કાઠડા ગામે એર સ્ટ્રીપના વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન: હાઈકોર્ટ અને સુપ્રીમમાં નિષ્ફળતા બાદ હવે જનતાની અદાલત
માંડવી તાલુકાના કાઠડા ગામે એર સ્ટ્રીપ વિસ્તરણનો સૂચિત પ્રોજેક્ટ આવી રહ્યો છે જેના માટે ફાળવણી કરવામાં આવેલી 587 એકર ગૌચર જમીન કપાતમાં જવાની વીતી થી ગામમાં મોટા પાયે કરવામાં આવતા પશુપાલનના વ્યવસાય અને ગાયો ઉપર તેની સીધી અસર પડી શકે છે.
જેના માટે પ્રથમ હાઇકોર્ટમાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજ કરાઈ હતી જે ખારીજ કરી દેવામાં આવતા કાઠડા ગામેથી સોનલ માતાજીના મંદિરે સરપંચ સોનલબેન ભારૂભાઇ ગઢવી સાથે 500 જેટલી બહેનોએ પોસ્ટ કાર્ડ લખી કાઠડા ગામની ગૌચર જમીન બચાવવા વડાપ્રધાન શ્રી પાસે ગુહાર કરવામાં આવી છે.
આ પોસ્ટકાર્ડમાં વડાપ્રધાન ને લખવામાં આવ્યું છે કે, આપશ્રી ગુજરાત ના મુખ્યમંત્રી પદ પર બિરાજમાન હતા ત્યારે આપશ્રી જ્યારે ૨૦૧૪ માં પ્રધાનમંત્રી બનવા જઈ રહયા હતા ત્યારે આપ શ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાત ની માઁ બહેન કે દીકરી ને કાઈ પણ તકલીફ પડે તો મને ફક્ત એક પોસ્ટ કાર્ડ મોકલશો ત્યારે હાલ હમણાં માંડવી તાલુકાના કાઠડા ગામ માં જે એર સ્ટ્રીપ માટે કચ્છ ના કલેકટર સાહેબ દ્વારા ૫૮૭ એકર ફળદ્રુપ ગૌચર જમીન ની ફાળવણી કરવામાં આવેલ છે ત્યારે અમે ચારણ સમાજ જે માલધારી સમાજ છે આ એર સ્ટ્રીપ માં જે જમીન જશે એમાં અમારી આજીવિકા છીનવાઈ રહી છે કાઠડા ગામ ની મહિલાઓ આત્મનિર્ભર બનવા ગામ ની દૂધ ની ડેરીઓ ચલાવે છે. આ અમારી રોજીરોટી ના છીનવાઈ એટલે આ પ્રોજેક્ટ ને અન્ય જગ્યા અથવા ફેર વિચારણા કરવામાં આવે એવી એક બહેન અને દીકરી તરીકે આપ શ્રી ને અપીલ સાથે નમ્ર અરજ છે તેવી વિનંતી કરતું પોસ્ટકાર્ડ વડાપ્રધાનને લખવામાં આવ્યું છે.
કાઠડા ગામની ગૌચર જમીન બચાવવા માટે પ્રથમ હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં નિષ્ફળતા મળ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર સૌ ગ્રામજનોની મીટ મંડાઈ છે. કાઠડા ગામની ગૌચર જમીન બચાવવા માટે વિવિધ આયોજનો અને ગાંધી ચિંધ્યા માર્ગે પ્રયાસો અવિરત કરવામાં આવશે તેવુ ગામના આગેવાન ભારુભાઈ ગઢવી એ જણાવ્યું હતું.
