બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાને લાગ્યો ઝટકો, કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં ફટકારી 10 વર્ષની સજા
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે હસીનાને ભ્રષ્ટાચારના કેસમાં 10 વર્ષની સજા સંભળાવી છે.
બાંગ્લાદેશની એક અદાલતે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સરકારી હાઉસિંગ પ્રોજેક્ટમાં જમીનની ફાળવણીમાં કથિત ગેરરીતિઓ સાથે જોડાયેલા 2 અલગ-અલગ ભ્રષ્ટાચારના કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારી છે. સરકારી ન્યૂઝ એજન્સી BSS ના રિપોર્ટ અનુસાર, ઢાકા સ્પેશિયલ જજ કોર્ટ-4 ના જજ રબીઉલ આલમે ચુકાદો આપતા હસીનાને કુલ 10 વર્ષની જેલની સજા આપી છે — દરેક કેસમાં 5-5 વર્ષની.
હસીના સિવાય આ લોકોને પણ સંભળાવવામાં આવી સજા
અદાલતે 78 વર્ષીય હસીના, તેમના ભત્રીજા રાદવાન મુજીબ સિદ્દીક, અને તેમની ભત્રીજીઓ ટ્યૂલિપ રિઝવાના સિદ્દીક અને અઝમીના સિદ્દીક તેમજ અન્ય લોકોને પૂર્બાચોલમાં રાજુક ન્યૂ ટાઉન પ્રોજેક્ટ હેઠળ પ્લોટની ફાળવણીમાં કથિત ગેરરીતિઓના કેસમાં સજા સંભળાવી છે. ટ્યૂલિપ સિદ્દીકને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે (દરેક કેસમાં 2-2 વર્ષ). રાદવાન મુજીબ સિદ્દીક અને અઝમીના સિદ્દીકને બંને કેસમાં 7-7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
અદાલતે તમામ દોષિતો પર ફટકાર્યો દંડ
મોહમ્મદ ખુર્શીદ આલમ, જે અદાલત સમક્ષ શરણે થનાર એકમાત્ર આરોપી હતા, તેમને દરેક કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, કુલ મળીને 2 વર્ષ. અદાલતે તમામ દોષિત વ્યક્તિઓ પર 1 લાખ ટકાનો દંડ પણ ફટકાર્યો છે અને દંડ ન ભરવા બદલ તેમને વધારાના છ મહિના જેલમાં વિતાવવાનો આદેશ આપ્યો છે.
હસીનાને સંભળાવવામાં આવી હતી મૃત્યુદંડની સજા
દરમિયાન એ પણ જણાવી દઈએ કે, બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે ગયા વર્ષે નવેમ્બરમાં પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેમના સહયોગી, પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલને વિદ્યાર્થીઓના વિદ્રોહ દરમિયાન માનવતા વિરુદ્ધના અપરાધ માટે તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી. હસીના ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ મોટા પાયે થયેલા વિરોધ પ્રદર્શનો બાદ બાંગ્લાદેશ છોડીને ભારતમાં રહી રહ્યા છે.

