જળવાયુ પરિવર્તનને કારણે સર્જાયો વિનાશ! ભયાનક સ્થિતિમાં જીવી રહ્યા છે લોકો, 100 થી વધુ જીવ ગયા

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

ક્લાઈમેટ ચેન્જને કારણે હવામાનની ઘટનાઓ બની રહી છે વધુ ઘાતક: દક્ષિણ આફ્રિકામાં હાહાકાર, 100 થી વધુના મોત

દુનિયાના તમામ દેશોમાં હવે જળવાયુ પરિવર્તન (Climate Change) ની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. દક્ષિણ આફ્રિકા હાલમાં એક એવો પ્રદેશ બની ગયો છે જ્યાં હવામાન સંબંધિત ઘટનાઓ ગંભીર ચિંતાનો વિષય બની છે. તાજેતરના સંશોધનમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

વિશ્વભરમાં ક્યાંક વાવાઝોડું, ક્યાંક હિમવર્ષા, ક્યાંક અતિભારે વરસાદ તો ક્યાંક અસહ્ય ગરમી જેવી ઘટનાઓએ સમગ્ર માનવજાતને પ્રભાવિત કરી છે. આ ફેરફારો પાછળનું સૌથી મોટું કારણ માનવીય પ્રવૃત્તિઓ છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, માનવસર્જિત ક્લાઈમેટ ચેન્જને કારણે દક્ષિણ આફ્રિકાના કેટલાક ભાગોમાં વરસાદ અને પૂર વધુ વિનાશક બન્યા છે. આ આપત્તિમાં અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3 લાખથી વધુ લોકો બેઘર થયા છે.

- Advertisement -

માત્ર 10 દિવસમાં આખા વર્ષ જેટલો વરસાદ

વર્લ્ડ વેધર એટ્રીબ્યુશન (WWA) ના અભ્યાસમાં દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક, ઝિમ્બાબ્વે અને ઇસ્વાતિનીમાં થયેલા અતિભારે વરસાદનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ, આ વિસ્તારમાં માત્ર 10 દિવસમાં આખા વર્ષ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ઘરો, રસ્તાઓ, પુલો અને અન્ય માળખાગત સુવિધાઓને ભારે નુકસાન થયું છે. આ આર્થિક નુકસાન લાખો ડોલરમાં આંકવામાં આવી રહ્યું છે. મોઝામ્બિકમાં અનેક વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

word2.jpg

- Advertisement -

વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમનો અભ્યાસ

વિશ્વભરના વૈજ્ઞાનિકોની એક ટીમે પીઅર-રિવ્યુડ પદ્ધતિઓનો ઉપયોગ કરીને આ અભ્યાસ તૈયાર કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે વરસાદની તીવ્રતામાં 40 ટકાનો વધારો થયો છે. આ વધારો પૂર્વ-ઔદ્યોગિક કાળની તુલનામાં માનવ-સર્જિત ક્લાઈમેટ ચેન્જને કારણે થયો છે. વર્તમાન ‘લા નીના’ (La Niña) પેટર્નને કારણે વાતાવરણમાં ભેજ વધ્યો છે, જે ગરમ વાતાવરણમાં વધુ ઘાતક સાબિત થઈ રહ્યો છે.

વરસાદની તીવ્રતા કેમ વધી રહી છે?

રોયલ નેધરલેન્ડ હવામાન સંસ્થાના વરિષ્ઠ સંશોધક ઇજિદીન પિંટોએ જણાવ્યું કે, “અમારું વિશ્લેષણ સ્પષ્ટ કરે છે કે અશ્મિભૂત ઇંધણ (Fossil Fuels) ના સતત દહનને કારણે માત્ર વરસાદની તીવ્રતા જ નથી વધી, પરંતુ સામાન્ય ઘટનાઓ પણ હવે ગંભીર પૂરનું સ્વરૂપ લઈ રહી છે.”

અપેક્ષા કરતા વધુ ભયાનક સ્થિતિ

મોઝામ્બિક હવામાન સેવાના સંશોધક બર્નાર્ડિનો ન્હાન્ટુમ્બોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “આ ઘટના અમારા માટે આશ્ચર્યજનક હતી. અમે 25 વર્ષ પહેલા આવું પૂર જોયું હતું. કેટલીક જગ્યાએ 2 થી 3 દિવસમાં એટલો વરસાદ થયો જેટલો આખી ચોમાસાની સીઝનમાં થતો હોય છે.”

- Advertisement -

word.jpg

ભૂગોળ પણ જવાબદાર: 9 નદીઓનું સંગમસ્થાન

મોઝામ્બિક ભૌગોલિક રીતે 9 મુખ્ય નદીઓના નીચાણવાળા વિસ્તારમાં આવેલું છે. આથી જ્યારે પણ ભારે વરસાદ થાય છે ત્યારે નદીઓમાં આવતા ઉછાળાને કારણે નુકસાન અનેકગણું વધી જાય છે. ગાઝા પ્રાંતની રાજધાની ઝાઈ-ઝાઈ અને ચોકવે શહેર અત્યારે પાણીમાં ડૂબેલા છે.

નિષ્ણાતોનો આગ્રહ: આફ્રિકા માટે અલગ મોડેલની જરૂર

લંડનની ઈમ્પિરિયલ કોલેજના પ્રોફેસર ફ્રીડેરિક ઓટોએ ભાર મૂક્યો હતો કે આફ્રિકા માટે સ્થાનિક ક્લાઈમેટ મોડેલ વિકસાવવા ખૂબ જરૂરી છે. હાલમાં મોટાભાગના મોડેલ અમેરિકા કે યુરોપમાં બનેલા છે, જે આફ્રિકાના હવામાનની સચોટ આગાહી કરવામાં નિષ્ફળ રહે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.