રવાન્ડા સમર્થિત M23નો કોંગોના દક્ષિણ કિવુ પર મોટો હુમલો: ૪૦૦થી વધુ નાગરિકોની કરૂણ હત્યાથી વૈશ્વિક આક્રોશ!
આફ્રિકાના ગ્રેટ લેક્સ ક્ષેત્રમાં ચાલી રહેલો સંઘર્ષ ફરી એકવાર લોહીયાળ બની ગયો છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા શાંતિ કરારો હોવા છતાં, હિંસા ચરમસીમાએ પહોંચી છે. રવાન્ડા સમર્થિત સશસ્ત્ર જૂથ M23 (માર્ચ ૨૩ મૂવમેન્ટ) દ્વારા પૂર્વીય કોંગોના દક્ષિણ કિવુ પ્રાંતમાં કરવામાં આવેલા ભીષણ હુમલામાં ૪૦૦થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા હોવાના પ્રાદેશિક અધિકારીઓના અહેવાલો છે. આ હત્યાકાંડના પગલે કોંગો અને રવાન્ડા વચ્ચેનો સંઘર્ષ વિરામ (Ceasefire) ફરી તૂટી ગયો છે, જેનાથી સમગ્ર ક્ષેત્રમાં ભય અને તણાવની સ્થિતિ સર્જાઈ છે.
લોહીયાળ હુમલો અને કબજો
દક્ષિણ કિવુ પ્રાંતના પ્રવક્તાએ બુધવારે મોડી રાત્રે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રાદેશિક રાજધાની બુકાવુ અને વ્યૂહાત્મક શહેર યુવીરા (Uvira) વચ્ચેના વિસ્તારોમાં ગોળીઓ, ગ્રેનેડ અને બોમ્બના હુમલામાં ૪૧૩થી વધુ નાગરિકો માર્યા ગયા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને યુવાનોનો સમાવેશ થાય છે.
M23 સશસ્ત્ર જૂથે દક્ષિણ કિવુ પ્રાંતમાં પોતાનો હુમલો વધાર્યો છે. બુધવારે બપોર પછી M23ના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેમણે પૂર્વીય કોંગોના મહત્વપૂર્ણ બંદર શહેર યુવીરા પર કબજો કરી લીધો છે. યુવીરા ટાંગાનિકા તળાવના ઉત્તરીય છેડે આવેલું એક મુખ્ય વેપારી કેન્દ્ર છે.
શાંતિ કરારનો ભંગ અને રવાન્ડાની સંડોવણી
M23નો આ હુમલો અમેરિકાની મધ્યસ્થીથી ગત સપ્તાહે વોશિંગ્ટનમાં કોંગો અને રવાન્ડાના પ્રમુખો વચ્ચે થયેલા શાંતિ કરાર (Peace Agreement) છતાં થયો છે. જોકે, તે કરારમાં M23 બળવાખોર જૂથનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
કોંગો સરકાર અને યુએન નિષ્ણાતો લાંબા સમયથી રવાન્ડા પર M23 જૂથને સમર્થન આપવાનો, સશસ્ત્ર તાલીમ આપવાનો અને તેના માટે લડવૈયાઓ પૂરા પાડવાનો આરોપ લગાવી રહ્યા છે, જેને રવાન્ડા નકારે છે. જોકે, દક્ષિણ કિવુ સરકારના પ્રવક્તાએ દાવો કર્યો છે કે યુવીરા શહેરમાં હાજર દળોમાં રવાન્ડાના વિશેષ દળો (Rwandan Special Forces) અને તેમના કેટલાક વિદેશી ભાડૂતી સૈનિકો (Foreign Mercenaries) સામેલ છે. તેમણે આ કાર્યવાહીને સંઘર્ષ વિરામ અને વોશિંગ્ટન-દોહા કરારોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે.
બીજી તરફ, રવાન્ડાના વિદેશ મંત્રાલયે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવા બદલ કોંગોના સશસ્ત્ર દળો (FARDC) પર દોષનો ટોપલો ઢોળ્યો છે.
માનવતાવાદી સંકટ અને વૈશ્વિક અપીલ
કોંગોના ખનીજ-સમૃદ્ધ પૂર્વીય વિસ્તારમાં ૧૦૦થી વધુ સશસ્ત્ર જૂથો સક્રિય છે, જેમાં M23 સૌથી પ્રભાવશાળી છે. આ સંઘર્ષે વિશ્વના સૌથી ગંભીર માનવતાવાદી સંકટોમાંનું એક સર્જ્યું છે, જેમાં યુએન શરણાર્થી એજન્સીના જણાવ્યા અનુસાર ૭૦ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે દક્ષિણ કિવુમાં હિંસાના વધારા અને તેના માનવતાવાદી પરિણામો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે તત્કાળ અને બિનશરતી રૂપે દુશ્મની સમાપ્ત કરવાની હાકલ કરી છે. આફ્રિકન યુનિયનના અધ્યક્ષે પણ નાગરિક વસ્તી સામે આચરવામાં આવેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તમામ પક્ષોને સંયમ રાખવા જણાવ્યું છે.
યુવીરા પર M23ના કબજા અને ૪૦૦થી વધુ નાગરિકોની હત્યાએ સંકેત આપ્યો છે કે પ્રાદેશિક શાંતિના પ્રયાસો નિષ્ફળ ગયા છે અને યુદ્ધ વધુ વિસ્તરવાની શક્યતા છે.

