જમીન, પાણી અને હવાના સંતુલિત ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં આત્મનિર્ભર બનતા ખેડૂતો
પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય ખેતી પાકની સાથે સહજીવી પાક ઉગાડવાની વિશેષ પદ્ધતિ અપનાવવામાં આવે છે. આ પાકો એકબીજાને પૂરક બનીને પોષણ પૂરું પાડે છે, જેનાથી ખેતીનો ખર્ચ નહિવત થઈ જાય છે. મુખ્ય પાકનો ખર્ચ તો સહજીવી પાકની આવકમાંથી જ નીકળી જાય છે અને મુખ્ય પાક ખેડૂતને બોનસ રૂપે મળે છે. આ પદ્ધતિમાં તમામ સંસાધનો ખેડૂતના ઘરે જ ઉપલબ્ધ હોવાથી ગામની મૂડી ગામમાં જ રહે છે.
જળચક્ર દ્વારા કુદરતી સિંચાઈ વ્યવસ્થા
પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવાણુઓની પ્રવૃત્તિથી જમીન છિદ્રાળુ અને ભરભરી બને છે, પરિણામે વરસાદનું પાણી જમીનમાં ઊંડે સુધી ઉતરે છે. ઉનાળામાં જ્યારે ઉપરની સપાટી પર પાણીની અછત હોય ત્યારે કેશાકર્ષણ દ્વારા જમીનમાં સંગ્રહિત ભેજ પોષક તત્વો સાથે છોડના મૂળ સુધી પહોંચે છે. આ જળ વ્યવસ્થાપન અતિવૃષ્ટિ અને અછત બંને પરિસ્થિતિમાં પાકને સુરક્ષિત રાખીને પૂરતો ભેજ પૂરો પાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
ખાદ્યચક્ર અને સૂર્યપ્રકાશનું મહત્વ
છોડના વિકાસમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો હિસ્સો લગભગ ૯૫ થી ૯૬ ટકા જેટલો હોય છે. આ પદાર્થો સૂર્યપ્રકાશ, હવા અને પાણીના સંયોજનથી પ્રકાશસંશ્લેષણ દ્વારા કુદરતી રીતે જ તૈયાર થાય છે. પ્રાકૃતિક કૃષિમાં વાપ્સા, આચ્છાદન અને મિશ્રપાક જેવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, જે છોડની ખોરાકની જરૂરિયાત સંતોષે છે. આ વ્યવસ્થાપન દ્વારા ખેડૂતોએ બહારથી કોઈ કૃત્રિમ પોષણ આપવાની જરૂરિયાત રહેતી નથી.
નાઇટ્રોજનચક્ર અને કુદરતી પોષણ
હવામાં ૭૮ ટકા નાઇટ્રોજન રહેલો છે અને પ્રાકૃતિક ખેતીમાં આ નાઇટ્રોજન મેળવવાની કુદરતી વ્યવસ્થા કાર્યરત છે. વીજળીના ચમકારા વખતે નાઇટ્રોજન પાણીમાં ઓગળીને જમીનને મળે છે અને જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ તેને છોડ ઉપયોગ કરી શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે. આ નાઇટ્રોજન ચક્રને કારણે ખેતીમાં યુરિયા કે અન્ય રાસાયણિક ખાતરોની કોઈ જ જરૂર રહેતી નથી અને પાકની વૃદ્ધિ કુદરતી રીતે વેગવંતી બને છે.

