ | ૧૯૬૪ |
| કુલ | ૧૩૪ | ૮૨૨૨.૪૭ | ૨૮૪૦ |
આગામી લક્ષ્યાંક:
-
પ્રગતિ હેઠળના કામો: ₹૪૭૧૧ લાખના ૮ ચેકડેમોનું કામ ચાલુ છે.
-
વર્ષ ૨૦૨૫-૨૬ નું આયોજન: ₹૭૭૪૨ લાખના ખર્ચે નવા ૨૨ ચેકડેમ/વિયર બનાવવાનું આયોજન છે.
-
વિશિષ્ટ પ્રોજેક્ટ: ધોધલીધાટમાં ૫ વિયરોની આખી શ્રેણી બનાવવામાં આવશે, જે ડાંગની ખેતીનો નકશો બદલી નાખશે.

